રોકેટ પર સરકારે પ્રતિબંધ લાદવો જોઈએ?— નિમેશ ગોંડલિયા

દિવાળીની ખુશી વચ્ચે વધતી આગની ઘટનાઓ પર ગંભીર વિચાર
— નિમેશ ગોંડલિયા
ભારત ઉત્સવપ્રિય દેશ છે. અહીં દરેક તહેવારનું પોતાનું પારંપરિક અને ધાર્મિક મહત્વ છે. એમાં દિવાળી એ એવો તહેવાર છે જે પ્રભુ શ્રીરામ અયોધ્યામાં વનવાસ પૂરો કરીને પરત આવ્યા ત્યારે નગરજનો એ દીવા પ્રગટાવી આનંદ વ્યક્ત કર્યો હતો. ત્યારથી આ તહેવાર પ્રકાશ અને ખુશીની ઉજવણી રૂપે દર વર્ષે ઉજવવામાં આવે છે.
પરંપરા મુજબ લોકો દિવાળીના દિવસે મીઠાઈ વહેંચે છે, નવા કપડા પહેરે છે અને નવા વર્ષની શરૂઆત આનંદપૂર્વક કરે છે. પરંતુ સમય સાથે ખુશી વ્યક્ત કરવાનો સ્વરૂપ બદલાયું છે. હવે ફટાકડા અને ખાસ કરીને રોકેટ ફટાકડા એ ઉજવણીનો અભિન્ન ભાગ બની ગયા છે.
રોકેટ આકાશમાં ઉડીને રંગબેરંગી પ્રકાશ ફેલાવે છે, જે સૌને મંત્રમુગ્ધ કરે છે. પરંતુ આ સુંદર દ્રશ્ય પાછળ એક ખતરનાક સત્ય છુપાયેલું છે. રોકેટ જો દિશા બદલી દે અથવા ખોટી જગ્યાએ પડે તો વિનાશક બની શકે છે.
તાજેતરમાં એક મોટા શહેરમાં રોકેટ ઉડીને રવેશમાં મુકેલી કબૂતરની જાળી પર પડ્યું. જાળી સળગતાં બારીના કાચ ગરમ થઈ તૂટી પડ્યા. અંદર સિલ્કનો પરદો આગ પકડી ગયો અને થોડી જ વારમાં આખું ઘર આગની લપેટમાં આવી ગયું. એ જ રીતે, તાજેતરમાં એક યુવતીના ચહેરા પર આડું ઉડેલું રોકેટ અથડાતા તેનું મોત થયું — એક ભયાનક દુર્ઘટના જે સૌને ચેતવણી આપે છે.
સરકારએ અગાઉ ચાઈનીઝ તુકકલો પર પ્રતિબંધ મૂકી આગના બનાવો ઘટાવ્યા હતા. હવે એ જ રીતે રોકેટ જેવા જોખમી ફટાકડાઓ પર પણ નીતિગત નિર્ણય લેવો જરૂરી છે.
દિવાળી ખુશીની છે, પરંતુ ખુશી એ રીતે વ્યક્ત થવી જોઈએ કે જેનાથી કોઈને નુકસાન ન થાય.
ખરેખર વિચારવાનો સમય આવી ગયો છે —
આનંદ ઉજવીએ પણ સુરક્ષાની હદમાં રહીને. કારણ કે જીવ બચાવવો એ જ સાચી ઉજવણી છે.
