પોરબંદર ભોઈ સમાજનું ગૌરવ: રાજ્ય સ્તરની પ્રતિષ્ઠિત “આપણી સરહદ ઓળખો ૨૦૨૫–૨૬” શિબિરમાં મજૂકોડિયા ભાઈ–બહેનની પસંદગી

પોરબંદર ભોઈ સમાજનું ગૌરવ: રાજ્ય સ્તરની પ્રતિષ્ઠિત “આપણી સરહદ ઓળખો ૨૦૨૫–૨૬” શિબિરમાં મજૂકોડિયા ભાઈ–બહેનની પસંદગી
ગુજરાત સરકારના કિમ-શનરશ્રી તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી, કચ્છ-ભૂજના સંયુક્ત ઉપક્રમે આયોજિત રાજ્ય સ્તરની પ્રતિષ્ઠિત સાહસિક શિબિર “આપણી સરહદ ઓળખો ૨૦૨૫–૨૬” માટે પોરબંદર ભોઈ સમાજના બે પ્રતિભાશાળી યુવાનો—મજૂકોડિયા રોહિત અને મજૂકોડિયા ભૂમિની પસંદગી થવા પોરબંદર જિલ્લામાટે ગૌરવની ક્ષણ છે. આ શિબિર ૨૪ નવેમ્બરથી ૩ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન યોજાઈ હતી.
આ કાર્યક્રમ માટે સમગ્ર ગુજરાતમાંથી આશરે 1500 જેટલી અરજીઓ પ્રાપ્ત થઈ હતી જેમાંથી ફક્ત 100 યુવાનોની જ અંતિમ પસંદગી કરવામાં આવી. જેમાં પોરબંદર જિલ્લામાંથી ભોઈ સમાજના આ ભાઈ–બહેનની પસંદગી થવી સમાજ માટે ગૌરવની વાત છે. શારીરિક ક્ષમતા, મેડિકલ ફિટનેસ, તથા સામાજિક કાર્ય જેવા માપદંડોને આધારે યુવાનોની પસંદગી કરવામાં આવી હતી.
શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં રાષ્ટ્રભાવના જાગૃત કરવો, ભારતીય સરહદોની સુરક્ષા વ્યવસ્થા વિશે પ્રત્યક્ષ જ્ઞાન પૂરું પાડવું, તેમજ સરહદ પર રહેતા જવાનોના જીવન અને પડકારોને નજીકથી સમજાવવાનું છે. દસ દિવસ સુધી ચાલેલી આ શિબિરમાં વિવિધ સાહસિક, શૈક્ષણિક તેમજ સંસ્કૃતિક પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
શિબિર દરમિયાન યુવાનોને કચ્છ-ભૂજ સરહદ વિસ્તારનો વિશાળ અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. જેમાં ધોળાવીરા, રોડ ટુ હેવન, કાળા ડુંગર, કુરન ગામ, ઇન્ડિયા બ્રિજ, હરદોઈ પોસ્ટ, જીરો લાઈન સીમાદર્શન, તેમજ સફેદ રણ, નખત્રાણા, ધીણોધર પર્વતારોહણ, માતાનો મઢ, ઇતિહાસપ્રસિદ્ધ લખપતનો કિલ્લો, ગુરુદ્વારા મુલાકાત, કાતિલીક દરગાહ, નારાયણ સરોવર, કોટેશ્વર મંદિર, જખો બંદર, પીંગલેશ્વર મંદિર, વાહનતટ પરિભ્રમણ, મોમાઈ મોરા મંદિર, નળાબેટ, BSF મ્યુઝિયમ અને પરેડ, વગેરે મહત્વપૂર્ણ સ્થળોની મુલાકાત સામેલ હતી.
આ પ્રવાસ દરમિયાન યુવાનોએ BSF જવાનોના ત્યાગ, મુશ્કેલીભર્યા જીવન, સરહદ ગામોના લોકજીવન, પાણીની અછત વચ્ચે જીવવાની કળા, તેમજ કુદરત સાથે માનવનો સહઅસ્તિત્વ કેવી રીતે રચાય છે તેનું વ્યવહારુ જ્ઞાન પ્રાપ્ત કર્યું. આ ઉપરાંત ઐતિહાસિક ધરોહર જેવા કે આઈના મહેલ, પ્રાગ મહેલ, કચ્છ મ્યુઝિયમ, હમીસર તળાવ, સ્વામિનારાયણ મંદિર, તથા ગાંધી ગામની મુલાકાત લઈને કચ્છની સંસ્કૃતિ અને પરંપરાનો પણ ઊંડો અભ્યાસ કર્યો.
મજૂકોડિયા રોહિત અને મજૂકોડિયા ભૂમિએ જણાવ્યું કે આવા કાર્યક્રમો યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ, જવાબદારીની ભાવના તેમજ કુદરત પ્રત્યે સંવેદના વિકસાવે છે. દરેક યુવાને આવી સાહસિક પ્રવૃત્તિમાં ભાગ લઈને સરહદના જવાનોના જીવન અને બલિદાનને નજીકથી સમજવું જોઈએ તેમજ પાણી અને પ્રકૃતિના સંરક્ષણનું મહત્વ અનુભવું જોઈએ એવો સંદેશ તેમણે પોરબંદરના તમામ યુવાનોને પાઠવ્યો.
આ પસંદગી પોરબંદર જિલ્લામાં તેમજ ભોઈ સમાજમાં ગર્વ અને પ્રેરણાનું માહોલ સર્જે છે. સમાજના યુવાનોને આગળ આવી આવી તકનો લાભ લેવા માટે પ્રોત્સાહન પૂરું પાડવાનું તેઓએ આગ્રહપૂર્વક જણાવ્યું.
