રાણાવાવમાં પત્ની પર ત્રાસ અને મારકૂટ કેસમાં આરોપીને સાત વર્ષની સજા


રાણાવાવ ખાતે પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપવાના ગંભીર ગુનામાં આરોપીને કોર્ટ દ્વારા કડક સજા ફટકારવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, તા. 10/04/2022 ના રોજ રાણાવાવ બાયપાસ નજીક સ્વામી વિવેકાનંદ સ્કૂલ પાસેના સાતવાડી સીમ વિસ્તારમાં રહેતી ફરીયાદી ભીનીબેન રાજુભાઈ ખુંટી અને તેમના પતિ રાજુ રાયદેભાઈ ખુંટી વચ્ચે ઘરેલુ વિવાદ થયો હતો. આરોપીએ દારૂ પીવાનું કહેતા પત્નીએ ના પાડતા ઉશ્કેરાઈ જઈ, ઘરમાં પડેલા લાકડાના ધોકાથી ફરીયાદીને પગ અને કમરના ભાગે માર માર્યો હતો. વધુમાં, માથું દીવાલ સાથે અથડાવી ગંભીર ઈજાઓ પહોંચાડી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આ બનાવ અંગે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા કલમ 498(ક), 323, 324, 504, 506(2) તેમજ જી.પી. એક્ટ કલમ 135 હેઠળ ગુનો નોંધાયો હતો. કેસ રાણાવાવ કોર્ટમાં ફોજદારી કેસ નં. 610/2022 તરીકે ચલાવવામાં આવ્યો હતો.
સરકાર તરફથી સહાયક જાહેર વકીલ (APP) જે.એલ. ઓડેદરા દ્વારા કેસની ગંભીરતા રજૂ કરી અને મહિલાઓ પર થતાં અત્યાચાર સામે કડક કાર્યવાહી જરૂરી હોવાનું દલીલ કરી હતી. રજૂ થયેલા મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓના આધારે કોર્ટએ આરોપી વિરૂદ્ધ ગુનો નિઃસંદેહ સાબિત માન્યો હતો.
રાણાવાવ કોર્ટના જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ એન.એલ. શર્માએ આરોપીને નીચે મુજબ સજા ફટકારી:
કલમ 498(ક) હેઠળ 3 વર્ષની સજા અને રૂ. 4,000 દંડ
કલમ 324 હેઠળ 3 વર્ષની સજા અને રૂ. 5,000 દંડ
કલમ 323 હેઠળ 1 વર્ષની સજા અને રૂ. 1,000 દંડ
આ રીતે કુલ સાત વર્ષની કેદ અને રૂ. 10,000 દંડની સજા ફટકારવામાં આવી છે.
આ ચુકાદો મહિલાઓ પર થતા અત્યાચાર સામે કડક સંદેશ આપતો મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!