ગુરૂકુળ મહિલા કોલેજમાં ‘ઓનલાઇન અંતક્ષરી સ્પર્ધા’નું આયોજન કરાયું

રાજરત્ન શ્રેષ્ઠીશ્રી નાનજીભાઇ કાલિદાસ મહેતા ટ્રસ્ટ સંચાલિત ગુરુકુલ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં તારીખ 15/04/2021 ને ગુરુવારના રોજ ગીત-સંગીત-નૃત્યધારા અંતર્ગત ‘ઓનલાઇન અંતક્ષરી સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું હતું.

કોલેજના પ્રિન્સિપાલ ડો.અનુપમ નાગરસર અને વાઇસ પ્રિન્સિપાલ તથા ગીત-સંગીત-નૃત્યધારાના અધ્યક્ષા પ્રો. રોહિણીબા જાડેજાના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો.


આ સ્પર્ધામાં કુલ 30 વિદ્યાર્થિનીઓએ ભાગ લીધેલો, જેને 3 અલગ-અલગ ટીમમાં વિભાજિત કરવામાં આવેલ. આ ત્રણેય ટીમના નામ રાગ ભૈરવી, રાગ દુર્ગા, તથા રાગ નારાયણી રાખવામાં આવેલ. આ સ્પર્ધામાં નિષ્ણાત તરીકે ગીત-સંગીત-નૃત્યધારાના અધ્યક્ષા પ્રો.રોહિણીબા તથા શ્રી ધવલભાઈ રાજ્યગુરુ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં કુલ 5 રાઉન્ડ હતા. દરેક રાઉન્ડની શરુઆત કઈ ટીમ દ્વારા થશે તે લકી સ્પિન વ્હિલના આધારે કરવામાં આવેલું. પ્રત્યેક રાઉન્ડમાં દરેક ટીમમાંથી બે-બે સ્પર્ધકોને ટીમના પ્રતિનિધિ રાખવામાં આવ્યા હતા, જેથી દરેક વિદ્યાર્થિનીઓને પોતાની પ્રતિભા બતાવવાની તક મળે. પહેલો રાઉન્ડ ‘સરગમ રાઉન્ડ’ હતો જેમાં લગ્નગીત, લોકગીત તથા મૌસમી ગીતોની રજુઆત કરવામા આવી. ત્યારબાદ બીજો રાઉન્ડ ’રાષ્ટ્ર-ભક્તિ રાઉન્ડ’ હતો, જેમાં ટીમ દીઠ 2 રાષ્ટ્ર-ભક્તિના વિડિઓ બતાડવામાં આવ્યા હતા અને સ્પર્ધકો દ્વારા ગીતને ઓળખી ગીતની પ્રસ્તુતિ કરી હતી. ત્યારબાદ ત્રીજો રાઉન્ડ હતો ‘ભજનાંજલિ રાઉન્ડ’ જેમાં ખૂબ જ સરસ રીતે પ્રસિદ્ધ સાહિત્યકારો દ્વારા ગવાયેલ ભજન તથા કિર્તન ગવાયા હતા. ત્યારબાદ ચોથો રાઉન્ડ ‘હેલ્લારો રાઉન્ડ’ હતો જેમાં માતાજીના ગરબા તથા રાધા-કૃષ્ણના રાસની સ્પર્ધકોએ પ્રસ્તુતિ કરી હતી. સૌથી અંતિમ રાઉન્ડ હતો ‘મહારથી રાઉન્ડ’ આ રાઉન્ડમાં નિષ્ણાંતો દ્વારા દરેક ટીમને અલગ-અલગ પરિસ્થિતિનું વર્ણન થયેલું અને તે પરિસ્થિતિને બંધબેસતું ગીત ગાઇને રજુઆત કરી હતી. આમ, આ રીતે પાંચેય રાઉન્ડમાં વિદ્યાર્થિનીઓએ ખૂબ જ રસપૂર્વક અને ઉત્સાહભેર કાર્યક્રમમાં ભાગ લીધો હતો. રોમાંચસભર આ સ્પર્ધામાં અંતે ટીમ રાગ નારાયણી વિજેતા બની હતી.


આ કાર્યક્રમમાં કુલ ૩૦૨ વિદ્યાર્થિનીઓએ હાજર રહી તમામ સ્પર્ધકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં ટેકનિકલ સપોર્ટ આર્યકન્યા ગુરુકુળના આઇ.ટી. એડમીન તથા ગુરુકુળ મહિલા કોલેજના ઈ.ટી.આર.પી. શ્રી ધવલભાઇ રાજ્યગુરુ દ્વારા કરવામાં આવ્યું, જયારે કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન પ્રો. ઊર્વીબેન મોઢા તથા પ્રો. અમીબેન પઢીયાર દ્વારા કરવામાં આવ્યું હતું.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!