
પોરબંદરની પ્રજાના હૈયામાં વસેલા એવા બરડાધિપતિ મહારાજા રાણા સાહેબ શ્રી સર નટવરસિંહજી ભાવસિંહજી જેઠવાની આજે જન્મતિથિ

૩૦ જૂન, ૧૯૦૧.
આ દિવસ છે, જે દિવસે બરડાધિપતિ પોરબંદર મહારાજા રાણા સાહેબ શ્રીભાવસિંહજીના આંગણે મહારાણી શ્રી રામબા ના ખોળે એક દિવ્ય અને તેજસ્વી મહાપુરુષ અવતર્યા. જેઓ હનુમાનવંશી જેઠવા રાજવંશના પોરબંદર સંસ્થાનના ૧૮૦માં રાણા સાહેબ તરીકે દૈદીપ્યમાન થવાના હતા. બાળપણથી જ પ્રતિભા સંપન્ન, ભણવામાં અને ઇત્તર પ્રવૃતિઓમાં ખુબજ હોશિયાર, વ્યવહારુ કુશળ અને પહેલેથીજ પોરબંદરની પ્રજાના હૈયામાં વસેલા એવા બરડાધિપતિ મહારાજા રાણા સાહેબ શ્રી સર નટવરસિંહજી ભાવસિંહજી જેઠવાની આજે જન્મતિથિ છે.
રાણા સાહેબશ્રી એ ૧૯૧૮માં રાજકુમાર કોલેજ રાજકોટ ખાતેથી પોતાનું શિક્ષણ પૂરું કર્યું અને ૧૯૨૦માં એમનો ભવ્ય અને રાજસી રીતભાતથી રાજ્યાભિષેક થયો અને પોતે પોરબંદરના મહારાજા રાણા સાહેબ તરીકે બિરાજ્યા. આજ સાલમાં એમના લગ્ન લીંબડી નામદાર ઠાકોરસાહેબ શ્રી દૌલતસિંહજી જશવંતસિંહજી ઝાલાના કુંવરિ રૂપાળીબા સાહેબ સાથે થયા. આજકાલ સૌ ક્રિકેટના ઘેલા છે પણ રાણા સાહેબ તો ૧૯૩૨માં ભારતની પહેલી ક્રિકેટ ટિમ સ્થાપેલી જેના તેઓ પોતે કપ્તાન હતા જ્યારે ઉપ-કપ્તાન તેમના સાળા સાહેબ કુંવરસાહેબ શ્રી ઘનશ્યામસિંહજી દૌલતસિંહજી ઝાલા હતા. ભારતની ક્રિકેટ ટીમનો લોગો પણ રાણા સાહેબે જ ડિઝાઇન કરેલો.
આવી તો ઘણી બધી ઉપલબ્ધીઓ અને સિદ્ધિઓ રાણા સાહેબની હતી. આજેય પોરબંદરની પ્રજા રાણા સાહેબે પોતાની સંતાન સમાન પ્રજા માટે કરેલ કાર્યોને યાદ કરે છે અને પોતાના રાજવી પ્રત્યે આજેય એટલીજ લાગણી અને માન છે.
જન્મતિથિ નિમિતે સત સત નમન 💐💐
✍️ વીરદેવસિંહ પી.જેઠવા
