જેસીઆઈ દ્વારા “પોરબંદરનું સામાજિક જીવન” ડિરેક્ટરી પ્રસિદ્ધ કરાઈ

જેસીઆઈ દ્વારા “પોરબંદરનું સામાજિક જીવન” ડિરેક્ટરી પ્રસિદ્ધ કરાઈ

JCIએ સામાજિક એકતાનો અવસર ઉભો કર્યો – પૂજ્ય ભાઇશ્રી
◆●◆●◆

◆●◆●◆
પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના વરદ હસ્તે ડિરેક્ટરી વિમોચનનું થયું

પોરબંદરમાં અનેક સામાજિક સંસ્થાઓ અને જ્ઞાતિ સમાજો દ્વારા વિવિધ પ્રકારની સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ ધમધમે છે. જે પોરબંદર માટે ગૌરવની વાત છે. આપણા શહેરની સામાજિક સંસ્થાઓની સેવા પ્રવૃત્તિઓને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા કે જેથી જરૂરિયાતમંદ લોકો એ સેવાનો મહત્તમ લાભ લઇ શકે તથા શહેરની દરેક સંસ્થાઓ અને જ્ઞાતિ સમાજો એક બીજાના પરિચયમાં આવે તેવા શુભ હેતુ સાથે જેસીઆઈ પોરબંદર પ્લસ દ્વારા પોરબંદરની ૧૧૧ સામાજીક સંસ્થાઓ તથા જ્ઞાતિ સમાજોની માહિતી એકત્રિત કરી આ તમામ સંસ્થાઓ ક્યા કયા પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે અને તેના હોદ્દેદારોના નામ સરનામાં સહિતની વિગતવાર માહિતી દર્શાવતી “પોરબંદરનું સામાજિક જીવન” નામથી એક ડિરેક્ટરી પ્રસિદ્ધ કરવામાં આવી છે.

પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના વરદ હસ્તે આ ડિરેક્ટરીનું વિમોચન કરવામાં આવ્યું હતું. ડિરેક્ટરી વિમોચન પ્રસંગે પૂજ્ય ભાઇશ્રીએ જેસીઆઈ પોરબંદરની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે આ ડિરેક્ટરીના માધ્યમથી જેસીઆઈએ સામાજિક એકતાનો એક સુંદર અવસર ઉભો કર્યો છે. આપણા નગરમાં સંસ્થાઓ દ્વારા કેટ કેટલીય સારી સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે. પોરબંદરના લોકો પોતપોતાના ધંધા વ્યવસાયમાંથી સમય કાઢીને સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના વાળા લોકો વસે છે. આવી તમામ સંસ્થાઓ માટે આ ડિરેક્ટરીના માધ્યમથી સંપર્ક સેતુ તૈયાર કરવા બદલ જેસીઆઈ પોરબંદરને અભિનંદન આપ્યા હતા. સાથે સાથે પૂજ્ય ભાઈશ્રીએ જણાવ્યું હતું કે આ ડિરેક્ટરીમાંથી બે હેતુ સાર્થક થશે. એક તો આ સંસ્થાઓની સેવા પ્રવૃત્તિઓનો દરેક જરૂરિયાતમંદ લોકો સરળતાથી લાભ મેળવી શકશે. આ ઉપરાંત બીજો હેતુ એ સાર્થક થશે કે આપણા સુરખાબી નગર પોરબંદરની સામાજિક જાગૃતિ અને શહેરના વિકાસ માટે તમામ સંસ્થાઓ એક બીજાના સંપર્કમાં રહીને એક અંબ્રેલા સંસ્થા જેવી સંસ્થા બનશે અને જ્યારે પણ આપણા નગરને એવી કોઈ જરૂર પડે ત્યારે એક હાકલમાં બધી જ સંસ્થાઓ મદદે પહોંચી જાય. આમ આ ડિરેક્ટરીથી સહ વીર્યમ કરવાવહેંની ભાવના જાગૃત થશે.

બિરલા હોલ ખાતે ડિરેક્ટરી વિમોચન પ્રસંગે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં પોરબંદરની તમામ સામાજિક સંસ્થાઓ અને જ્ઞાતિ સમાજોના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયા પ્રમુખ રોનક દાસાણી, સેક્રેટરી પ્રિન્સ લાખાણી અને જેસીઆઈની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!