સાંદીપનિ વિદ્યાનિકેતનાં 15મા પાટોત્સવ નિમિત્તે રામકથાનો પ્રારંભ
પોરબંદર, શનિવાર
જે ભગવાન રામનું કાર્ય કરશે, તેને ભગવાન રામની પ્રાપ્તિ જરૂર થશે. વર્તમાન સમયમાં જ્યારે સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં રામમંદિરના નિર્માણની પરવાનગી આપી દીધી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ભગવાન રામલલાનાં ભવ્ય મંદિરનિર્માણનું ભૂમિપૂજન થઈ ગયું છે, એમ રમેશભાઈ ઓઝાએ રામકથાનાં પ્રથમ દિવસે પોરબંદર સ્થિત સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતેથી જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે પણ શ્રીહરિ મંદિરનો ૧૫મો પાટોત્સવ-વર્ષ ૨૦૨૧, તા. ૧૩/૦૨/૨૦૨૧ થી ૨૧/૦૨/૨૦૨૧ દરમ્યાન ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે યોજાઇ રહ્યો છે તે અંતર્ગત આજથી સાંદીપનિમાં રમેશભાઈ ઓઝાના શ્રીમુખેથી સૌ પ્રથમ વાર શ્રીરામ કથાનો પ્રારંભ મંગલ શોભાયાત્રા સાથે થયો. પોથીજીના પૂજન બાદ કથાના પ્રારંભે મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય અને ઋષિકુમારો દ્વારા મંગલ સસ્વર શ્રુતિગાન થયું.