પોરબંદર રેડક્રોસ અને મેડિકલ કોલેજ વચ્ચે થયા “સેવા કરાર”

દેહદાન અને સીપીઆર તાલીમ બંને પ્રવૃત્તિ માટે MOU કરાયા.
પોરબંદર રેડક્રોસ સોસાયટી દ્વારા અનેક પ્રકારની સેવા પ્રવૃત્તિઓની હારમાળા સર્જાય છે, ત્યારે આ લિસ્ટમાં વધુ બે સેવાકીય પ્રોજેકટનો ઉમેરો થયો છે. હવેથી પોરબંદર રેડક્રોસ દ્વારા સરકારી મેડિકલ કોલેજ સાથે સેવા કરાર કરવામાં આવ્યા છે. જેમાં દેહદાન પ્રવૃત્તિ અને સીપીઆર તાલીમનો સમાવેશ કરવામાં આવ્યો છે.
■ સીપીઆર તાલીમ :-
હમણાં થોડા સમયથી નાની ઉંમરમાં પણ લોકોને હાર્ટ એટેકના બનાવો સતત વધતા જાય છે તે ચિંતાનો વિષય છે. આ હાર્ટ એટેક વખતે ભોગ બનેલા દર્દીને જો સમયસર સીપીઆરની તાલીમ લીધેલા વ્યક્તિની મદદ મળી જાય તો આ પ્રાણઘાતક હુમલાથી જીવ બચવાના ઘણા ચાન્સ રહે છે. આથી રેડક્રોસ દ્વારા વધારેમાં વધારે લોકોને સીઆરપીની તાલીમ આપવા માટે સરકારી મેડિકલ કોલેજ સાથે એમઓયુ કરવામાં આવ્યા છે. તેમાં રેડક્રોસની ટિમ લોકજાગૃતિ લાવીને સીપીઆર તાલીમ માટે તાલીમ કેમ્પોનું આયોજન કરશે અને સરકારી મેડિકલ કોલેજ આ સીપીઆર તાલીમ માટે સ્ટાફ અને ટેક્નિકલ સપોર્ટ પૂરો પાડશે.
■ દેહદાન :
જે રીતે દધિચિ ઋષિના અસ્થિ દૈત્યોનો નાશ કરવામાં ઉપયોગી થયા હતા તે રીતે આપણો માનવ દેહ પણ તબીબી વિધાર્થીઓના અભ્યાસક્રમમાં ઉપયોગી બની રોગરૂપી દૈત્યોનો નાશ કરવામાં મદદરૂપ થશે એટલે પોરબંદર રેડક્રોસ સોસાયટી દ્વારા દેહદાનની પ્રવૃત્તિને વેગ આપવા માટે લોકજાગૃતિ લાવવા સરકારી મેડિકલ કોલેજ સાથે કરાર કરવામાં આવ્યા છે કે જે વ્યક્તિ પોતે મૃત્યુ પામ્યા પછી મેડિકલ કોલેજના તબીબી વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં મદદરૂપ થવા પોતાના દેહ (શરીર)નું દાન કરવા ઇચ્છતા હોય તેમને દેહદાન માટે પોરબંદર રેડક્રોસ ઓફિસ ખાતે સંકલ્પ પત્ર સ્વીકારવા રેડક્રોસ અને મેડિકલ કોલેજ વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા છે.
આથી, કોઈપણ સંસ્થાઓ, જ્ઞાતિ સમાજો, રેસિડેન્ટ સોસાયટીઓ કે સ્કૂલ કોલેજો વગેરે સી.પી.આર તાલીમ કેમ્પ યોજવા ઈચ્છતા હોય અથવા કોઈપણ વ્યક્તિના અવસાન પછી તેમના વારસદારો મૃતક વ્યક્તિનું દેહદાન કરવા ઈચ્છા હોય તો તેમણે પોરબંદર રેડક્રોસ સોસાયટી અથવા સરકારી મેડિકલ કોલેજનો સંપર્ક કરવા પોરબંદર રેડક્રોસના ચેરમેન લાખણશી ગોરાણીયા, સેક્રેટરી અકબરભાઈ સોરઠીયા, સરકારી મેડિકલ કોલેજના ડીન ડો. સુશીલ કુમાર તથા ડો. મયંક જાવીયાની યાદીમાં જણાવાયું છે.
