કુતિયાણા નજીક પશુને બચાવવા જતા પોલીસ બોલેરો પુલના ડિવાઈડર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો: psi જે જે જોગદીયા નું અવસાન
કુતિયાણા નજીક પશુને બચાવવા જતા પોલીસ બોલેરો પુલના ડિવાઈડર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પોરબંદરના વાયરલેસp PSI જે.જે. જોગદિયાનું નિધન થયું છે. જ્યારે બોલેરો ચલાવી રહેલા કોન્સ્ટેબલ કિશનભાઈ મકવાણા ગંભીર રીતે ઘવાતા ICUમાં સારવાર હેઠળ છે.
મળેલી વિગત મુજબ પીએસઆઈ જેસીંગભાઈ જેઠાભાઈ જોગદિયા(ઉ.વ.34) અને કોન્સ્ટેબલ કિશનભાઈ મકવાણા પોલીસ ખાતાના સરકારી કામે ગાંધીનગરથી પોરબંદર પરત આવતા હતા. આજે વહેલી સવારે હાઇવે ઉપર કુતિયાણા નજીક કોઈ પશુને બચાવવા જતા બોલેરો ડિવાઈડર સાથે અથડાઈ ગયો હતો. જેમાં ઘવાયેલા પીએસઆઈ શ્રી જોગદિયા પોરબંદર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન પામ્યા છે. અને કિશનભાઈની ICU માં સારવાર ચાલે છે.
પીએસઆઈ જેસીંગભાઈ જેઠાભાઈ જોગદિયાનો જન્મ 17/2/1988ના રોજ થયો હતો. તેઓ દલિત પરિવારમાંથી આવતા હતા. તેઓએ પોતાના વતનમાં રાજુલામાં દલિત વિદ્યાર્થીઓ માટે શિક્ષણને લઈ પ્રશંસાનિય કામગીરી કરી હતી. પોલીસ વિભાગમાં પણ કર્મનિષ્ઠ અધિકારીની છાપ ધરાવતા હતા. તેમના મૂળ ગામ છેલણાં (અમરેલી) ખાતે અંતિમક્રિયા કરાશે. આ બનાવના પગલે પોલીસ બેડામાં શોક છવાયો છે.