અમદાવાદ ખાતે નમસ્તે વર્લ્ડ ઇન્ડિયા ૨૦૨૬માં મહેર રાસ મંડળ છાંયાનો શ્રેષ્ઠ દેખાવનિલેશ પરમારની આગેવાની

અટલ બ્રિજ પર ‘નમસ્તે વર્લ્ડ ઈન્ડિયા–૨૦૨૬’નું ભવ્ય આયોજન, ૧૨ દેશોના ૨૫૦થી વધુ કલાકારોની હાજરી
અમદાવાદના ઐતિહાસિક અને આકર્ષક અટલ બ્રિજ પર તાજેતરમાં “નમસ્તે વર્લ્ડ ઈન્ડિયા–૨૦૨૬” ફેસ્ટિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), ગુજરાત ટુરિઝમ તથા ઈવેન્ટ એક્સપિરીયન્સના સહયોગથી કરવામાં આવ્યું હતું.
આ ફેસ્ટિવલમાં વિશ્વના ૧૨ દેશોના ૨૫૦થી વધુ કલાકારોએ ભાગ લીધો હતો. જેમાં પોલેન્ડ, મેક્સિકો, ઈજિપ્ત, બલ્ગેરિયા, સાઉથ આફ્રિકા, ઇન્ડોનેશિયા, રોમેનિયા, તુર્કી, નેપાળ, કિર્ગિસ્તાન, સ્લોવેકિયા સહિત ભારતના વિવિધ રાજ્યોના કલાકારો સામેલ રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ભારત તરફથી ગુજરાતની લોકસંસ્કૃતિને પ્રતિનિધિત્વ આપતાં મહેર સમાજની પરંપરાગત ધાળ-તલવાર નૃત્યકળાનું શાનદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહેર રાસ મંડળ – છાયા (પોરબંદર) દ્વારા રજૂ કરાયેલા આ પ્રદર્શનનું નેતૃત્વ શ્રી નિલેશ કે. પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. મહેર સમાજની શૂરવીર પરંપરા, સાહસ અને સાંસ્કૃતિક વારસાને દર્શાવતી આ કલાએ દેશ-વિદેશના દર્શકોનું વિશેષ ધ્યાન આકર્ષ્યું હતું.
ફેસ્ટિવલ દરમિયાન વિવિધ દેશોની સાંસ્કૃતિક નૃત્ય, સંગીત અને લોકકળાઓની રંગબેરંગી રજૂઆતો સાથે અટલ બ્રિજ પર વંદે માતરમની ગુંજ સાથે દેશભક્તિપૂર્ણ માહોલ સર્જાયો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત દર્શકો અને પ્રવાસીઓએ આ સાંસ્કૃતિક મહોત્સવને માણ્યો હતો.
૨૮ જાન્યુઆરીથી ૫ ફેબ્રુઆરી દરમિયાન ડાયરેક્ટર અંકુરભાઈ પડછાણ, રાજુભાઈ પટેલ અને રવિભાઈ બારોટના માર્ગદર્શન હેઠળ આ ફેસ્ટિવલનું આયોજન અમદાવાદ, હેરિટેજ સિટી તથા શહેરના વિવિધ સ્થળોએ કરવામાં આવ્યું હતું.
“નમસ્તે વર્લ્ડ ઈન્ડિયા–૨૦૨૬” ફેસ્ટિવલ દ્વારા ગુજરાત તથા ભારતની લોકસંસ્કૃતિને વૈશ્વિક મંચ પર ઉજાગર કરવામાં આવી, જેને તમામ દેશોના કલાકારો અને દર્શકો દ્વારા ખૂબ પ્રશંસા મળી રહી છે.
