રાજકોટમાં આરબીટ્રેશન–મીડિયેશન વિષયક રાષ્ટ્રીય સેમિનાર 14 ફેબ્રુઆરીએ

રાજકોટ ખાતે આગામી 14મી ફેબ્રુઆરીના રોજ લીગલ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા મુંબઈ સેન્ટર ફોર ઇન્ટરનેશનલ આરબીટ્રેશનના સહયોગથી “આરબીટ્રેશન, મીડિયેશન અને કન્સિલિયેશન” વિષય પર રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સેમિનારમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ જસ્ટિસ જે.સી. દોશી ઉપસ્થિત રહેશે. મુખ્ય વક્તા તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત આર્બિટ્રેશન નિષ્ણાત અને દિલ્હી હાઇકોર્ટના વર્તમાન ન્યાયમૂર્તિ જસ્ટિસ તેજસ કારિયા હાજરી આપશે. વિશિષ્ટ અતિથિ તરીકે ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ જસ્ટિસ આર.ટી. વાછાણી ઉપસ્થિત રહેશે.
વક્તા તરીકે ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલના જ્યુડિશિયલ મેમ્બર ટી.આર. સેંથીલકુમાર, બાર એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ અને સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ધારાશાસ્ત્રી પ્રશાંતકુમાર, ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ ધારાશાસ્ત્રી હૃદય બુચ, મુંબઈ સેન્ટર ફોર ઇન્ટરનેશનલ આરબીટ્રેશનના સેક્રેટરી જનરલ નીતિ સચદેવા, આંતરરાષ્ટ્રીય મીડિયેશન નિષ્ણાત નીતિન મહેતા, વરિષ્ઠ ધારાશાસ્ત્રી પંકજભાઈ દેસાઈ સહિતના નિષ્ણાતો પોતાના તજજ્ઞ વક્તવ્ય રજૂ કરશે.
લીગલ રિસર્ચ ફાઉન્ડેશનના ચેરપર્સન અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ કમલેશ જોષીપુરા તેમજ મુંબઈ હાઇકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ નીતિન ઠક્કરના પ્રયત્નોથી પ્રથમવાર મુંબઈ સેન્ટર ફોર ઇન્ટરનેશનલ આરબીટ્રેશન રાજકોટ ખાતે આ પ્રકારના કાર્યક્રમમાં સંમેલિત થયું છે. વેસ્ટર્ન રીજિયન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન્સ્ટિટ્યૂટનો સહયોગ પણ પ્રાપ્ત થયો છે.
નિરમા યુનિવર્સિટી, અમદાવાદ જ્ઞાન સહયોગી (નોલેજ પાર્ટનર) તરીકે અને સેન્ટર ફોર ઇન્ટરનેશનલ મીડિયેશન ઓર્ગેનાઈઝેશન, ચેન્નાઈ સહયોગી સંસ્થા તરીકે જોડાયા છે.
ગુજરાત હાઇકોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ અક્ષય મહેતા, બાર કાઉન્સિલ યુનિવર્સિટી ગોવાના કુલપતિ પ્રોફેસર વેંકટ રાવ અને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના કુલપતિ શાંતા કુમાર પેટ્રન તરીકે માર્ગદર્શન આપી રહ્યા છે. ઉપરાંત, નીતિન ઠક્કર, દેવાંગ નાણાવટી, જૈનિક વકીલ, રાજ મારવાણીયા, એસ.આર. રામસેકર સહિતના અગ્રણીઓ દ્વારા સત્ર રચના અને કાર્યક્રમ સંદર્ભે મહત્વપૂર્ણ માર્ગદર્શન અને સહયોગ પ્રાપ્ત થયો છે.
સૌરાષ્ટ્રના પ્રત્યેક જિલ્લામાંથી ધારાશાસ્ત્રીઓ, કાયદા વિદ્યા શાખાના અગ્રણીઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ચાર્ટર્ડ સેક્રેટરી, સહકારી અને સરકારી બેંકો તેમજ પ્રાઇવેટ બેંક અને ઇન્સ્યોરન્સ સેક્ટરના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ભાગ લેનાર છે.
ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના કુલપતિ શાંતા કુમારના પ્રયત્નોથી ભાગ લેનાર પ્રતિનિધિઓને વિષયસંબંધી કીમતી પુસ્તક શુભેચ્છા સ્વરૂપે આપવામાં આવશે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, રાજકોટ બાર એસોસિએશન, વેસ્ટર્ન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન્સ્ટિટ્યૂટ, અધિવક્તા પરિષદ અને કાયદા વિદ્યા શાખા સહિતની સંસ્થાઓનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે.
