ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, પોરબંદરમાં
કોમર્સ વિભાગ દ્વારા એક નોખો-અનોખો પ્રયાસ
GURUKULIYAM-2023 યોજાશે.
રાજરત્ન શ્રેષ્ઠીશ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતા આર્યકન્યા વિદ્યાલય ટ્રસ્ટ સંચાલિત ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આગામી ૨૧ જાન્યુઆરી, ૨૦૨૩ના દિવસે કોમર્સ અંગ્રેજી માધ્યમ તથા ગુજરાતી માધ્યમ દ્વારા ‘GURUKULIYAM-2023’નું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં પોરબંદર, રાણાવાવ, બોખીરા, ખાપટ તથા આજુબાજુના વિસ્તારની તમામ શાળા-કોલેજો અને વિદ્યાર્થીનીઓને આમંત્રણ પાઠવવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં એકસ્પોનું પણ આયોજન કરેલ છે જેમાં ગુરુકુળ મહિલા કોલેજના વિદ્યાર્થીનીઓ દ્વારા સ્ટોર્સ લગાડવામાં આવશે જેમાં અલગ-અલગ નવી વસ્તુઓ, ગેમ્સ, ભૂતિયા ઘર તથા ખાણીપીણીના સ્ટોર્સ રાખવામાં આવશે.
નારી કેળવણીના મહાતીર્થ સમા ૯૦ એકરમાં પથરાયેલ આર્યકન્યા ગુરુકુળની તપોભૂમિમાં ‘GURUKULIYAM-2023’ના આયોજિત આ કાર્યક્રમમાં જુદી-જુદી ૬ પ્રકારની સ્પર્ધાનું આયોજન થયેલ છે જેમાં ટ્રેઝર હન્ટ, સોશિયલ બીસ, ફેશન શો, માસ્ટર માઈન્ડ ક્વિઝ, શાર્ક ટેન્ક તથા ગર્લ્સ ગોટ ટેલેન્ટ જેવી સ્પર્ધા રહેશે. ‘ટ્રેઝર હન્ટ’ સ્પર્ધામાં સ્પર્ધકોને કડીઓના પગેરુને અનુસરીને છુપાયેલ પદાર્થોની શોધ કરવાની રહેશે. આ સ્પર્ધા રાખવા પાછળનો હેતુ વિદ્યાર્થીમાં નિર્ણાયક વિચાર કૌશલ્ય પ્રાપ્ત કરવામાં અને સંચાર, સક્રિયતા અને નેતૃત્વ જેવી ક્ષમતાઓને મજબુત બનાવવામાં મદદરૂપ થઇ શકે તેવો છે. આ ઉપરાંત ‘સોશિયલ બીસ’ સ્પર્ધા અંતર્ગત ૩ સ્પર્ધા થશે જેમાં ફોટોગ્રાફી, સેલ્ફી વિથ બેસ્ટીસ અને રીલ ઇટ-ફિલ ઈટ રહેશે. આ પ્રવૃત્તિ માટે સ્પર્ધકોને વિવિધ વિષય આપવામાં આવશે જેના આધારે તેમને ફોટોગ્રાફી તથા રીલ્સ બનાવવાની રહેશે. ‘ફેશન શો’ સ્પર્ધામાં સ્પર્ધકોને થીમ આપવામાં આવશે તેમાંથી કોઈપણ થીમ પસંદ કરીને સ્પર્ધક વ્યક્તિગત તથા ગૃપમાં ભાગ લઇ શકશે અને થીમ મુજબ તેમને રેમ્પ વોક કરવાનો રહેશે. ‘માસ્ટર માઈન્ડ ક્વિઝ’ સ્પર્ધામાં ક્વિઝ રહેશે. જેમાં ઈતિહાસ, વર્તમાન બાબતો, ગણિત, તાર્કિક પ્રશ્નો, બોલીવુડ વગેરે વિષયો પર પ્રશ્નો પૂછવામાં આવશે, આ સ્પર્ધા બે રાઉન્ડમાં રાખવામાં આવશે, પ્રથમ રાઉન્ડ એલિમિનેશન હશે અને બીજો રાઉન્ડ સામાન્ય રાઉન્ડ હશે. આ કાર્યક્રમમાં એક રસપ્રદ સ્પર્ધા છે ‘શાર્ક ટેન્ક’; પોરબંદર ક્ષેત્રમાં આ વિષય પર પહેલીવાર આ મુજબની એક સ્પર્ધા થવા જઈ રહી છે જેમાં ભાગ લેનાર વિદ્યાર્થીનીઓએ પોતાના ધંધા-વ્યવસાયને લગતા નવા વિચારોને શાર્ક્સ સામે પ્રસ્તુત કરવાના રહેશે. અત્યારના સમયમાં નવા સ્ટાર્ટઅપ વ્યવસાયોને પોરબંદરમાં આર્થિક વિકાસ અને વૃદ્ધિ માટે પ્રોત્સાહનની જરૂર છે જેથી ઉદ્યોગસાહસિકોને નવા વ્યવસાયો બનાવવા અને તેમને ઉચ્ચ-મૂલ્ય ધરાવતા ઉત્પાદનો અથવા સેવાઓ સાથે મોટી કંપનીઓમાં વિકસાવવા માટે સરકાર તરફથી ટેકો મળે અને જે લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકે, એક રીતે જોઈએ તો પોરબંદરના વિકાસ માટે વધુ સાહસિકતાની જરૂર છે આવા ઉમદા હેતુથી આ સ્પર્ધા રાખવામાં આવેલ છે. અને અંતે જે પ્રવૃતિનું આયોજન થયેલ છે તે પ્રવૃતિ આ કાર્યક્રમમાં આવનાર દરેક વિદ્યાર્થીનીઓ માટે ખુબ રસપ્રદ રહેશે અને તે છે ‘ગર્લ્સ ગોટ ટેલેન્ટ’ આ સ્પર્ધામાં વ્યક્તિ પાસે રહેલ તમામ કૌશલ્યને બહાર લાવવાનો એક પ્રયાસ હાથ ધરેલ છે. જેમાં સંગીત, નૃત્ય, ચિત્ર, સ્વરચિત કાવ્ય, ગઝલ, મિમિક્રી, કોમેડી વગેરે જેવી આવડત સ્ટેજ પર પ્રદર્શિત થશે.
ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના કોમર્સ વિભાગ દ્વારા એક અનોખો પ્રયાસ પ્રથમવાર થઇ રહ્યો છે જેમાં કોલેજના પ્રાચાર્યશ્રી ડૉ.અનુપમ નાગર, કોમર્સ વિભાગના અધ્યક્ષ ડૉ.ભરતસિંહ ડોડીયા તથા બૃહદ ગુરુકુળ પરિવાર દ્વારા ‘GURUKULIYAM-2023’માં નિમંત્રિતોને ઉપસ્થિત રહેવા માટે યાદી પાઠવાઈ છે.