Watch “પોરબંદરના સાંદિપની આશ્રમ ખાતે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી નો દ્વિતીય પદવીદાન સમારોહ યોજાયો” on YouTube
પોરબંદરના સાંદિપની આશ્રમ ખાતે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી નો દ્વિતીય પદવીદાન સમારોહ યોજાયો
રાષ્ટ્રપ્રથમની ભાવનાથી યુવાઓ તેના જ્ઞાનનો ઉપયોગ કરે: કામ નાનું હોય તો પણ શ્રેષ્ઠ કરી બતાવવાનું સામર્થ્ય બતાવે: ઉચ્ચ શિક્ષણ અને આરોગ્ય મંત્રી ઋષિકેષ પટેલ
નરસિંહ મહેતાની જન્મ જયંતીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ એ કર્મ ભક્તિ અને જ્ઞાનનો સંગમ છે:રમેશભાઈ ઓઝા
જ્ઞાન જીવન જીવવાની પદ્ધતિ શીખવે છે: શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા
56 ગોલ્ડ મેડલ માંથી 47 ગોલ્ડ મેડલ દીકરીઓએ મેળવ્યા
પોરબંદર તા.૦૫ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારોહ પોરબંદરના સાંદિપની સભાખંડમાં ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા સહિતના મહાનુભાવની અતિથિ વિશષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ સમારોહમાં ૩૭૬૭૫ વિદ્યાર્થીઓને પદવી એનાયત જાહેર કરવાની સાથે 56 તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને 48 વિદ્યાર્થીઓને પીએચડી ની પદવી એનાયત કરવામાં આવી હતી. જુનાગઢ, ગીર સોમનાથ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાર્યક્ષેત્ર ધરાવતી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરતા ઉચ્ચ શિક્ષણ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાષ્ટ્ર પ્રથમની ભાવનાથી યુવાઓ યુનિવર્સિટીમાં મળેલા જ્ઞાનનો ઉપયોગ દેશની ઉન્નતિ માટે કરી આવનારા પડકારોનો પણ સામનો કરવાની સજ્જતા કેળવે તેમ પણ જણાવ્યું હતું.
તમારે તમારા જ્ઞાનનો ઉપયોગ સમય અને સ્થિતિ પારખીને કરવાનો છે તે સંદર્ભમાં મંત્રી ઋષિકેશભાઇ પટેલે પદવી ધારક વિદ્યાર્થીઓને શીખ આપતા જણાવ્યું હતું કે તમે કોઈપણ કામ છોડો ત્યારે તમારા ખાલીપણાનો અનુભવ થાય એ તમારું સામર્થ્ય બતાવે છે. કોઈપણ કામ પછી ભલે તે નાનું હોય પરંતુ સર્વ શ્રેષ્ઠ રીતે કરવાની પણ તેઓએ હિમાયત કરી હતી.
૨૧મી સદી જ્ઞાનની છે તેવા સંદર્ભમાં મંત્રીએ કહ્યું કે વડાપ્રધાન મોદી ના નેતૃત્વમાં દેશને ગૌરવ મળી રહ્યું છે અને રાષ્ટ્રને સફળતાના શિખર પર લઈ જવા યુવાઓનું સૌથી મોટું યોગદાન છે તેમ જણાવીને આત્મનિર્ભર ભારતની સંકલ્પના માટે આગળ આવવા અનુરોધ કર્યો હતો. મંત્રી એ શિક્ષણના વ્યાપ માટે રાજ્ય સરકારના અભિયાનો અને યુવાઓના વિકાસ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શિક્ષણ અને કૌશલ્યલક્ષી યોજનાઓની રૂપરેખા આપી યુનિવર્સિટી માંથી મળેલા જ્ઞાન અને અનુભવ ને આધારે વિદ્યાર્થીઓને આગળ વધવા શુભકામના પાઠવી હતી.
આ પ્રસંગે ભાગવતાચાર્ય ભાઈ રમેશભાઈ ઓઝા એ જણાવ્યું હતું કે નરસિંહ મહેતાની જન્મ જયંતીએ પદવીદાન સમારોહ ,બુદ્ધ પૂર્ણિમા જયંતિ, કૂર્મ એમ ભક્તિ કર્મ અને જ્ઞાનનો આજે સંગમ છે.
આ પ્રસંગે રમેશભાઈ ઓઝાએ વધુમા જણાવ્યું હતું કે, ભગવાન શ્રીકૃષ્ણ અને સુદામાના ગુરુ ઋષિ સાંદીપની ખાતે આયોજિત નરસિંહ મહેતા યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારોહ યોજાય રહ્યો છે તે ખૂબ ગૌરવનો વિષય છે. પદવીએ આપણામાં રહેલી યોગ્યતાનું પ્રમાણપત્ર છે જેને યુનિવર્સિટીઓ દ્વારા પારખવામાં આવે છે. પદવીઓનું નિશ્ચિત પણે મહત્વનું છે પરંતુ તેના કરતા વધારે મહત્વનું છે મૂલ્યનિષ્ઠા.
વધુમાં ભાઈ શ્રી રમેશભાઈએ જણાવ્યું હતું કે, આજરોજ કર્મ, ભક્તિ અને જ્ઞાનના સુભગ સમન્વય નિમિતે જે વિદ્યાર્થીઓને પદવીઓ મળવાની છે ત્યારે મારે એટલું જ કહેવું છે કે તમે ગમે તે ક્ષેત્રમાં જાવ ત્યાં તમારી યોગ્યતા સિદ્ધ કરવાની છે. ખરા અર્થમાં અનુભવરૂપી પદવી તો સંસારરૂપી યુનિવર્સીટીમાંથી જ પ્રાપ્ત થશે.
આ પ્રસંગે શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા એ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સ્કિલ ડેવલોપમેન્ટ સાથે શિક્ષણની નવી નીતિ તેમજ યુવાઓને શિક્ષણ પણ મળે તેવા પ્રયાસો સાથે યુવાઓને અનેક તક અવસર મળી રહ્યા છે. વિદ્યા એવું ધન છે જે ક્યારેય ખૂટતું નથી અને બીજાને આપવાથી ઉલટાનું નું વધે છે. જ્ઞાન જીવન જીવવાની પદ્ધતિ પણ શીખવે છે. નચિકેતાનું ઉદાહરણ આપીને તેઓએ યુવાઓને આત્મજ્ઞાન સાથે શિક્ષણનો સમન્વય કરીને પ્રગતિ કરવા અનુરોધ કર્યો હતો.
આ તકે નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ચેતન ત્રિવેદીએ વૈશાખ સુદ પૂનમને ભક્તકવિ નરસિંહ મહેતાની ૬૧૪મી જન્મજયંતિના પાવન દિવસે મહાત્મા ગાંધીની ભૂમિ પોરબંદર ખાતે યુનિવર્સિટીના દ્વિતીય દીક્ષાંત સમારોહમાં સૌનું સ્વાગત કરી કહ્યું કે છેલ્લા સાત વર્ષમાં નરસિંહ મહેતા યુનિવર્સિટીએ ખૂબ જ હરણફાળ ભરી છે તેમજ યુનિર્વિસટી ગ્રાન્ટ કમિશનમાંથી પણ માન્યતા પ્રાપ્ત કરી છે.યુનિવર્સિટીના પીએચડી ના પ્રથમ વિદ્યાર્થી ભાઈશ્રી રમેશભાઈ ઓઝા છે.
કાર્યક્રમ પૂર્વે મહાનુભવોએ હરિમંદિરના દર્શન કર્યા હતા તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રોફેસર ડો. પરાગ દેવાણી દ્વારા તેમજ આભારવિધિ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં સરકારના નિયુક્ત એકઝીકયુટીવ કાઉન્સીલના સભ્ય ભાવનાબેન અજમેરા દ્વારા કરવામાં આવી હતી. આ તકે પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા, જિલ્લા પ્રમુખ રમેશભાઈ ઓડેદરા,નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર દિલસુખ સુખડીયા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ગિરીશ ભીમાણી, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના કુલપતિ મધુકર પાડવી, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ રોહિત દેસાઈ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ગોપાલભાઈ કોઠારી, તેમજ યુનિવર્સિટીની એજ્યુકેટીવ ,એકેડેમિક બોર્ડ ઓફ ગવર્નન્સના સભ્યો ચંદ્રેશ હેરમા, જય ત્રિવેદી, જીવાભાઇ, જિલ્લા અગ્રણીઓ સહિત બહોળી સંખ્યામાં વાલીઓ તથા વિદ્યાથીઓ જોડાયા હતા.