પોરબંદર જિલ્લાના વધુ ચાર માનસિક દિવ્યાંગોને બગોદરા ખાતે અપાયો આશરો

બોખીરા,ગેરેજ અને કુતિયાણા વિસ્તારના નિરાધારોની કોંગી આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા અને ટીમે કરી મદદ: મંગલ મંદિર માનવસેવા પરિવારની એમ્બ્યુલન્સ માં તમામને લઈ જવાયા: સામાન્ય જિંદગી જીવી શકે તેવા હેતુ સાથે અપાશે સારવાર

પોરબંદર શહેરમાં થોડા દિવસો પહેલા મનો દિવ્યાંગ માતા પુત્ર નિરાધાર અને લાચાર અવસ્થામાં હતા જેને બગોદરા સ્થિત આશ્રમે પહોંચાડવામાં આવ્યાની કોંગી આગેવાનોની આ જહેમત અને બિરદાવાઈ હતી અને હવે તેમના દ્વારા યોજાયેલી આ સેવાભાવી કામગીરી અન્ય લોકોના ધ્યાને આવતા જુદા જુદા ગામોમાંથી ચાર જેટલા આ પ્રકારના લોકો અંગે કોંગી આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા નું ધ્યાન દોરવામાં આવતા તેમના માધ્યમથી આ ચારેચાર નિરાધારોને બગોદરા ખાતે મંગલ મંદિર માનવસેવા પરિવારના આશ્રમ ખાતે લઈ જવાયા છે.

થોડા દિવસો પહેલા પોરબંદરના લીમડા ચોક વિસ્તારમાં મનોદવ્યાંગ માતા પુત્ર લાચાર અવસ્થામાં ફરતા હોવાથી ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને તેમના નાનાભાઈ રામદેવભાઈ મોઢવાડિયા ના પ્રયાસોથી બગોદરા ખાતે આવેલા આશ્રમમાં તેમને સ્વસ્થ બનાવવા માટે પહોંચાડી દેવામાં આવ્યા હતા અને એવી અપીલ થઈ હતી કે ક્યાંય પણ આવા લોકો નજરે ચડે તો કોંગી આગેવાનોનું ધ્યાન દોરવા જણાવ્યું હતું આથી આ અપીલ બાદ પોરબંદર જિલ્લાના ઘરે જ બોખીરા અને કુતિયાણા વિસ્તારમાં આ પ્રકારના વધુ ચાર લોકો મળી આવ્યા હતા અને તે અંગેનું ધ્યાન કોંગ્રેસના આગેવાનોને દોરવામાં આવતા તેમના માધ્યમથી અને સેવાભાવી લોકોના સહયોગથી આ ચારે ચાર લોકોને બગોદરા ખાતે લઈ જવામાં આવ્યા છે. અમદાવાદ જીલ્લાના બગોદરા સ્થિત દિવ્યાંગોને આશરો આપીને મેડીકલ ટ્રીટમેન્ટ, યોગ્ય ખોરાક અને અનુકુળ વાતાવરણ આપીને આશરો આપતી સંસ્થા ‘મંગલ મંદિર માનવ સેવા પરિવાર”ના સંચાલક દિનેશભાઈ લાઠીયાના પુત્રશ્રી અવધૂત લાઠીયા અને તેના સેવાભાવી મિત્રો પોતાની એમ્બ્યુલન્સ લઈને રામદેવભાઈ મોઢવાડીયાના કહેવાથી પોરબંદર આવ્યા હતા. અને પોરબંદર, કુતિયાણા અને ગરેજ ના ૪ માનસિક દિવ્યાંગોને લઈને તેને પુનઃ નોર્મલ જીંદગી જીવી શકે એ નિયત સાથે “મંગલ મંદિર માનવ સેવા પરિવાર” બગોદરા લઈ ગયા હતા.
*બોખીરામાં મદદ*

બોખીરામાં એક માનસિક દિવ્યાંગ જે કશુ બોલતો નથી તે ઘણા વર્ષોથી ઉઘાડા શરીરે આખો દિવસ વોક કર્યા કરતો હતો. ક્યારેક તોફાને પણ ચડતો હતો બોખીરામાં ચાની હોટેલ ધરાવતાં સેવાભાવી આગેવાની દેવાભાઈ મોઢવાડીયા પરવરીશ કરતાં હતા. ગઈકાલે બોખીરાથી દેવાભાઈની ચાની હોટેલ પરથી માનસિક દિવ્યાંગને ત્યાંથી દેવાભાઈએ ફોસલાવીને વાનમાં બેસાડયો હતો અને દેવાભાઈ મોઢવાડીયા પણ કુતિયાણા સુધી સાથે આવ્યા હતા.
ગરેજમાં બે દિવ્યાંગોને મદદ ગરેજ ગામે રહેતા લીલાભાઈ ગરેજા અને મંજુબેન જોષી નામના દિવ્યાંગોની આગળ પાછળ કોઈ ન હોવાથી નિરાધાર હાલતમાં જીવતાં હતાં આ બંને દિવ્યાંગોને ગરેજથી ગામના સરપંચશ્રી, માલદેભાઈ ગરેજા સેવાભાવી આગેવાનો ઠેબાભાઈ ચૌહાણ, મ્યાજરભાઈ ગરેજા, વિપુલભાઈ ગરેજા અને નવી બંદર પોલીસ ચોકીના પી.એસ.આઈ. રામભાઈ ચાવડાની હાજરીમાં એમ્બ્યુલન્સમાં બેસાડી અને બગોદરા રવાના કરવામાં આવ્યા હતા.

*કુતિયાણામાં પરપ્રાંતીય મહિલા ને મદદ*

કુતિયાણા મુકામેથી બીજા રાજયની દિવ્યાંગ બહેન જેને વર્ષોથી કુતિયાણાના સેવાભાવી વડીલ સ્વ. સાજણભાઈ મોઢવાડીયાના ઘરેથી જમાડવામાં આવતી હતી. અને તેને નવડાવવા, ધોવડાવવા સહિતની પરવરીશ કૃતિયાણાનું સફાઈ કામદાર દંપતી કરતું હતું. આ દિવ્યાંગ બહેનને સ્વ. સાજણભાઈ મોઢવાડીયાના પરિવારના સભ્યશ્રી અરજનભાઈ, બાબુભાઈ અને અરજનભાઈ વસ્તાભાઈ મોઢવાડીયાની હાજરીમાં તેના પેટ્રોલ પંપેથી તેની પરવરીશ કરનારશ્રી સફાઈ કામદાર દંપતીએ અશ્રુભુની આંખે વિદાય કરી હતી. સફાઈ કામદાર દંપતીની દિલથી સેવા કરવાની ભાવના અને રોજગારી માટે સફાઈ કામમાં આખો દિવસ વ્યસ્ત રહેતા હોવા છતાં બીજા પ્રત્યેની અમિરી ભાવનાને રામદેવભાઈ મોઢવાડીયા અને જેઠાભાઈ ઓડેદરા સહિતના લોકોએ બિરદાવી હતી.કુતિયાણા સુધી બોખીરા ગામના સેવાભાવી આગેવાનશ્રી જેઠાભાઈ ભાયાભાઈ ઓડેદરાએ રામદેવભાઈ મોઢવાડીયા સાથે સતત રહીને મદદ
કરી હતી. અર્જુનભાઈ મોઢવાડીયાના કાર્યાલયમાંથી કેશુભાઈ વાઢેર અને અજયભાઈ મોઢા પણ મદદમાં જોડાયા હતા. ગગુભાઈ આગઠ પણ બોખીરામાં સાથે રહ્યા હતા.

*પોલીસનો પણ મળ્યો સહયોગ*

કુતિયાણા પોલિસ સ્ટેશનનો સ્ટાફ અને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના સ્ટાફની હાજરીમાં જરૂરી દિવ્યાંગ લોકોને આશરો આપતી
સંસ્થા માટે જરૂરી રોજકામ પણ કરવામાં આવ્યું હતું. ત્રણેય પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. અને તેના લગત પી.એસ.ઓ.નો રામદેવભાઈ મોઢવાડીયાએ સમયસર વ્યવસ્થામાં મદદ કરવા બદલ આભાર માન્યો હતો અને પોલીસ દ્વારા તમામ પ્રકારની મદદ
કરવા બદલ તેમનો આભાર માનીને ક્યાંય પણ આ પ્રકારે નિરાધાર અને લાચાર મનોદિવ્યાંગ લોકો નજરે ચડે તો તે અંગે કોંગ્રેસી આગેવાનો નો સંપર્ક સાધવા જણાવવામાં આવ્યું છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!