Watch “પરંપરાગત ખેતી છોડી બાગાયતી ખેતીથી વધારે ઉત્પાદન મેળવતા હનુમાનગઢના પ્રગતિશીલ ખેડૂત” on YouTube
પોરબંદર જિલ્લામા પ્રાકૃતિક ખેતી તરફ જોડાતા ખેડૂતો
આંબાની કલમ માટે રાજ્ય સરકારની યોજના આકર્ષક: માલદેભાઇ મોઢવાડીયા
ખાસ લેખ:- જીતેન્દ્ર નિમાવત
પોરબંદર તા,૨૪. પોરબંદર જિલ્લાના હનુમાનગઢ ગામના ખેડૂત આગવી સૂજથી પ્રાકૃતિક ખેતી દ્રારા મબલક કેરીનુ ઉત્પાદન કરી રહ્યા છે. આંબાના રોપાના વાવેતર માટે રાજ્ય સરકાર દ્રારા લાભાર્થી માલદેભાઇ મોઢવાડીયાને અંદાજે રૂ.૩ લાખની સબસીડી આપવાની સાથે ટપક સિંચાઇ પધ્ધતિ માટે પણ સબસીડી મળતા ખેડૂતનો સમય, ખર્ચ અને પાણીનો બચાવ તો થયો જ છે સાથે સાથે ઓર્ગેનિક ઉત્પાદન હોવાથી પાકની સારી એવી કિમત પણ મળી રહી છે. હાર્ટ એટેક આવ્યા બાદ બિઝનેસ છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળેલા માલદે ભાઇ પ્રકૃતિના સાનિધ્યમા રહીને ગ્રાહકોનુ આરોગ્ય જળવાઇ રહે તેની દરકાર પણ રાખે છે.
ખેડૂતોની આવક વધે તે માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે. પાકના વાવેતરથી પાકનુ વેચાણ થાય ત્યા સુધીની પ્રક્રિયા માટે વિવિધ સાધનો, આવાગમન માટે વાહન ખરીદી, બિજ ખરીદી, ઉત્પાદિત પાકની જાળવણી માટે ગોડાઉન, ટેકાના ભાવ આપવાની સાથે ખેડૂતો સધ્ધર બને તે માટે રાજ્ય સરકાર દ્રારા વિવિધ યોજનાઓમા સહાય અને સબસીડી આપવામા આવે છે. ત્યારે પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના હનુમાનગઢ ગામે રહેતા પ્રગતિશીલ ખેડૂત માલદેભાઇ નજીવા ખર્ચે પ્રાકૃતિક ખેતી દ્રારા લાખોની કમાણી કરી રહ્યા છે.
આ તકે પ્રગતિશીલ ખેડૂત માલદે ભાઇએ કહ્યુ કે, “ધીરજ, ધગશ અને વૈજ્ઞાનિક અભિગમ સાથે યોગ્ય દિશામા મહેનત કરવામા આવે તો ખેતીમાથી સારી ઉપજ મેળવી શકાય છે. ખેતી પાકમા રાસાયણિક દવાના છંટકાવથી શરૂ શરૂમા લાભ મળી શકે પણ લાંબા ગાળે તે જમીન અને લોકોના આરોગ્ય માટે પણ નુકશાન કારક બની શકે છે. હું પહેલા બિઝનેસ સાથે જોડાયેલો હતો પણ હાર્ટ એટેક આવ્યા બાદ બિઝનેસ છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો છુ. અગાઉ મારી ૮૦ વીઘા જમીનમા મગફળી પાકનુ વાવેતર કરાતુ પણ છેલ્લા ૨ વર્ષથી કેરીનુ ઉત્પાદન કરવામા આવે છે જેમા મગફળ પાક કરતા ત્રણથી ચાર ગણો વધુ નફો મળે છે. આંબાની કલમની ખરીદી માટે સરકારની યોજના આકર્ષક છે. સરકાર દ્રારા અંદાજે રૂ.૩ લાખની સબસીડી મળી છે. તથા ટપક સિંચાઇ પધ્ધતિ માટે પણ સબસીડી મળતા ઓછો ખર્ચ અને પાણીનો પણ ઓછો બગાડ થાય છે. મારી વાડીની કેરીનુ રાજકોટ અને જામનગરમા વેચાણ હુ જાતે જ કરુ છુ. ખેડૂતો પરંપરાગત ખેતી સાથે પ્રયોગાત્મક અને આધુનિક ખેતી અપનાવે તે માટે સરકાર પણ પ્રોત્સાહન અને સહાય આપે છે એ બદલ રાજ્ય સરકારનો આ તકે આભાર વ્યકત કરૂ છુ”.
આમ માલદેભાઇ મોઢવાડીયા જેવા અનેક ખેડૂતો સરકારશ્રીની યોજનાનો લાભ લેવાની સાથે આધુનિક ઢબે પ્રાકૃતિક ખેતી કરીને વધુ ઉત્પાદન તથા આવક મેળવતા થયા છે.
