પોરબંદરમાં આવેલ વિશ્વના એકમાત્ર ‘ સુદામાજી ‘ મંદિરનો સોમનાથ – દ્વારકાના તિર્થ સ્થાનોની જેમ જ વિકાસ કરવા વડાપ્રધાન સમક્ષ રજુઆત

ભારતીય જનતા યુવા મોરચા – પોરબંદરના પ્રમુખ સાગર મોદી દ્વારા વિસ્તૃત વિગત સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને પત્ર મોકલાયો

મુખ્યમંત્રી , સાંસદશ્રી સહિત પદાધિકારીઓ અને અધિકારીઓને પણ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા કરી વિનંતી

પોરબંદરમાં આવેલ વિશ્વના એકમાત્ર સુદામાજીના મંદિરનો સોમનાથ – દ્વારકાના તિર્થસ્થાનોની જેમ જ વિકાસ કરવા વડાપ્રધાન સમક્ષ ભારતીય જનતા યુવા મોરચા -પોરબંદરના પ્રમુખસાગર મોદી દ્વારા રજુઆત કરવામાં આવી છે .
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્રમાં જણાવ્યું છે કે , કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા ભારતના તિર્થસ્થાનોના અભૂતપૂર્વ વિકાસ માટેની પ્રક્રિયા ખુબ જ ગતિમાં છે અને જે અંતર્ગત તાજેતરમાં શ્રીકૃષ્ણની નગરી દ્વારકા ખાતે ‘ કોરીડોર ’ પ્રોજેકટ અંતર્ગત વિકાસ હાથ ધરવામાં આવેલ છે જે ખુબ જ આનંદની વાત છે , આ વિકાસકાર્યને સૌ કોઈએ આવકાર્યુ છે જે બદલ હું પણ આપને અભિનંદન પાઠવું છું . વિશેષમાં આપશ્રી સમક્ષ ખુબ જ મહત્વપૂર્ણ બાબત રજુ કરૂં છું , જેને આપશ્રી અંગત રસ લઈ આપનીકક્ષાએથી લાગતા વળગતા વિભાગને યોગ્ય સુચના આપશો તેવી લાગણી સાથે ખાસ જણાવવાનું કે , ગાંધીજીના જન્મસ્થાન તરીકે પોરબંદરે વિશ્વના નકશા પર તેનું ગૌરવભર્યુ સ્થાન પ્રાપ્ત કર્યુ છે તે પહેલા ભગવાનશ્રી કૃષ્ણના પરમસખા ભકતશ્રી સુદામાજીના પુનિત સ્થાન સુદામાપુરી તરીકે પ્રસિધ્ધ થયેલું છે . પુરાણો પ્રમાણે દ્વારકા અને પ્રભાસપાટણ એટલું જ સુદામાપુરી પ્રાચીન ગણાય છે . શ્રીમદ્ ભાગવતના દસમા સ્કંધમાં ભકત સુદામાનું પાવન ચરિત્ર આપેલું છે . સ્કંદ પુરાણમાં તો સુદામાપુરીનું વર્ણન પણ છે . દ્વારકા અને સોમનાથની વચ્ચે પોરબંદર ખાતે સુદામાજી નું ઐતિહાસિક મંદિર છે . અહીં હજારો યાત્રાળુઓ સુદામાપુરી કી જય બોલાવતા પ્રતિવર્ષ સુદામા મંદિરે આવે છે અને સુદામાપુરીની યાત્રાની છાપ પોતાના હાથ ઉપર અને વસ્ત્ર ઉપર લગાવીને દ્વારકા જાય છે . આ યાત્રાળુઓમાં રાજસ્થાનીની સંખ્યા વિશેષ હોય છે . આ ઉપરાંત વિવિધ રાજયો અને વિદેશીઓ પણ ગાંધી જન્મસ્થાનની સાથોસાથ અહીંની મુલાકાત લે છે . એટલું જ નહીં પરંતુ સામાન્ય રીતે જુદા – જુદા દેવી – દેવતાઓ કે ભગવાનના એક કરતા વધુ અનેક મંદિરો ભારતમાં અનેક જગ્યાએ જોવા મળે છે , એટલું જ નહીં વિદેશમાં પણ હોય છે પરંતુ આ સુદામાજીનું મંદિર આખા વિશ્વમાં એકમાત્ર પોરબંદર ખાતે આવેલ છે જે ખુબ જ મહત્વની બાબત ગણી શકાય . આપ પણ અહીં આપની અનુકુળતા મુજબ પધારો અને સુદામાજીના આશિર્વાદ પ્રાપ્ત કરો તેવી અમારી આપશ્રી સમક્ષ વિનંતી છે તેમ પણ સાગર મોદીએ ઉમેર્યુ છે . વિશ્વમાં એકમાત્ર પોરબંદરમાં આવેલ શ્રી સુદામાજીના મંદિરનું સંચાલન સરકારની દેખરેખ હેઠળ છે , આ મંદિરના વિકાસ માટે સ્થાનિક લેવલે પ્રયાસો કરવામાં આવે છે પરંતુ જો આ મંદિર માટે ઉચ્ચકક્ષાએથી વિશેષ પ્રોજેકટ હેઠળ કામગીરી થાય તો તે ખુબ જ મહત્વનું કાર્ય બની રહેશે . ખુબ જ આસ્થા અને શ્રધ્ધાનું કેન્દ્ર રહેલ આ મંદિરને કેન્દ્ર અને રાજય સરકારના સંયુકત પ્રયાસો દ્વારા ટુરીઝમ વિકાસ માટે સમાવેશ કરીને જે રીતે દ્વારકા , સોમનાથ , કાશી વિશ્વનાથ મંદિરનો ઐતિહાસિક વિકાસ હાથ ધરાયો તે રીતે આ મંદિરનો પણ વિકાસ કરવામાં આવે તો પોરબંદર શહેર ખરા અર્થમાં વિશ્વ લેવલે ‘ ગાંધી – સુદામા નગરી ‘ તરીકે પ્રસ્થાપિત થશે . અહીં પ્રવાસીઓનો પ્રવાહ વધશે અને શહેરના વેપાર – ધંધા પણ વિકસશે , દેશ – વિદેશથી આવતા પ્રવાસીઓ પણ અહીંની ખુબ જ ઉમદા ઓળખ લઈને જશે . આ બાબતેની રજુઆત વડાપ્રધાનની સાથો સાથ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ , કેબીનેટમંત્રી મુળુભાઈ બેરા , પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક , રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા , પૂર્વધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા ઉપરાંત મંખ્યમંત્રીના અગ્રસચિવ , મુખ્ય સલાહકાર , સચિવ તેમજ ટુરીઝમ વિભાગના ડાયરેકટર , પોરબંદરના જીલ્લા કલેકટર , મામલદાર અને જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરાને પણ આ બાબતે જાણ કરીને યોગ્ય કાર્યવાહી કરવા ભારતીય જનતા યુવા મોરચા – પોરબંદરના પ્રમુખ સાગર મોદીએ રજુઆત કરી છે .

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!