રાજ્ય સરકારની વિદેશ ઉચ્ચ અભ્યાસ લોનથી પોરબંદરના યુવાનને અમેરિકામાં ઉચા પેકેજની નોકરી મળી
યુવાને સરકારની રૂ.૧૫ લાખની લોન પણ સમયસર ચૂકવી દીધી
સાફલ્યગાથા:- જીતેન્દ્ર નિમાવત
પોરબંદર તા.૨, વિદેશ ઉચ્ચ અભ્યાસ માટેની રાજ્ય સરકારની મહત્વની યોજનાથી પોરબંદરના યુવાનનુ વિદેશમાં ઉચ્ચ અભ્યાસનું સ્વપ્ન સાર્થક થયુ છે. રાજ્ય સરકારે સામાન્ય દરે રૂ.૧૫ લાખની શૌક્ષણિક લોન પુરી પાડતા પોરબંદરના યુવાન જીગર પરમારે અમેરિકા ભણવાનુ પુરુ કરીને ફલોરિડામા સારા એવા પેકેજની નોકરી મેળવી છે.
રાજ્ય સરકારની જનહિતલક્ષી યોજનાઓથી લાભાર્થી પરિવારના જીવનમાં હકારાત્મક બદલાવ આવી રહ્યા છે. સામાજિ- આર્થિક વિકાસ માટે શૈક્ષણિક વિકાસ ખૂબ જ જરૂરી છે. ગ્રેજ્યુએશન બાદ ઉચ્ચ અભયાસ માટે અભ્યાસ અર્થે વિદેશ જવા ઇચ્છતા યુવાનો માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્રારા માત્ર ૪ ટકાના દરે રૂ. ૧૫ લાખ સુધીની લોન આપવામાં આવે છે. જેનો હેતુ વિદેશમાં અભ્યાસ કરવા ઇચ્છતા આર્થિક રીતે અસક્ષમ પરિવારોના સંતાનોનુ સ્વપ્ન સાકાર કરવાનું છે.
લાભાર્થી યુવાન જીગર પરમારના પિતા નિલેશ પરમારે જણાવ્યુ હતુ કે, હું પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવુ છું. વર્ષ ૨૦૧૬માં મારા પુત્રનું એન્જીનીયરીંગમાં ગ્રેજ્યુએશન પુર્ણ થયા બાદ અમેરિકામા ઉચ્ચ અભ્યાસ કરવાની તેમની ઇચ્છા હતી. પણ અમેરિકામા અભ્યાસનો ખર્ચ વધુ થતો હોવાથી અમારા માટે તે અઘરુ હતુ. જેથી પોરબંદર સમાજ કલ્યાણ વિભાગ વિકસતી જાતીમા ફરજ બજાવતા શ્રી.ડોબરીયા સાહેબ પાસેથી વિદેશ ઉચ્ચ અભ્યાસ લોન વિશે જાણકારી મળી હતી.
લોન માટેની તમામ પ્રક્રિયા પુર્ણ કર્યા બાદ સમયસર લોનના બન્ને હપ્તા મળી જતા મારા પુત્રનું અમેરિકામાં ઉચ્ચ અભ્યાસનુ સ્વપ્ન પુર્ણ થયુ હતુ. અભ્યાસ બાદ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝમાં પુત્રને જોબ મળી અને કંપનીએ તેમને સારા એવા પેકેજથી અમેરિકામાં ફ્લોરિડા ખાતે પોસ્ટીંગ કરવામાં આવ્યુ છે. કંપનીમાં જોબ મળતા સરકારની લોન પણ સમયસર ચૂકવીને અમારી જવાબદારી પુર્ણ કરી છે. રાજ્ય સરકારની વિધાર્થીઓના ઉત્કર્ષ માટેની યોજનાથી મારા પુત્રનો વિદેશ અભ્યાસનુ સ્વપ્ન જ સાકાર નથી થયુ પરંતુ નામાંકિત કંપનીમા સારો એવો પગાર પણ મળી રહે છે.
આ યોજનાના લાભ બદલ નિલેશભાઇ પરમારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તથા સમાજ કલ્યાણ વિભાગનો આભાર વ્યક્ત કરવાની સાથે લોનની પ્રક્રિયામાં માર્ગદર્શન આપનાર સમાજ કલ્યાણ કચેરીના ડોબરીયા સહિત સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો