માં આનંદમયી ( ભાગ-૧ – પ્રાગટ્ય અને શૈશવકાળ ) લેખક :-વિવેક ટાંક

આધ્યાત્મ જગત રહસ્યો થી ભરપુર છે. તેમાં બધું તર્કથી સમજી ના શકાય. માત્ર તેને માણી શકાય.

૧૯ મી સદીની આ વાત છે. પૂર્વ બંગાળમાં બીપીન બિહારી અને મોક્ષદાસુંદરી નામે દંપતી રહેતા હતા. બંને ખૂબ ભક્તિભાવ વાળા હતા. બિપિન બિહારી તો જાણે વૈરાગી.

મોક્ષદા સુંદરીએ એક પુત્રીને જન્મ આપ્યો, પણ જન્મતા જ તે મૃત્યુ પામેલી. આ ઘટનાથી મોક્ષદાસુંદરીને ખૂબ આઘાત લાગેલો. પુત્રનો વંશવેલો આગળ વધે તે માટે બીપીનબિહારીની માતા પુત્ર પ્રાપ્તિની પ્રાર્થાના કરવા નજીકના પ્રસિદ્ધ કાલી મંદિરે ગયા. પણ આ શું ? બે હાથ જોડીને તેણે પ્રાર્થના કરી કે “ માં, બીપીનને તું પુત્રી આપજે”

માતાને સમજાયું જ નહિ કે પુત્રને બદલે પુત્રીની પ્રાર્થના કેમ થઇ ? પણ આ બધી તેની દિવ્ય લીલા. પ્રાર્થના થતાં તો થઈ ગઈ હવે ફરે નહિ.

આ ઘટનાને થોડા વખત પછી મોક્ષદાસુંદરીને સારા દિવસો રહેવા લાગ્યા. આ સમયગાળામાં તેને અનેક અલૌકિક અનુભવો થવા લાગ્યા,દેવી દેવતાઓની ક્યારેક ક્યારેક ઝાંખી થવા લાગી. આ બધું પોતે જ કઈ સમજી શકતા નહોતા. બસ તેમને અપૂર્વ આનંદનો સતત અનુભવ થતો. જાણે મહાન આત્માના આગમન પૂર્વેના લક્ષણો હતો આ બધા.

૧૮૯૬ ની ૩૦ એપ્રિલે ગુરુવારે રાત્રે મોક્ષદાસુંદરીએ એક પુત્રીને જન્મ આપ્યો. પણ કહેવાય છે આ પુત્રીના જન્મ વખતે માતાને ખાસ પ્રસવપીડા થઇ નહિ. અને બાળકી એ પણ સામાન્ય બાળકની જેમ રડી નહિ. બાળકીનું નામ નિર્મળાસુંદરી પાડવામાં આવ્યું. જે આગળ જતા “માં આનંદમયી” તરીકે પ્રખ્યાત થયા.
આ રડવાની ઘટના વિષે માં એ કોઈને કહેલું કે “હું શું કરવા રડું ? હું તો તે વખતે છાપરાના કાણા માંથી આંબાનું ઝાડ જોતી હતી”

પહેલી પુત્રી જન્મ સાથે જ મૃત્યુ પામી હતી તેથી ચિંતિત મોક્ષદાસુંદરીએ આ બાળકીને લઈને તુલસી ક્યારે રક્ષણ માટે મૂકી દીધી અને પ્રાથના કરી કે “માં ભગવતી , હું આ બાળકીને તારે ખોળે મુકું છું.નતું સદાય તેનું રક્ષણ કરજે” દોઢ- બે વર્ષ સુધી આ રીતે મોક્ષદાસુંદરી તેને આરીતે રોજ તુલસી ક્યારે મુકીને પ્રર્થન કરતા. અને પછી તો બાળકી જાતે જ તુલસીક્યારે જઈને આળોટતી.

નિર્મળાદેવી ( આનંદમયી માં ) પછી ત્રણ ભાઈઓ એક પછી એક જન્મ્યા અને મૃત્યુ પામેલા. એ બધી પણ અલૌકિક ઘટનાઓ છે.

નિર્મળા જ્યારે ત્રણેક વર્ષની થઇ ત્યારે તેમના માતા તેમને તેડીને પાડોશીને ત્યાં કીર્તનમાં લઇ ગયેલ. કીર્તન સંભાળતા સાંભળતા જ નિર્મળાની આંખો બંધ થઇ ગઈ અને જાણે ગેહરી આનંદ સમાધિમાં જતી રહી અને ઢળી પડી. આ જોઇને તેની માતાએ કહ્યું “બેન, ઊંઘે છે કેમ? કીર્તન સાંભળ”
આ ઘટના વિષે પણ માં આનંદમયીએ કહેલ કે “ અત્યારે કીર્તનમાં જેવી અવસ્થા થાય છે તેવી જ અવસ્થા ત્યારે પણ થતી. પણ લાગે છે કે યોગ્ય સમય ન થયો હોવાથી તે પ્રગટ થતી ન હતી”

ઉત્સવના સમયે એક વાર માતા અને તેના સગા નાની નિર્મળાને લઈને ચાનલામાં શિવના દર્શન કરવા ગયેલા.નિર્મળાને મંદિરના દરવાજે બેસાડીને કહેવામાં આવ્યું કે અહીંથી ખસતી નહિ. અને બીજા બધા ઉત્સવ જોવા ગયા. માતા ને બીજા પાછા આવ્યા ત્યારે જુવે છે તો નિર્મળા હજુ તેમની તેમ જ એકીટસે મંદિરની અંદર જ જોઈ રહી છે. માતાએ પૂછ્યું અંદર શું જુવે છે ? પણ નિર્મળાને જાણે કઈ સંભળાયું જ નહિ. તે જાણે આ જગતમાં હતી જ નહિ. માં એ બે ચાર વાર ઢંઢોળી ત્યારે તે જાગ્રત અવસ્થામાં આવ્યા. કોઈ કાઈ સમજી શકતું ન હતું કે આ શું થયું ? અને નિર્મળાને લઈને માતા ઘરે આવી ગઈ.
વર્ષો પછી માં આનંદમયી કહેલ કે “એ વખતે માતા મને શિવ મંદિરનાં દરવાજે બેસાડીને જતી રહેલ, ત્યારે મેં મંદિરમાં જોયું કે શિવજી લિંગમાંથી બહાર આવીને નૃત્ય કરે છે. અને હું એ નૃત્ય જોવામાં તલ્લીન થઇ ગયેલ.”

નાનપણથી જ નિર્મળાની ચેતના જાણે ઉર્ધ્વમાં જ સ્થિત થઇ જતી. જાણે તે આ જગતની હતી જ નહિ. તેને જગત પ્રત્યે વૈરાગ્ય અને પરમતત્વ પ્રત્યે અનુરાગ હતો. તેને અનેક ડેવી દેવતાઓની ઝાંખી થતી. તેને સામાન્ય બાળક જેવી કોઈ જ ઈચ્છા થતી નહિ. તેના પિતાજી પાસેથી પ્રાર્થનાં કરતા શીખી હતી. આથી તે હમેશા પ્રાર્થના કરતી કે “ હે પ્રભુ ! જેનાથી તમને આનંદ થાય તેવું મારે માટે કરજે ”

માં નું ભણતર ખૂબ સામાન્ય રહેલું. એક તો શાળા દૂર અને ભાઈઓની સતત બીમારી અને તેઓનું મૃત્યુ આ બધામાં તે ખૂબ ઓછા દિવસો શાળામાં ભણ્યા હતા. માં નો શૈશવકાળ બહુ જલ્દી પૂરો થઇ રહ્યો હતો.

હવે તે બાર વર્ષની કિશોરી થઇ ગયા હતા. માનો સ્વભાવ ખૂબ સરળ હતો. લોકો તેને “સીધી, ભોળી” કહેતા. માતાને હમેશા તેની ચિંતા થતી. તે હમેશા કહેતી “ આ છોકરી તો સાવ સીધી સાદી છે, તેને કશી જ સુધ બુધ નથી. આનું શું થશે ?”

હવે નિર્મળા માટે મુરતિયો શોધવાની તૈયારીઓ શરુ થઇ ચુકી હતી.

(ક્રમશઃ )

  • વિવેક ટાંક
Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!