જીલ્લા રોજગાર કચેરી અંતર્ગત ગુરુકુલ મહિલા કોલેજ પોરબંદર માં રોજગાર કચેરી અને કારકિર્દી સંવાદ યોજાયો
આજના ફાસ્ટ યુગમાં કારકિર્દી માટે વિશાળ તકો ઉપલબ્ધ છે અને જો વિદ્યાર્થી ધારે તો અનેક ક્ષેત્રોમાં પોતાની ક્ષમતા દ્વારા આર્થિક સ્વાવલંબન કેળવી શકે છે ત્યારે બહેનો માટે વિવિધલક્ષી કારકિર્દી માટેની તકો મળી રહે તે માટે પ્રયત્નશીલ ગુરુકુલ મહિલા કોલેજ પોરબંદરના ઉદિશા પ્રકલ્પ દ્વારા એક કારકિર્દીલક્ષી સંવાદ યોજવામાં આવ્યો હતો. જેમાં કોલેજના આમંત્રણને માન આપી પોરબંદર જિલ્લા રોજગાર કચેરીના મુખ્ય અધિકારી દિનેશ પરમાર મુખ્ય તજજ્ઞ તરીકે ખાસ ઉપસ્થિત રહેલા તથા તેઓની જોડે આ જ કચેરીમાં સંયોજક તરીકે કાર્યરત હિતેશ વાઢિયા પણ જોડાયા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવોનું સૂતમાળાથી સ્વાગત ઉદિશા કોલેજ કોર્ડીનેટર ડૉ.જયેશ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતુ અને સાથે તેઓએ કારકિર્દી ઘડતરમાં જિલ્લા રોજગાર કચેરી કઈ રીતે ઉપયોગી થાય તથા કઈ કઈ રીતે રોજગાર અધિકારીઓના બહોળા અનુભવો જીવનમાં ઉપયોગી થાય તે બાબત પ્રાસંગિક ઉદબોધન કરેલું હતું. ત્યારબાદ મુખ્ય વક્તા દિનેશ પરમાર દ્વારા રોજગાર કાર્ડ શું છે તથા આ કાર્ડ કઈ રીતે કઢાવી શકાય અને કઈ રીતે કારકિર્દી ઘડતરમાં ઉપયોગી બને વિગેરે ની માહિતી વિગતવાર પૂરી પાડી હતી. ત્યારબાદ સરકારી વિવિધ ક્ષેત્રોમાં ક્લાસ ૧ કે ૨ અધિકારીઓ બનવા કઈ કઈ રીતે તૈયારીઓ કરવી તથા પ્રાઇવેટ ફિલ્ડમાં પણ કેવા કેવા પ્રકારની જોબ રહેલી છે તેની પણ ચર્ચાઓ કરી હતી તથા આ પ્રકારની કારકિર્દી માટે કઈ કઈ રીતે તૈયારી કરવી તેની પણ ટિપ્સ પૂરી પાડી હતી. તેઓએ આજની આ યુવા પેઢી સારા વાચક બને તે માટે અપીલ કરી હતી અને સાથે પરીક્ષાલક્ષી નોટ્સ કેમ તૈયાર કરવી તેની સચોટ માહિતી આપી હતી અને જે વિદ્યાર્થિની આ તૈયારી કરતી હોય ત્યારે જરૂર પડ્યે પોતાનું માર્ગદર્શન આપવા ખાતરી આપી હતી.આ સાથે સરકારશ્રી દ્વારા ચાલતા કેરિયર કાઉન્સેલિંગ સેન્ટર તથા તેના ફાયદાઓની વાત રજૂ કરી હતી. આ સાથે કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે રોજગાર કચેરી દ્વારા તૈયાર કરવામાં આવેલા રોજગાર કાર્ડ બહેનોને અર્પણ કરેલા હતા તથા હિતેશ વાઢિયા દ્વારા રોજગાર કચેરી દ્વારા ઓનલાઇન માર્ગદર્શન અંગે તથા રોજગાર કાર્ડની રીન્યુ પ્રોસેસ અંગે માહિતી અપાઈ હતી.
ખૂબ ઉપયોગી એવા આ કારકિર્દીલક્ષી સંવાદમાં કોલેજની બહેનોએ પણ ખૂબ એક્ટિવ બની પ્રશ્નોતરી કરી હતી અને કોલેજમાં આ પ્રકારના કાર્યક્રમો યોજવા કોલેજના પ્રિન્સીપાલ ડૉ.અનુપમ નાગર દ્વારા પ્રેરણા, પ્રોત્સાહન તથા માર્ગદર્શન પૂરા પડાયા હતા. આ કાર્યક્રમમાં કુ.વેદાંશી જોશીએ સહકાર પૂરો પડ્યો હતો.