માધવપુરના મેળામાં પ્રસરી ભારતના ઉત્તર-પૂર્વ અને પશ્ચિમી સંસ્કૃતિની સુવાસ
————
*બન્ને સંસ્કૃતિઓના ખાનપાન, વેષભૂષાથી લઈ વિચારોનું આદાનપ્રદાન*
————
*ગુજરાતના લોકો એકદમ માયાળુ અને પ્રેમાળ: ફ્લોરા લાલવમઝૂઆલી ખિંગાટે*
————
પોરબંદર, તા.19: ભારતની ઉત્તર-પૂર્વ અને પશ્ચિમ સંસ્કૃતિને એક તાંતણે બાંધનાર માધવપુર ઘેડના મેળામાં હેન્ડલૂમ, બામ્બૂ ક્રાફ્ટ, કૉના ક્રાફ્ટ, શિતલપટ્ટી ક્રાફ્ટ તેમજ અલગ અલગ પ્રકારની વાનગીઓના વિવિધ સ્ટોલના માધ્યમથી બન્ને સંસ્કૃતિઓના ખાનપાન, વેષભૂષાથી લઈ વિચારોનું આદાનપ્રદાન થઈ રહ્યું છે. આ સ્ટોલના માધ્યમથી મિઝોરમ, આસામ, મણિપુર વગેરેથી આવેલા વેપારીઓ, હસ્તકલાના કારીગરોના અનેરાં ઉત્પાદનો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
ફ્લોરા લાલવમઝૂઆલી ખિંગાટે પણ માધવપુરના મેળામાં પોતાના સ્ટોલ થકી વિવિધ ઓર્ગેનિક પ્રોડક્ટ્સનું વેચાણ કરી રહ્યાં છે. રોશેલ કેન્ડી, મેંગો બાર, બનાના ચીપ્સ, મિઝો ચીલી વગેરે જેવી મિઝોરમની વિવિધ ઓર્ગેનિક અને પૌષ્ટિક વસ્તુઓ ગુજરાતીઓને પસંદ પડી રહી છે.
જેવી રીતે ગીરની કેસર કેરીને GI (ભૌગોલિક ઓળખ) ટેગ મળેલું છે. તેવી જ રીતે મિઝોરમના તીખાં લાલ મરચાં ઓર્ગેનિક બર્ડ્સ આઈ ચીલી એટલે કે મિઝો ચીલીને પણ GI ટેગ મળેલું છે. ઓર્ગેનિક મિઝો ચીલી સહિત અન્ય ઉત્પાદનોનું વેચાણ કરતા ફ્લોરાએ જણાવ્યું હતું કે, ‘આ મારી ગુજરાતની પહેલી મુલાકાત છે. અને મિઝોરમથી ગુજરાત આવવાનો અનુભવ ખૂબ જ સુખદ રહ્યો છે. ગુજરાત એ ખરેખર સુંદર રાજ્ય છે. અહીં ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. ગુજરાતના લોકો પણ એકદમ માયાળુ અને પ્રેમાળ છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અહીંના સ્થાનિક લોકોને પણ અમારા ઉત્પાદનો ખૂબ જ ગમ્યાં છે. અહીંના લોકો પણ પરંપરાગત સંસ્કૃતિ સાથે જોડાયેલા છે અને અમારી સંસ્કૃતિને પણ નજીકથી જાણવા માટેનો ઉત્સાહ બતાવી રહ્યાં છે. અમને તમામને અહીંના લોકોનો ખૂબ જ સારો અનુભવ રહ્યો છે.