પોરબંદર માં શ્રી માત્રી માતાજીની ગરબીમાં 130 વર્ષથી પુરુષો ગરબે રમે છે
શ્રી માત્રી માતાજીની ગરબીમાં 130 વર્ષથી પુરુષો ગરબે રમે છે
ઢોલ અને જાંઝ ના તાલે ભાઈઓ ગરબા ઝીલે છે, રાત્રે મંદિરે મહા આરતી થાય છે
પોરબંદરના વાણિયાવાડમાં માત્રી માતાજીનું મંદિર આવેલ છે. બ્રહ્મ ક્ષત્રિય પંચ દ્વારા ગરબીનું આયોજન કરવામાં આવે છે. ગરબામાં બ્રહ્મ ક્ષત્રિય સમાજના ભાઈઓ ગરબા રમે છે. ઢોલ અને જાંઝના તાલે ગરબા રમાય છે. આ સમાજના આગેવાન મનીષભાઈ શનિશ્વરા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતુંકે, 130 વર્ષથી પ્રાચીન ગરબીની પરંપરા આજે પણ જાળવી રાખી છે. અમારા સમાજના ભાઈઓ અન્ય કોઈ રાસોત્સવ માં જતા નથી. માતાજીના સાનિધ્યમાં માતાના ગરબા ગાવામાં આવે છે અને અન્ય રમનાર ભાઈઓ ગરબાને ઝીલે છે. વર્ષો પહેલા પુરુષો જ ગરબા રમતા હતા. હવે બહેનો માટે પણ આ રીતે જ પ્રાચીન ગરબાનું આયોજન થાય છે. પરંતુ સાંજે 5 થી 7 દરમ્યાન બહેનો રમે છે અને રાત્રે 10 થી 12 સુધી પુરુષો ગરબા રમે છે અને બહેનો ગરબા નિહાળે છે. રાત્રિના 12 વાગ્યે માતાજીના મંદિરે મહા આરતી કરવામાં આવે છે અને માતાજીની આરાધના કરવામાં આવે છે. અહી ભક્તિમય વાતાવરણ જોવા મળે છે.