JCIની મહિલા વિંગ દ્વારા વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

દિવાળીના તહેવારો પૂર્વે અનેરું આયોજન સંપન્ન
જેસીઆઈ પોરબંદર દ્વારા વર્ષ દરમિયાન અનેક પ્રકારના કાર્યક્રમોના સુંદર આયોજનો કરવામાં આવતા હોય છે. જેસીઆઈ પોરબંદરની મહિલા વિંગ દ્વારા પણ સમયાંતરે મહિલાઓ અને બાળકો માટેના સુંદર પ્રોજેકટ યોજવામાં આવે છે, તેના ભાગરૂપે દિવાળીના તહેવારોને અનુલક્ષીને જેસીઆઈની મહિલા વિંગ દ્વારા બહેનોમાં રહેલી વિવિધ પ્રકારની કલાઓને ઉજાગર કરવા એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રોજેકટમાં દિવા ડેકોરેશન, તોરણ શણગાર, શુભ લાભ સાથિયા શણગાર, દિવાળી શુભેચ્છા ઇમેજ ક્રિએટ વગેરે સ્પર્ધાઓનું કલ્યાણ હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધાઓમાં બહેનો અને બાળકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. તમામ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જેસીઆઈ પોરબંદરની મહિલા વિંગના ચેરપર્સન જિલ કોટેચા, ભક્તિ મોનાણી, મિશરી ગોંદીયા, જિજ્ઞા તન્ના, સોનલ પટેલ, જિજ્ઞા રાડીયા, એકતા દાસાણી, હેતલ બાપોદરા, નિધિ રામાંણી, દીપ્તિ થાનકી વગેરે સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
આ સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે વિશ્વા પટેલ અને તન્વી કોટેચાએ સેવાઓ આપી હતી.
