
પોરબંદરમાં રૂા.૪૯ લાખના ખર્ચે નવનિર્મિત સખી વન સ્ટોપ સેન્ટરનું લોકાપર્ણ કરાયું
પોરબંદર તા.૮, પોરબંદરમાં આજે વિશ્વ મહિલા દિવસ નિમિતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્રારા નવ નિર્મિત સખી વન સ્ટોપ સેન્ટરનું લોકાપર્ણ કરવામાં આવ્યુ છે. ઘરેલુ હિંસા તેમજ અન્ય બાબતોમાં મદદ માટે મહિલાઓને સખી વન સ્ટોપ સેન્ટરમાં મદદ-આશ્રય મળી રહે તે માટે રૂા.૪૯ લાખના ખર્ચે આ ભવનનું નિમાર્ણ કરવામાં આવ્યું છે.

પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ નજીક નવનિર્મિત સખી વન સ્ટોપ સેન્ટરનું લોકાપર્ણ કલેકટરશ્રી ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણી, સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
આ તકે કલેકટર એ જણાવ્યું હતુ કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્રારા મહિલાઓના ઉત્કર્ષ માટે, મહિલાઓને મુશકેલીમાં મદદ માટે અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. મહિલાઓ માટે ૧૮૧ સહિતના હેલ્પલાઇન પણ છે. ઘરેલુ હિંસા કે અન્ય સ્થિતિમાં બહેનોને-બાળકોને આશ્રય મળી રહે તે માટે સખી વન સ્ટોપ સેન્ટરમાં મદદ મળી રહેશે.
આ પ્રસંગે ઇન્ચાર્જ એસ.પી.ભરત પટેલ, મહિલા અને બાળ અધિકારી શ્રી કાશ્મીરા બેન સાવંત, દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી ડો. પ્રજ્ઞા બેન ત્રીવેદી. અંગ્રણી ડો. ચેતના બેન તિવારી, જિલ્લા ભાજપ પ્રમુખ કીરીટભાઇ મોઢવાડીયા, અગ્રણી પદુભાઇ રાયચુરા, ડો. સુરેખાબેન શાહ, દુર્ગાબેન અને મહિલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

