અકસ્માત થયા પછી વાહનચેકિંગના નાટક કરવાને બદલે પોરબંદર પોલીસ અગમચેતીના પગલા કેમ ભરતી નથી?

પોરબંદર કોંગ્રેસે પોલીસની ઢીલી નીતિ અંગે રાજયના ગૃહમંત્રીને કરી ફરીયાદઃ નબીરાઓ અને આવારાતત્વોમાં ખાખી વર્ધીનો ખોફ કેમ નથી?: પી.આઈ. અને પી.એસ.આઇ. કક્ષાના અધિકારીઓની જ મીઠી નજર હેઠળ આવારાતત્વો બેફામ બન્યાનો આક્ષેપ
પોરબંદરમાં બેફિકરાઈથી કાર ચલાવનાર શખ્સે ગમખ્વાર અકસ્માત સજીને ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતી યુવતીનો ભોગ લઇ લીધા બાદ વાહનચેકિંગના નાટક કરતી પોરબંદર પોલીસ અગમચેતીનું પગલું ભરીને અગાઉથી જ કેમ આવા બનાવો ઉપર બ્રેક મારી શકતી નથી? તેવો સવાલ ઉઠાવીને પોરબંદર કોંગ્રેસે ગૃહમંત્રીને ફરીયાદ કરી છે.
પ્રદેશકોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સીનીયર આગેવાન રામદેવભાઈ મોઢવાડિયાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, પોરબંદરમાં બે દિવસ પહેલા કર્લીના પુલ નજીક સર્જાયેલા વાહન અકસ્માતમાં ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતી યુવતીનું મોત નીપજ્યું હતું અને આ બનાવ બાદ પોલીસે વાહન ચેકિંગની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ આવા બનાવો બને જ નહી તે માટે પોલીસ કેમ ગંભીર બનતી નથી? તેવો સવાલ ઉઠાવીને જણાવ્યું છે કે, પોરબંદર શહેરમાં પોલીસનો કોઈપણ પ્રકારનો ભય હોય નહી તે રીતે આવારાતત્વો બેફામ બનીને વાહન ચલાવે છે. ભૂતકાળમાં અનેક વાહન અકસ્માતોમાં નિર્દોષ લોકોના જીવ ગુમાવી ચૂકયા છે અને તેની પાછળ માત્ર ને માત્ર નશાખોર વાહનચાલકો જ જવાબદાર છે તેમ જણાવીને તેમણે ઉમેર્યું છે કે, આવા બનાવો બને પછી પોરબંદર પોલીસ હરકતમાં આવે છે પરંતુ બેફિકરાઈથી વાહન ચલાવનારાઓની સ્પીડ ઉપર કાબુ એટલા માટે મેળવી શકાતો નથી કે આવા શખ્સો નશાની હાલતમાં હોય છે જેના કારણે અકસ્માતો થાય છે. તેથી પોરબંદર પોલીસે વાહનચેકિંગ દરમિયાન નશાની હાલતમાં વાહન ચલાવનારાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ અને કોઈ નિર્દોષનો ભોગ લેવાય તે પહેલા જ અગાઉથી કડક હાથે કામ લેવું જોઈએ તે જરૂરી બન્યું છે. તે ઉપરાંત વાહનચાલકોની ઓવરસ્પીડ ઉપર પણ કંટ્રોલ રાખવા માટે પોલીસે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ અને જરૂર પડયે સી.સી.ટી.વી. કેમેરાનો ઉપયોગ કરીને પણ તપાસ હાથ ધરવી જોઈએ તેવી માંગણી કરવામાં આવી છે.
પોરબંદર કોંગ્રેસના સીનીયર આગેવાન રામદેવભાઈ મોઢવાડિયાએ દ્વારા કરવામાં આવેલી રજુઆતમાં જણાવ્યું છે કે, પોરબંદરમાં અત્યાર સુધીમાં વાહન અકસ્માતે અંસખ્ય નિર્દોષ માનવ જિંદગીઓ હોમાઈ ચુકી છે તેની પાછળનું એકમાત્ર કારણ પોરબંદર પોલીસની નબળી નીતિ છે. તેમ જણાવીને તેમણે વધુમાં ઉમેર્યું છે કે, પોરબંદર શહેર અને જીલ્લામાં છેલ્લા કેટલાક સમયથી આવારાતત્વોને પોલીસનો કોઇપણ પ્રકારનો ભય હોય નહી તેવું જણાઈ રહ્યું છે તેની પાછળનું કારણ એવું પણ છે કે, પોલીસની જ મીઠી નજર હેઠળ આવારાતત્વોને મોકળું મેદાન મળી ગયું હોય તેવું જણાઈ રહ્યું છે અને પ્રજાજનો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. સામાન્ય માણસોને ઘરની બહાર નીકળવામાં પણ જો ભય અનુભવાતો હોય તો પોરબંદર પોલીસ માટે આ બાબત હવે શરમજનક છે. તેમ જણાવીને પોરબંદરમાં પી.આઈ. અને પી.એસ.આઈ. કક્ષાના કડક પોલીસ અધિકારીઓની નિમણુક કરવી જરૂરી બની હોવાનું પણ પત્રના અંતે ઉમેરવામાં આવ્યું છે. અને જિલ્લા પોલીસવડા કડક છે પરંતુ તેના હાથ નીચેના અધિકારીઓની ઢીલી નીતીને કારણે લુખ્ખા તત્વોને મોકળુ મેદાન મળતુ હોવાનું જણાવ્યું છે.
