રાજ્ય સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધામાં પોરબંદર સાંદીપનિની શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયએ વિજય ટ્રોફી પ્રાપ્ત કરી
૩૨મી રાજ્ય સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધામાં પોરબંદર સાંદીપનિની શ્રીબાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયએ સતત ચોથી વાર વિજય વૈજયંતી ટ્રોફી પ્રાપ્ત કરીને સાંદીપનિ સંસ્થાનું ગૌરવ વધાર્યું
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રેરિત અને ગુજરાત રાજ્ય સંસ્કૃત પાઠશાળા શિક્ષક મંડળ, અમદાવાદ અને શ્રી સદ્ગુરુ સંસ્કૃત મહાવિદ્યાલય, શ્રીખોખરા હનુમાન હરિહરધામ, મોરબીના સંયુક્ત ઉપક્રમે પ્રત્યેક વર્ષે વેદો અને શાસ્ત્રોનો પ્રચાર અને પ્રસાર થાય તેમજ સંસ્કૃત શાસ્ત્રો પ્રત્યે વિદ્યાર્થીઓ ઉંડાણપૂર્વક રસ લેતા થાય એ માટે પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે ૩૨મી રાજ્ય સ્તરીય સંસ્કૃત શાસ્ત્રીય સ્પર્ધાનું તા.૨૮/૧૨/૨૩ થી તા.૩૦/૧૨/૨૩ સુધી મોરબી ખાતે આયોજન થયેલ હતું. રાજ્ય સ્તરીય સંસ્કૃત શાસ્ત્રીય સ્પર્ધામાં વિભિન્ન શાસ્ત્રોના વિષયોની (સંભાષણ, શલાકા, કંઠપાઠ વગેરે) ૩૫ જેટલી સ્પર્ધાઓ યોજાઇ જેમાં ગુજરાતની ૩૧ જેટલી સંસ્કૃત પાઠશાળાના ૬૪૮ ઋષિકુમારોને વિવિધ શાસ્ત્રીય સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.
પોરબંદરમાં ખાતે આવેલી પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા પ્રેરિત અને સંચાલિત સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાનું સંવર્ધન અને સંપોષણમાં અહર્નિશ કાર્યરત શ્રી સાંદીપનિ વિદ્યાનિકેતન સંસ્થામાં કાર્યરત શ્રીબાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ પણ આ રાજ્ય સ્તરીય સંસ્કૃત શાસ્ત્રીય સ્પર્ધામાં પાઠશાળાના પ્રધાનાચાર્યશ્રી અને ગુરૂજનોના માર્ગદર્શન દ્વારા વિભિન્ન સ્પર્ધાઓમાં પોતાના પરિશ્રમપૂર્વક ભાગ લઈને સર્વોત્તમ પ્રદર્શન કર્યું હતું. શ્રીબાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ સંસ્કૃતના વિવિધ શાસ્ત્રોની સંભાષણ સ્પર્ધા, શલાકા સ્પર્ધા, અક્ષર શ્લોકી સ્પર્ધા, કંઠપાઠ અને શ્લોકપૂર્તિ જેવી સ્પર્ધાઓમાં ભાગ લઈને કુલ ૧૨ સુવર્ણચંદ્રક, ૧૧ રજતચંદ્રક અને ૫ કાંસ્યચંદ્રક પ્રાપ્ત કર્યા હતા. આ સંસ્કૃત શાસ્ત્રીય સ્પર્ધામાં પ્રતિવર્ષ નિયમ પ્રમાણે પ્રાપ્ત થયેલા મેડલ અનુસાર જે પાઠશાળાના સૌથી વધુ અંક થાય તેને વિજય વૈજયંતી ટ્રોફી પ્રદાન કરવામાં આવે છે. આ વર્ષે સાંદીપનિની શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયને સૌથી વધુ ૬૫ અંક પ્રાપ્ત થયા હોવાથી વિજય વૈજયંતી ટ્રોફી પ્રદાન કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રમાણે સતત ચોથી વાર સાંદીપનિની શ્રીબાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયએ વિજય વૈજયંતી ટ્રોફી પ્રાપ્ત કરી છે.
આ રાજ્યસ્તરીય શાસ્ત્રીય સ્પર્ધામાં પોરબંદરની સાંદીપનિ શ્રીબાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના આચાર્ય શ્રી બિપીનભાઈ જોશી અને સર્વ ગુરુજનોના માર્ગદર્શનથી ઋષિકુમારોએ બધી જ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.
આ તમામ સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત મેળવનારને સુવર્ણચંદ્રક, દ્વિતિય ક્રમાંકને રજતચંદ્રક અને તૃતીય ને કાંસ્યચંદ્રક અર્પણ કરવામાં આવે છે જેમાં દવે પ્રિન્સ ન્યાય શલાકા સ્પર્ધામાં સુવર્ણચંદ્રક, દવે વૈભવ વ્યાકરણ શલાકા– સુવર્ણચંદ્રક, જોશી અક્ષત ન્યાય ભાષણ સ્પર્ધામાં– સુવર્ણચંદ્રક, જોશી શ્યામ વ્યાકરણ સંભાષણ -સુવર્ણચંદ્રક, નાકર સાહિલ – સાહિત્ય સંભાષણ – સુવર્ણચંદ્રક, પંડ્યા યશ, શ્લોક સમસ્યા પૂર્તિ સુવર્ણચંદ્રક, મહેતા કાર્તિક , ધાતુકંઠ પાઠ સુવર્ણ ચંદ્રક, ઠાકર સૌરભ, મીમાંસા સંભાષણ -સુવર્ણચંદ્રક, મહેતા પ્રશાંત, વેદાંત શલાકા સુવર્ણ ચંદ્રક, જોશી પાર્થ, વેદભાષ્ય સંભાષણ -સુવર્ણચંદ્રક, પાંડેય વૈદેહીશરણ –આયુર્વેદ સંભાષણ સુવર્ણચંદ્રક, જાની પારસ, વેદાંત સંભાષણ – સુવર્ણચંદ્રક, માઢક હર્ષ, અષ્ટાધ્યાયી કંઠપાઠ -રજતચંદ્રક, દવે પ્રિન્સ સાહિત્ય શલાકા – રજતચંદ્રક, પંડ્યા ધ્યાનીશ, મીમાંસા શલાકા -રજતચંદ્રક, જોશી રક્ષિત, શ્રીમદ્ ભગવદ્ગીતા કંઠપાઠ, રજતચંદ્રક, પંડ્યા હિમાલય અને પંડ્યા યશ એ સ્ફૂર્તિ સ્પર્ધામાં -રજતચંદ્રક, તેરૈયા જય – સાંખ્યયોગ સંભાષણ– રજતચંદ્રક, જાની ગૌરવ, જૈનબૌદ્ધદર્શન સંભાષણ- રજતચંદ્રક, મથ્થર મહેશ, અર્થશાસ્ત્રશલાકા-રજતચંદ્રક, જાની દીક્ષિત, કાવ્ય શલાકા- રજતચંદ્રક, ભરાડ અજીત, જ્યોતિષ સંભાષણ- રજતચંદ્રક, જોશી હિરેન, પુરાણ ઈતિહાસ શલાકા, રજતચંદ્રક, દવે મિત, જ્યોતિષ શલાકા – કાંસ્યચંદ્રક, વ્યાસ રાજ, સમસ્યાપૂર્તિ સ્પર્ધા – કાંસ્યચંદ્રક, પુરોહિત ઓમ, સુભાષિત કંઠપાઠ –કાંસ્યચંદ્રક, વેગડા બ્રિજેશ, ભારતીયવિજ્ઞાન સંભાષણ- કાંસ્યચંદ્રક, દવે જય, ભારતીય ગણિત શલાકા સ્પર્ધામાં- કાંસ્યચંદ્રક મેળવ્યા હતા. આમ કુલ ૧૨ સુવર્ણચંદ્રક, ૧૧ રજતચંદ્રક અને ૫ કાંસ્યચંદ્રક મેળવી સૌથી વધુ ૬૫ ગુણ પ્રાપ્ત કરતા સ્પર્ધાનો મુખ્ય પુરસ્કાર વિજય વૈજયંતી શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયને પ્રાપ્ત થયો હતો.
*પૂજ્ય ભાઈશ્રીએ આશીર્વચન પાઠવ્યા*
રામેશ્વરમ ખાતે ચાલી રહેલી શ્રીરામ કથામાં પૂજ્ય ભાઈશ્રીએ વ્યાસપીઠ પરથી ઋષિકુમારોએ મેળવેલ આ અપ્રતિમ સિદ્ધિ બદલ પોતાનો રાજીપો વ્યક્ત કરીને આશીર્વાદ અમારા ઋષિકુમારો સતત ચોથીવાર આ રીતે વિજય વૈજયંતી જીતીને આવ્યા છે.
આ તકે સાંદીપનિ સંસ્થાના સર્વે ટ્રસ્ટીઓ, સંચાલકોએ અને સર્વે ગુરૂજનોએ ગૌરવની લાગણી અનુભવી હતી અને આશીર્વાદ સહ અભિનંદન પાઠવ્યા હતા.
