નેહરુ યુવા કેન્દ્ર પોરબંદર દ્વારા શ્રી શારદા વિદ્યામંદિર હાઇસ્કુલ સીમર ખાતે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરાઈ

નહેરુ યુવા કેન્દ્ર પોરબંદર દ્વારા તારીખ 12 જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદજીના જન્મદિવસ રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી નવચેતન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી શારદા વિદ્યામંદિર હાઇસ્કુલ ખાતે કરવામાં આવી હતી. જેમાં યુવાનોને આજના યુગમાં માનસિક તેમજ શારીરિક રીતે સુદ્રઢ બની વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા અપીલ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં નેહરુ યુવા કેન્દ્ર પોરબંદરના જિલ્લા યુવા અધિકારીશ્રી મેઘાબેન સનવાલ દ્વારા યુવાનોને ચારિત્ર નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણનું પ્રેરણાત્મક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. યુવાનો પોતાનામાં રહેલી સુસુપ્ત શક્તિઓને જાગૃત કરી તેમનો મહત્તમ ઉપયોગ કરી પોતાને તેમજ રાષ્ટ્રને શ્રેષ્ઠ બનાવવા આહ્વાન કરાયું હતું.
યુવાનોને આપત્તિ સમયે માનસિક તેમજ શારીરિક સ્વસ્થ રહેવા તેમજ આપત્તિ વ્યવસ્થાપન કેમ કરવું તે માટે માર્ગદર્શન જિલ્લા હોમગાર્ડ કમાન્ડર શ્રી ત્રિલોક કુમાર ઠાકર દ્વારા આપવામાં આવ્યું હતું. જેમાં અભ્યાસ દરમિયાન રાખવાની કાળજી તેમજ શાળામાં આપત્તિના પ્રકારો અને તેમાંથી બચવાના ઉપાયો વિશે પ્રાયોગિક ધોરણે માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીનું લાઈવ પ્રસારણ પણ નિહાળવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ અને યુવાનોને યુવા શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા.
શાળાના આચાર્યશ્રી ધવલભાઈ ખુટી દ્વારા વિદ્યાર્થીઓને માનસિક શારીરિક અને ચારિત્ર નિર્માણ દ્વારા ભારત નિર્માણની ભૂમિકામાં યુવાનોની ભાગીદારી વિશે પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સ્ટાફ તેમજ સીમર હાઈસ્કૂલના સ્વયંસેવકો તેમજ નેહરુ યુવા કેન્દ્ર દ્વારા પ્રેરિત સીમરના સ્વયંસેવકોએ જેહમત ઉઠાવી હતી.
