શાળાના આચાર્યો સાથે ટ્રાફિક જાગૃતિ સંવાદ યોજાયો
પોલીસ અને જેસીઆઇ દ્વારા માર્ગ સલામતી ઉજવણી અંતર્ગત આયોજન
પોરબંદર પોલીસ અને જેસીઆઈ પોરબંદર દ્વારા એક મહિના સુધી માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પોરબંદર જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યો સાથે માર્ગ સલામતી બાબતે એક સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોઢાણીયા કોલેજ ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી વિનોદ પરમારના અધ્યક્ષ સ્થાને આયોજિત આ સેમિનારમાં પોરબંદર જિલ્લાની તમામ શાળાઓના આચાર્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ સેમિનારમાં જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણિયા અને ટ્રાફિક પીએસઆઇ કે.બી.ચૌહાણે માર્ગ સલામતી બાબતે માર્ગદર્શન આપ્યું હતું.
આગામી સમયમાં આ તમામ આચાર્યોના માધ્યમથી શાળાઓમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને માર્ગ સલામતી બાબતે જાગૃત કરીને અકસ્માતો નિવારવા માટે સહિયારા પ્રયાસો હાથ ધરવામાં આવશે. આ કાર્યક્રમનું સંચાલન સંદીપભાઈ સોનીએ કર્યું હતું.