પોરબંદર ના વરિષ્ઠ પત્રકાર પ્રકાશ જોશીનું લાંબી બીમારી બાદ દુઃખદ નિધન
માત્ર પોરબંદરના જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના પત્રકારત્વ જગત ને ઉજળું કરનારા ભીષ્મપિતામહ સમા સિનિયર પત્રકાર પ્રકાશભાઈ જોષીનું લાંબી બીમારી બાદ મંગળવારે સાંજે રાજકોટ ખાતે દુઃખદ નિધન થતાં ઘેરા શોકની લાગણી જોવા મળી છે.
પોરબંદરમાં છેલ્લા સાડા ચાર દાયકાથી પત્રકારત્વ ક્ષેત્રે આગવું માન અને સ્થાન ધરાવનારા પ્રકાશભાઈ જેઠાલાલ જોષીએ લાંબી બિમારી બાદ રાજકોટ ખાતે મંગળવારે સાંજે અંતિમ શ્વાસ લેતા પત્રકારત્વ જગતને સૌથી મોટી ખોટ પડી છે. તેમના પિતા એવા સ્વાતંત્ર સેનાની જેઠાલાલભાઇ જોષી પાસેથી પત્રકારત્વના ક્ષેત્રમાં આગળ વધવાની પ્રેરણા લઇને તેમના દ્વારા માત્ર પોરબંદર જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાતના પત્રકારત્વમાં પણ ખુબ જ મહત્વનું યોગદાન આપ્યું છે. અપુરતી સુવિધાઓ અને કપરા સંજોગોવચ્ચે પણ તેમણે પોતાના બનાવેલા સિધ્ધાંતો સાથે ક્યારેય બાંધછોડ કરી નથી અને ભલભલા ચમરબંધીઓને પણ કયારેય છોડયા નથી. તટસ્થ અને નીડર પત્રકારત્વનું ઉદારહણ પુરુ પાડનારા પ્રકાશભાઈ જોષીએ તેમના આ ક્ષેત્રમાં છેવાડાના માનવીઓની પણ મદદ કરી છે. અને પોતાની તેજાબી કલમ દ્વારા ન્યાય અપાવ્યો છે. ગમે તેવી કપરી પરિસ્થિતી હોય તો પણ તેમણે સંઘર્ષ કરીને સામા પવને ચાલીને પણ પોરબંદર માટે ખુબ મહત્વનું યોગદાન આપ્યું છે.
છેલ્લા કેટલાક સમયથી તેઓ નાદુરસ્ત તબીયતને કારણે પથારીવશ હતા અને રાજકોટ ખાતે સ્થાયી થયા હતા. તેમના નિધનથી પોરબંદરના પત્રકારત્વ જગતને ખુબ મોટી ખોટ પડી છે. તેમના પુત્ર પાર્થ જોષી પણ પિતાએ ચીંધ્યા માર્ગે તટસ્થતાથી પત્રકારત્વના ક્ષેત્રમાં યોગદાન આપી રહ્યા છે. પ્રકાશભાઇ જોપીના દુ:ખદ નિધનના સમાચારથી પોરબંદરમાં અને પત્રકારત્વ જગતમાં ઘેરો શોક જોવા મળ્યો છે. તેમની અંતિમ યાત્રા બુધવાર તા. ૨૪/ ૧/૨૪ ને સવારે ૯ વાગ્યે તેમના પોરબંદર વાડી પ્લોટ ૨, મીલેનીયમ ટાવર સામેના નિવાસ સ્થાને થી નીકળશે. તેમની પ્રાર્થનાસભા ગુરૂવાર તા. ૨૫/૦૧/૨૪ ને સાંજે ૪ થી ૫ કલાકે નટવરસિંહજી કલબ ગ્રાઉન્ડ, તાજાવાલા મહાજન વાડી પાસે રાખેલ છે.