ચૌટા ગામે વીજ ચેકિંગ દરમિયાન કૂવામાં પડેલ પીજીવીસીએલ કર્મચારીનું સાપ કરડતાં મોત

ઘટનાનો ભોગ બનનાર વિજયકુમાર વરુને પ્રથમ કુતિયાણા અને બાદમાં ઉપલેટા લઈ જવાયા પરંતુ માર્ગમાં જ દમ તોડી દીધો

પોરબંદર જિલ્લાના કુતિયાણા પંથકના ચૌટા ગામે પીજીવીસીએલના કુતિયાણા સબ ડિવિઝનની ટીમ વીજ ચેકિંગ માટે ગઈ હતી તે દરમિયાન એક ઇલેક્ટ્રીક આસિસ્ટન્ટ ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન જમીનના સરખામણી પર દેખાતી પાટ પર ચાલ્યા હતા. સિમેન્ટની એક પાટથી આગળ વધીને બીજી પાર્ ઉપર પગ મુકતા જ તે પાટ જમીનમાં ધસી ગઈ હતી કારણ કે નીચે કૂવો અને કૂવામાં સાપ હતો. આ સાપ ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટને કરડી ગયો અને તેમનુ મોત નીપજ્યું હતું .

પોલીસ સુત્રો માંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર પીજીવીસીએલના કુતિયાણા સબ ડિવિઝનના ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટ વિજયકુમાર ભીમશીભાઇ વરૂ (ઉ.વ.૩૪ ધંધો- નોકરી રહે.કોટડા ગામ તા.કુતિયાણા જી.પોરબંદર) પોતાની સરકારી ફરજ પર હતા તે દરમ્યાન ટીમ સાથે ચૌટા ગામ વાડી વિસ્તાર (તા.કુતિયાણા)ના વીજ ગ્રાહક મંજુબેન કનુભાઇ વસરાની વાડીએ વીજ ચેકિંગમા ગયા હતા તે દરમ્યાન વીજ ગ્રાહકની વાડીએ પડતર હાલતમા એક કુવો હોઇ જે કુવા ઉપર પાઇટુ ઢાકેલ હોય તે પાઇટુમાં પગ મુકતા અચાનક પાટ તૂટી જતાં કુવામાં પડી જતાં પાછળના ભાગે વાગેલ અને કુવામા ઝેરી જનાવર હોય જે કરડતા તેમનું મોત નીપજ્યું હતું. તા.૧૯/૨/૨૦૨૪ના રોજ ચૌટા ગામ વાડી વિસ્તારમાં બનેલી આ ઘટના અંગે કુતિયાણા પીજીવીસીએલ સબડિવિઝનના જુનિયર એન્જિનિયર મનોજ હમીરભાઇ ઓડેદરા (ઉ.વ.૨૪, રહે.સિંધપુરગામ વાડી વિસ્તાર તા.કુતિયાણા)એ ઘટના બાદ ૧૫/૪૫ વાગ્યે પોલીસને જાણ કરી હતી. આ અંગે કુતિયાણા પોલીસ સ્ટેશન ઓફિસર આર.ડી. કટારીયાએ એડી દાખલ કરતાં પીએસઆઇ કે એન ઠાકરીયાએ તપાસ હાથ ધરી હતી.

આ ઘટનાને પોલીસ સમક્ષ જાહેર કરનાર અને નજરે જોનાર કુતિયાણા પીજીવીસીએલ સબ ડિવિઝનના જુનિયર એન્જિનિયર મનોજ ઓડેદરાએ જણાવ્યું કે કૂવામાં પડતા જ વિજયે બૂમાબૂમ કરી મૂકી અને રાડા રાડ થઈ ગઈ. અમે નજીકમાંથી એમને બહાર કાઢવા માટે દોરડું લઈ આવ્યા. અંદરથી એણે દોરડું પોતાના શરીરના ભાગે બાંધ્યું અને વિજયને બહાર પણ કાઢવામાં આવ્યો. બહાર નીકળતાની સાથે જ તેણે કહ્યું કે “કુવાની અંદર મને ગળાના ભાગે સાપ કરડી ગયો છે.” અમે સાપે કરડેલા ઘાના નિશાન પણ જોયાં. તાત્કાલિક અમે વિજયને કુતિયાણા સરકારી દવાખાને સારવાર માટે લઈ ગયા હતા. એની હાલત ગંભીર ગણાવવામાં આવી. ત્યાંથી વધુ સારવાર માટે ઉપલેટા લઈ ગયા હતા. વિજય કુતિયાણામાંથી જ બોલવાનું બંધ કરી દીધું હતું અને ઉપલેટા પહોંચ્યા ત્યારે જોતાં જ ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!