સાંદીપનિ શ્રીહરિ મંદિરમાં મહાભિષેક અને પાલખીયાત્રા સાથે ૧૮મા પાટોત્સવનું સમાપન
પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં આવેલા શ્રીહરિ મંદિરમાં શ્રીહરિ મંદિરનો ૧૮મો પાટોત્સવ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના સાન્નિધ્યમાં અનેકવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમો સાથે ભક્તિભાવપૂર્વક તા.૧૪-૦૨-૨૪ થી તા.૧૬-૦૨-૨૪ દરમ્યાન ઉજવાયો. જેમાં તા.૧૬-૦૨-૨૪, રથસપ્તમીના પાટોત્સવના મુખ્ય દિવસે પ્રતિવર્ષ અનુસાર શ્રીહરિમંદિરમાં બિરાજમાન બધા જ દેવી-દેવતાઓનો વિવિધ દ્રવ્યો વડે મહાભિષેક કરવામાં આવ્યો હતો.
શ્રીહરિ મંદિરમાં મહાભિષેક
રથસપ્તમીના પાવન દિવસે શ્રીહરિ મંદિરના મૂર્તિ-પ્રતિષ્ઠા દિવસે પ્રાતઃકાલે પૂજ્ય ભાઈશ્રી અને વૃંદાવનના પૂજ્ય કાર્ષ્ણિ શ્રીગુરુશરણાનંદજી મહારાજ અને મનોરથીઓ દ્વારા ઉત્સવ મૂર્તિઓનું ષોડશોપચાર દ્વરા પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પૂજ્ય ભાઈશ્રી અને પૂજ્ય કાર્ષ્ણિ શ્રીગુરુશરણાનંદજી મહારાજના પાવન કરકમલો દ્વારા શ્રી હરિ મંદિરના તમામ દિવ્ય વિગ્રહોનો વિવિધ દ્રવ્યો અને વિવિધ ઉપચાર વડે શ્રીહરિના દિવ્ય નામ સંકીર્તન અને મંત્રોચાર સાથે મહાભિષેક કરવામાં આવ્યો. શ્રીહરિ મંદિરના પાટોત્સવનો આ એકજ દિવસ હોય છે કે જે આ દિવસે તમામ વિગ્રહોના દિવ્ય અભિષેકના દર્શનનો લ્હાવો દરેક ભાવિકોને પ્રાપ્ત થાય છે. મહાભિષેક થયા બાદ તમામ દિવ્ય વિગ્રહોને નૂતન વસ્ત્ર અર્પણ કરવામાં આવ્યા, દિવ્ય શૃંગાર કરવામાં આવ્યો અને ત્યારબાદ શ્રીહરિ મંદિરમાં બિરાજમાન પ્રતિષ્ઠિત વિગ્રહોની પૂજ્ય ભાઈશ્રી દ્વારા તિલકવિધિ સંપન્ન કરવામાં આવી હતી. અંતમાં શ્રીહરિ મંદિરના દિવ્ય શૃંગારથી સુસજ્જિત સર્વે વિગ્રહોની આરતી કરવામાં આવી હતી. આજના આ પાટોત્સવ દિવસની શાસ્ત્રોકત પ્રમાણેની બધી જ વિધિ સાંદીપનિની વૈદિક રિચ્યુઅલ ટીમના ઋષિઓ દ્વારા કરવામાં આવી હતી. પૂજ્ય ભાઈશ્રીએ આશીર્વચન પાઠવ્યા હતા અને સૌ મનોરથીઓને આશીર્વાદ આપ્યા હતા. આ પાટોત્સવના મહાભિષેક અને સંપૂર્ણ વિધિના દર્શનનો લાભ લેવા માટે સોશ્યલ મીડીયાના માધ્યમથી અનેક લોકો જોડાયા હતા અને દર્શનનો લ્હાવો લીધો હતો.
શ્રીહરિ મંદિરમાં સંપન્ન થયેલા મનોરથોના દરેક મનોરથીને યાદ કરીને પૂજ્ય ભાઈશ્રીએ પરથી આશીર્વાદ આપ્યા હતા.
પાલખી યાત્રા
શ્રીહરિ મંદિરના પાટોત્સવના વિરામ દિવસે સાયં આરતી પછી શ્રીહરિભગવાનના સાંદીપનિનગર દર્શનના ભાવ સાથે ઠાકોરજીને સુસજ્જિત કરેલી પાલખીમાં બિરાજિત કરીને શ્રીહરિનામ પૂર્વક કીર્તન અને નર્તન સાથે પૂજ્ય ભાઈશ્રીના પાવન સાન્નિધ્યમાં અને પાટોત્સવમાં આવેલા ભાવિકો સાથે પાલખીયાત્રા સંપન્ન કરવામાં આવી હતી. પાલખીયાત્રાના અંતમાં ઠાકોરજીની આરતી કરીને એ સાથે શ્રીહરિ મંદિરના ૧૮મા પાટોત્સવને વિરામ આપવામાં આવ્યો.