મૂળ મોઢવાડાની યુવતીએ યુ.કે.માંએરલાઇન ટ્રાન્સપોર્ટ લાયસન્સની અઘરી પરીક્ષા શ્રેષ્ઠ સ્કોર સાથે કરી પાસ
*યુ.કે સિવિલ એવીએશન ઓથોરીટી દ્વારા લેવાયેલી પરીક્ષામાં ૯૭% એવરેજ અને ઉંચા ઇમ્પ્રેસીવ સ્કોર સાથે માર્યુ મેદાનઃ ધારાસભ્ય સહિત મોઢવાડાના ગ્રામજનો અને આગેવાનોએ પાઠવી શુભેચ્છા*
પોરબંદર નજીકના ગ્રામ્યપંથકની અનેક પ્રતિભાઓ એવી છે કે જે વૈશ્વિક સ્તરે પોરબંદર અને મહેર સમાજનું નામ રોશન કરી રહી છે ત્યારે આવી પ્રતિભાઓમાં વધુ એક ઉમેરો થયો છે જેમાં મુળ મોઢવાડાની તથા હાલ યુ.કે. રહેતી યુવતીએ યુ.કે.માં એરલાઈન ટ્રાન્સપોર્ટ લાયસન્સની ખૂબજ અઘરી ગણાતી પરીક્ષા ૯૭% જેવા ઉંચા સ્કોર સાથે પાસ કરતા સમસ્ત મોઢવાડાવાસીઓથી માંડીને ધારાસભ્યએ પણ તેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે.
મોઢવાડા ગામના પનોતા પુત્ર અને હાલ લેસ્ટર (યુ.કે.) સ્થિત રામભાઈ રાજશીભાઈ મોઢવાડીયાની પુત્રી કાજલ રામભાઈ મોઢવાડીયાએ એરલાઇન ટ્રાન્સપોર્ટ લાયસન્સની ખૂબજ અઘરી ગણાતી પ્રથમ સ્ટેજની ૯૭% એવરેજ જેટલા ઉંચા અને ઇમ્પ્રેસીવ સ્કોર સાથે પાસ કરીને આખા એરીયાનું અને સમસ્ત મોઢવાડા ગામનું ગૌરવ વધાર્યુ છે.
આ પરીક્ષા યુ.કે. સીવિલ એવીએશન ઓથોરીટી દ્વારા યોજાય છે અને ટોટલ આઠ પરીક્ષાઓ લેવાય છે. જેમાં ખૂબજ ઉંચો સ્કોર મેળવીને (૯૭% એવરેજ) સમગ્ર પરિવારનું ગૌરવ વધાર્યુ છે. કાજલના પિતાશ્રી રામભાઈ રાજશીભાઈ મોઢવાડીયા યુ.કે.માં સ્થાયી થયા છે અને થોડા સમય પહેલા યોજાયેલી લેસ્ટર મહેર કાઉન્સીલની (એલ.એમ.સી.એ.) લેસ્ટરમાં યોજાયેલી ચૂંટણીમાં ચુંટાયા હતા. રામભાઇએ પિતાશ્રી રાજશીભાઇ પરબતભાઈ મોઢવાડીયા અને દાદીમા રૂડીબેન રાજશીભાઈ મોઢવાડીયાના સેવાના વારસાને પણ જાળવી રાખ્યો છે.
કાજલના કાકા જયમલ રાજશીભાઈ મોઢવાડીયા, લીરબાઇ સમાજ, મોઢવાડા, મહેર સેવા ચેરીટેબલ ટ્રસ્ટમાં સક્રિય ટ્રસ્ટી તરીકે ફરજ બજાવે છે. જયમલભાઈ સહિત તેમના સેવાભાવી ભાઈઓ સાજણભાઇ અને નિર્મલભાઈ અમદાવાદમાં સ્થાયી થયા છે અને તેના પિતાશ્રી રાજશીભાઈનો સેવાનો વારસો જાળવી રાખ્યો છે.
સમસ્ત મોઢવાડા ગામ વતી ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા, મોઢવાડા કેળવણી મંડળના પ્રમુખ રામભાઈ મોઢવાડીયા, મંત્રી પરબતભાઈ મોઢવાડીયા અને લીરબાઈમાં સમાજ, મોઢવાડાના ઉપપ્રમુખ માંડણભગતે અને લીરબાઈ માતાજી મંદિરના ટ્રસ્ટી કેશુભાઈ મોઢવાડીયા અને હિતેષભાઇ મોઢવાડીયાએ અને સેવા સહકારી મંડળીના પ્રમુખ વિજયભાઈ મોઢવાડીયાએ કાજલને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે ગૌરવની લાગણી સાથે શુભેચ્છા પાઠવી હતી.
ઉલ્લેખનીય છે કે મોઢવાડાની આ ભૂમિ ઉપર જન્મેલા અને દેશ વિદેશમાં શ્રેષ્ઠતમ સિધ્ધિઓ પ્રાપ્ત કરનારા અનેક વતનપ્રેમીઓ અવારનવાર વતનમાં આવીને ઋણ અદા કરે છે ત્યારે યુ.કે. ખાતે સ્થાયી થયેલા રામભાઈ રાજશીભાઈ મોઢવાડીયાએ લેસ્ટરની ચૂંટણીમાં શ્રેષ્ઠ પ્રદર્શન દાખવીને મહેર સમાજનું નામ રોશન કર્યુ છે પરંતુ તેની સાથોસાથ તેની પુત્રીએ પણ મોઢવાડા ગામ અને મહેર સમાજનું ગૌરવ વધાર્યુ છે.