બરડા ડુંગરના ફુવારા નેશ વિસ્તરમાં સગર્ભા મહિલાનું ટ્રકથી રેસ્ક્યુ કરાયું

તાલુકા હેલ્થ ઓફિસર, મામલતદાર અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પોરબંદરની હોસ્પિટલ ખાતે સગર્ભા બહેનને સલામત રીતે ખસેડાયા
પોરબંદરના બરડા ડુંગરના ફુવારા નેશ વિસ્તરમાં સગર્ભા મહિલાનું ટ્રકથી રેસ્ક્યુ કરાયું છે. તાલુકા હેલ્થ ઓફિસર, મામલતદાર અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પોરબંદરની હોસ્પિટલ ખાતે સગર્ભા બહેનને સલામત રીતે ખસેડાયા છે.
પોરબંદર આરોગ્ય વિભાગની ટીમ અતિ ભારે વરસાદમાં સગર્ભા મહિલાઓની વિશેષ કાળજી લઈ રહી છે. રાણાવાવ તાલુકાના બરડા ડુંગર ફુવારા નેશ વિસ્તારમાં એક સગર્ભા બહેનને પ્રસુતિનો દુખાવો થતાં તેમને હોસ્પિટલે ખસેડવાની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ હતી. જેથી અતિ ભારે વરસાદમાં માર્ગ ઉપર વાહન વ્યવહાર ખોવાયેલો હોય ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી બી.બી. કરમટાની ટીમ સતત સંપર્કમાં રહી આ મહિલાને હોસ્પિટલને પહોંચાડવાની વિશેષ કાળજી લીધી હતી. બરડા ડુંગરના ફુવારા નેશ વિસ્તારમાં એક સગર્ભા મહિલાને તાલુકા હેલ્થ ઓફિસર, મામલતદાર અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ટ્રક મારફતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર રાણાવાવ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ મારફત પોરબંદરની હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા છે. અને અહીં સગર્ભા બહેનને સલામત રીતે પહોંચાડાતા હાલ તેઓ સ્વસ્થ હોવાનું જણાવવામાં આવ્યું છે.
