પોરબંદરના ધારાસભ્ય મોઢવાડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને શહેરમાં વરસાદી પાણીનો નિકાલ કરવા ખાસ યોજના બનાવવા માંગ કરી
*જે વિસ્તારોમાં કાયમી પાણી ભરાવવાનો પ્રશ્ન ઊભો થાય છે તે વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટેની ડ્રેનેજ પ્રોવાઈડ કરવામાં આવે : અર્જુનભાઈ મોઢવાડિયા*
*છાંયા અને પોરબંદરના રણમાંથી ડિવોટરીંગ કરવા માટે મોટી કેપેસિટીના વોટર પંપ સ્થાપિત કરીને પાણીનો નિકાલ સીધો દરિયામાં થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે : અર્જુનભાઈ મોઢવાડિયા*
*કર્લી નદીના બંને કાંઠે કિનારાની ઝુંપડપટ્ટી કે મકાનોમાં રહેતા લોકો માટે આવાસ યોજના બનાવીને તેમનું સ્થળાંતર કરવામાં આવે : અર્જુનભાઈ મોઢવાડિયા*
પોરબંદર શહેર અને જિલ્લામાં પડેલ ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા સામે આવી છે. ત્યારે પોરબંદરના ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને પોરબંદર શહેરમાં દર વર્ષે ચોમાસામાં નીચાણવાળા રહેઠાણ વિસ્તારોમાં ભરાતાં પાણીનો નિકાલ કરવા ખાસ યોજના બનાવવા માંગ કરી છે.
અર્જુનભાઈ મોઢવાડિયાએ માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લખેલ પત્રમાં જણાવ્યું છે કે પોરબંદર શહેરમાં ચોમાસા દરમ્યાન ભારે વરસાદના સમયે દર બે-ત્રણ વર્ષે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. પોરબંદર શહેરની વચ્ચેજ છાયા અને પોરબંદરનું રણ (નીચાણવાળો વિસ્તાર), કર્લી નદી, તેમજ બોખીરા વિસ્તારમા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ના હોય દર ચોમાસામાં રહેઠાણ વિસ્તારોમાં પાણી ભરાય છે તેના કારણે માત્ર વાહન વ્યવહારને જ અસર થતી નથી પરંતુ ઘરોમાં પાણી ભરાઈ જવાથી લોકોને વિસ્થાપિત કરવા પડે છે અને જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. ચાલુ વર્ષે પણ આવી જ સ્થિતિ ઉભી થઈ છે.
અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદરના રહેઠાણવાળા વિસ્તારોમાં ભરાતાં પાણીના કારણે ઉભી થતી પરિસ્થિતિ નિવારવા માટે નીચે મુજબના પગલાં લેવા માંગ કરી છે.
૧) જ્યાં કાયમી પાણી ભરાવવાનો પ્રશ્ન ઊભો થાય છે તે વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટેની ડ્રેનેજ પ્રોવાઈડ કરવી.
૨) છાંયા અને પોરબંદરના રણમાંથી ડિવોટરીંગ કરવા માટે મોટી કેપેસિટીના વોટર પંપ સ્થાપિત કરીને પાણીનો નિકાલ સીધો દરિયામાં જ કરવો.
૩) કર્લી નદીના બંને કાંઠે કિનારાની ઝુંપડપટ્ટી કે મકાનોમાં રહેતા લોકો માટે આવાસ યોજના બનાવીને તેમનું સ્થળાંતર કરવું.
પોરબંદર શહેરમાં ફરી પાણી ભરાવવાની સમસ્યા ઉભી ના થાય તે માટે આ સુચનો ઉપર તત્કાલીક અમલ કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરી છે.