પોરબંદર માં પાણી નિકાલ કામગીરી યુદ્ધ ના ધોરણે શરૂ :ભાજપ , પણ પાણી ઉતરતા દેખાતા નથી : કોંગ્રેસ
પોરબંદરમાં ભારે વરસાદ બાદ ભરાયેલ પાણીના નિકાલની માહિતી આપવા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ પ્રેસ કોંફરન્સ યોજી હતી અને જણાવ્યું હતું કે પોરબંદરમાં ૧૮ થી ૨૨ જુલાઈ વચ્ચે ૩૧ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તેમાં પણ એક જ રાત્રીમાં લગભગ ૨૫ ઇંચ જેટલો વરસાદ થયો હતો. ઉપરાંત ઉપરવાસમાં પડેલ વરસાદનું પાણી આવ્યું જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે જે પાણી ભરાયા હતા તેના નિકાલ માટે અત્યારે ૪૬૫ હોસપાવર કેપીસીટીના ૧૧ પંપો કાર્યરત છે. પક્ષી અભ્યારણની બાજુમાં જે પંપીંગ સ્ટેશન છે તેમાં ૫૦ હોસપાવરનો ૧ પંપ, ૩૦ હોસપાવરનો ૧ પંપ અને ૧૫ હોસપાવરનો ૧ પંપ કાર્યરત છે. કામદાર કલ્યાણ કેન્દ્રની સામે બીરલા રોડ ઉપર પંપીંગ સ્ટેશન ખાતે ૫૦ હોસપાવરના ૪ પંપ કાર્યરત છે. જેમાં નીરમા કંપનીનો પુરતો સહયોગ મળ્યો છે. કંપનીની કંપાઉન્ડ વોલમાં હોલ કરીને કંપનીના પાણી ડીસ્ચાર્જ માટેની જે કેનાલ છે એમાં આ ચારે પંપના પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર કેમિકલની બાજુમાં ફેક્ટરીએ પોતાના બે ૫૦ હોસપાવરના ૨ પંપ કાર્યરત કરેલ છે. એવી રીતે ૪૬૫ હોસપાવર કેપીસીટીના ૧૧ પંપો કાર્યરત કરેલ છે. આ ઉપરાંત ૩૫ હોસપાવરના બે પોર્ટેપલ પંપ કાર્યરત કરેલ છે, જેને જ્યાં જરૂર પડે ત્યાં કાર્યરત કરવામાં આવે છે.
અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉમેર્યુ હતું કે નગરપાલિકાએ વરસાદી પાણીના નિકાલ માટે જે આયોજન કરેલ છે તેમાં ઘણું કામ પૂર્ણ થયેલ છે અને બાકીનું કામ પ્રગતિ ઉપર છે. તેનો ડીસ્ચાર્જ કરવા માટે ૫૦ હોસપાવરના ચાર પંપ અમદાવાદથી મંગાવેલ છે, જે ઝડપથી પોરબંદર પહોંચે તેવી વ્યવસ્થા કરાઈ રહી છે. એટલે આના આના નિષ્ણાંતો છે તેમને વાત કરી છે તે પ્રમાણે જો કોઈ વધારે વરસાદ ન આવે તો આવતીકાલે સવાર સુધીમાં મોટાભાગના વિસ્તારમાં પાણીનો નિકાલ કરી શકીશું
અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉમેર્યુ હતું કે બોખીરા વિસ્તારમાં બે બાજુથી નેવીએ હિસ્સો કવર કરેલ છે. જેના કારણે ત્યાંથી પાણી નિકાલ થતો હતો તે અવરોધાયેલ છે, આ માટે નેવી સાથે સંકલન કરીને પાણી નિકાલની કાયમી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન થઈ રહ્યા છે. આ ઉપરાંત બોખીરામાં નેશનલ હાઈવેના બન્યો તેના કારણે ઘણા વહેણ બ્લોક થયેલ છે. આ માટે રાજ્ય સરકારને સાથે રાખીને ઉકેલ લાવવાનો પ્રયત્ન કરાઈ રહ્યા છે. અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે એક ગેરસમજણ પ્રવર્તે છે કે ભુગર્ભ ગટર નિષ્ફળ ગઈ તેના કારણે પાણીનો નિકાલ થઈ શકતો નથી. આ વાત તદ્દન સત્યથી વેગળી છે. ભુગર્ભ ગટરનું કામ ઘરની દૈનિક વપરાસના પાણીના નિકાલ માટે હોય છે, વરસાદના પાણીનો નિકાલ તેના ડીઝાઈન સાથે શૂસંગત નથી.વરસાદી પાણીના નિકાલ માટે અલગ ડ્રેનેજ લાઈન હોય છે, જેની વ્યવસ્થા પોરબંદરમાં કરવામાં આવી રહી છે.
અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે વરસાદ લાંબો સમય રહ્યો અને પાણી ભરાયા તે માટે સફાઈની પણ જરૂરીયાત પડવાની છે, આ માટે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પોરબંદર જિલ્લાના પ્રભારીમંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને શહેરી વિકાસ વિભાગના સેક્રેટરી અશ્વિની કુમાર સાથે વાત કરેલી, એટલે રાજકોટ મહાનગર પાલિકાના ૮૦ સફાઈ કર્મચારીઓની ટીમ તમામ જરૂરી સાધનો સાથે પોરબંદર આવી રહી છે. આ ટીમ સ્થાનિક નગરપાલિકાની ટીમ સાથે મળીને દવા છાંટવાથી લઈને સફાઈ સુધીની કામગીરી સંભાળશે. આ ઉપરાંત સ્થાનિક નગરપાલિકા પણ વધારાના લોકોની જરૂર પડશે તેમને રાખીને કામગીરી પૂર્ણ કરશે. આ માટે જરૂરી વધારાના વાહનો અત્યારે ભાડે રાખી ઉપયોગ કરાઈ રહ્યો છે. આ માટે જે વધારાનો ખર્ચ થાય તે તમામ ખર્ચ રાજ્ય સરકારે ચુકવવાની ખાતરી આપી છે.
અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં ઉમેર્યુ હતું કે સ્થાનિક વહિવટી તંત્ર પાસે સામાન્ય પરિસ્થિતીને પહોંચી વળવા પુરતી જ વ્યવસ્થા હોય છે, એક સાથે જ્યારે આટલો વરસાદ થાય ત્યારે ગમે એટલી સક્ષમ નગર પાલિકા કે મહાનગર પાલિકા હોય તો પણ આ પ્રકારની પરિસ્થિતી સર્જાય છે. રાજ્યના અન્ય શહેરોમાં પણ જ્યા અચાનક ભારે વરસાદ થાય છે ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતી સર્જાય છે. પોરબંદરમાં તો આ પરિસ્થિતી સર્જાઈ તેમાં વહિવટી તંત્ર ઉપરાંત નાગરિકોએ પણ ખુબ સહયોગ આપ્યો છે, જે ૧૫૦૦ જેટલા લોકો વિસ્થાપિત થયા છે, તેમને પણ બન્ને સમય ભોજન સહિતની સુવિધાઓ પહોંચાડવાનું કામ વહિવટીતંત્ર સામાજિક સંસ્થાઓની મદદથી કરી રહ્યું છે.
વીજળીના પ્રશ્નો અંગે માહિતી આપતા અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે વીજળીનો જે પ્રશ્ન હતો તે પીજીવીસીએલ દ્વારા માત્ર ૪૮ કલાકમાં તમામ ફોલ્ટ રિપેર કરીને, થાંભલાઓ પડી ગયા હતા તે ઉભા કરીને તમામ ગામો અને શહેરમાં વીજ પુરવઠો ફરી શરૂ કરી દીધો હતો. આ માટે હું પીજીવીસીએલ અને ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈનો આભાર માનું છું. મુખ્યમંત્રી સતત તમામ આગેવાનો અને વહિવટીતંત્રના અધિકારીઓ સાથે સંપર્કમાં રહી માર્ગદર્શન આપતા રહ્યા છે.
અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે આ વર્ષે જે પરિસ્થિતી સર્જાઈ છે તેના ઉપરથી ઘણો સબક મેળવ્યો છે અને પોરબંદરમાં ફરી આ પ્રકારની પરિસ્થિતીના સર્જાય તે માટે વહિવટી તંત્ર અને સરકાર સાથે મળીને લાંબા ગાળાનું આયોજન કરવામાં આવશે. આ માટે જે પાણીના વહેણોમાં દબાણો થયા તે પણ હટાવામાં આવશે.
પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયાએ જણાવ્યું હતું કે બોખીરા અને ખાપટ સહિતના વિસ્તારો નીચાણવાળા વિસ્તાર છે, આ વખતે અસધારાણ વરસાદ પડતા આ પ્રકારની પરિસ્થિતી નિર્માણ થઈ છે. ત્યારે આ વિસ્તારમાં પાણી નિકાલ માટેની આયોજન કરેલ છે. ખેડુતોને પાણી ભરાવાના કારણે જે પાકોને નુકશાન થયેલ છે તેનો સર્વે કરીને તમામ ખેડૂતોને નિયમ મુજબની સહાય સરકાર આપશે.
પોરબંદર મા અટલા બધા પંપ ચાલુ છે યુધ્ધ ના ધોરણે કામ પણ ચાલુ છે છતાં આજે તારીખ 25 જુલાઈ 2024 સાંજે 6 વાગ્યાની સ્થિતિ એ છે કે એમ જી રોડ અને ખીજડી પ્લોટ બાગ,છાયા માં પાણી હજુ જેવા હતા તેવી જ સ્થિતી મા જ છે ગઈ કાલથી આ કામગીરી શરૂ કરાઇ હતી ઉતરતા દેખાયા નથી જે વાસ્તવિકતા છે તેમ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજુભાઇ ઓડેદરા એ જણાવ્યુ હતુ