પોરબંદર:નારી વંદન સપ્તાહની ઉજવણી અંતર્ગત જિલ્લા પંચાયતના સભાખંડમાં મહિલા નેતૃત્વ દિવસ ઉજવાયો
મહિલા સરપંચો, ખેતીવાડી ક્ષેત્રે અનોખું યોગદાન આપનારી મહિલાઓનું સન્માન કરી, વહાલી દિકરી યોજનાના મંજૂરી આદેશ અને વધામણા કીટ અપાઈ
પોરબંદર, તા. ૦૫
પોરબંદર જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે નારી વંદન સપ્તાહની ઉજવણી અંતર્ગત મહિલા નેતૃત્વ દિવસ જિલ્લા પંચાયત પ્રમુખશ્રીના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો.
પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પરબતભાઈ પરમારે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણીના પ્રસંગે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ બેટી બચાવો બેટી પઢાવોની મુહીમ ચલાવી છે, જેના પરિણામ સ્વરૂપે આજે દિકરાઓની સરખામણીમાં દિકરી અભ્યાસ સહિત દરેક ક્ષેત્રોમાં અવ્વલ છે. મહિલાઓના ઉત્કર્ષ માટે સરકાર સતત કામ કરી રહી છે. સખી મંડળો, સ્વસહાય જૂથોમાં સરકાર મહિલાઓ આર્થિક રીતે પગભર બને તે માટે મદદરૂપ બની રહી છે અને પશુપાલન ક્ષેત્રે પણ મહિલાઓને આત્મનિર્ભર બનવામાં સહાય આપવામાં આવી રહી છે. દેશના વડાપ્રધાનશ્રીના મહિલાઓના ઉત્કર્ષના કાર્યને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર આગળ ધપાવી રહી હોવાનું જિલ્લા પંચાયતના પ્રમુખએ જણાવ્યું હતું અને તેઓએ વધુમાં કહ્યું કે દિકરી જ્યાં પગ મૂકે ત્યાં પોતાનું ઘર સ્થાપિત કરે છે.સમાજના ઉત્થાનમાં મહિલાઓનું સૌથી મહત્વનું યોગદાન હોવાનું જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી કેતન ઠક્કરે જણાવ્યું હતું કે, આજે દિકરીઓ દેશનું ગૌરવ વિદેશની ધરતી પર પણ વધારી રહી છે. તાજેતરમાં પેરિસમાં યોજાયેલા ઓલિમ્પીકમાં દેશને ત્રણ ખેલાડીઓએ મેડલ અપાવ્યા છે જેમાં બે મેડલ દિકરીએ અપાવ્યા છે. નારી વંદન સપ્તાહની ઉજવણીના કાર્યક્રમો થકી દિકરીઓને પ્રેરણા અને પ્લેટફોર્મ મળી રહ્યું છે તેમ જણાવી સરકારની કલ્યાણકારી યોજનાઓનો વધુમાં વધુ બહેનોને લાભ લેવા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ અનુરોધ કર્યો હતો. વડાપ્રધાનશ્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેઓએ બેટી બચાવોનું અભિયાન શરૂ કર્યું છે અને કન્યા કેળવણીની જે શરૂઆત કરી હતી જેના સ્વરૂપે આજે દિકરીઓ દરેક ક્ષેત્રમાં અવ્વલ આવી રહી છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી પણ મહિલા ઉત્કર્ષ માટે સતત કાર્યશીલ રહે છે તેવું પણ તેઓએ ઉમેર્યું હતું.
આ પ્રસંગે સમાજમાં આગવું પ્રદાન કરનાર મહિલા સરપંચો અને મહિલા ખેડૂતોનું વિશેષ સન્માન કરાયું હતું તેમજ વહાલી દિકરી યોજનાના લાભાર્થીઓને મંજૂરી આદેશ તેમજ દિકરી વધામણા કીટનું વિતરણ થયું હતું તથા બેટી બચાવો બેટી પઢાવોની પ્રતિજ્ઞા સભાખંડમાં ઉપસ્થિત સહુ કોઈએ લીધી હતી.
આ તકે ડેપ્યુટી ડી.ડી.ઓ. વાઘાણી, જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષશ્રી આવડાભાઈ ઓડેદરા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ભારતીબેન ભૂવા, જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ કનકલતાબેન પરમાર, તાલુકા પંચાયતના પ્રમુખ લીરીબેન ખુંટી, મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી હંસાબેન ટાઢાણી અને આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન જીડીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા તો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ તેમજ લાભાર્થી બહેનો જોડાયા હતા.