પોરબંદર ના ગોરસર ખાતે ખેલમહાકુંભ યોજાયો

પોરબંદરના ગોરસર ખાતે ખેલ મહાકુંભ સ્પર્ધામા ૨ હજારથી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો

મેદાનમા ૭ વર્ષની બાળકીથી લઇને ૭૦ વર્ષના દાદીમા પણ બન્યા સ્પર્ધક

કબડ્ડી, વોલીબોલ, ખોખો સહિત સાત સ્પર્ધા યોજાઇ

ખેલ મહાકુંભના આયોજનથી છેવાડાના ગામડાના રમતવીરોને રાજ્ય કક્ષાએ રમવાની તક મળે છે: સાંસદ રમેશભાઇ ધડૂક

ટીમ ગેમથી હેલ્ધી સમાજનુ નિર્માણ થાય છે: કલેકટર કે.ડી.લાખાણી

બાળકો અને યુવાનોએ મોબાઇલ ગેમમાથી બહાર નિકળી આઉટડોર રમતોમા ભાગ લેવો જોઇએ: કલેકટર કે.ડી.લાખાણી

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દીર્ધ દ્રષ્ટીથી શરૂ થયેલ ખેલ મહાકુંભનુ મહત્વ દર વર્ષે વધતુ જાય છે: જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઇ પરમાર

બાળકના સર્વાંગી વિકાસ માટે ફક્ત પાઠ્ય પુસ્તકો જ નહીં, રમતનુ મેદાન પણ બાળકનુ ઘડતર કરે છે: જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા
પોરબંદર તા,૨૮. ખેલ મહાકુંભ ૨. અંતર્ગત પોરબંદર માધવપુર રોડ પર આવેલ ગોરસર ખાતે જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાઇ હતી. ખેલ મહાકુંભમા ગુજરાત રાજ્યના ઈતિહાસમાં પોરબંદર દ્વારા પહેલ કરી તાલુકા કક્ષાએથી રમાતી સાત રમતોને સંકલિત કરી એક દિવસે એક સ્થળે અને એક સમયે જીલ્લાકક્ષાએ સ્પર્ધાઓનું ગોરસર ખાતે ખેલગાવ પોરબંદરનું
આયોજન કરવામાં આવ્યું હતુ. કબડ્ડી, ખોખો, રસ્સાખેચ, એથ્લેટીક, વોલીબોલ અને યોગાસન રમત સ્પર્ધાઓમાં અંદાજીત અંદાજે ૨૦૦૦ થી વધુ સ્પર્ધકો એક સાથે પોતાનું કૌવત બતાવ્યુ હતુ. જેમા રસ્સાખેચમા ૬૦ વર્ષથી વધુ ઉમરના વરિષ્ઠ મહિલા સ્પર્ધકોએ પણ ઉત્સાહ બતાવી બાળકો અને યુવા ખેલાડીઓને પ્રોત્સાહન પુરુ પાડયુ હતુ. વિજેતા ખેલાડીઓને મહાનુભાવો તથા અધિકારીઓએ શિલ્ડ અને પ્રમાણપત્ર પાઠવ્યુ હતુ.
આ તકે ઉપસ્થિત રહેલા સાંસદશ્રી રમેશભાઇ ધડૂકે રમતવીરોનો ઉત્સાહ વધારી પોરબંદર અને ગુજરાતનુ ગૈારવ વધે તે માટે રમતવીરો સફળતાના શીખરો સર કરે તેવી શુભકામનાઓ પાઠવી જણાવ્યુ હતુ કે, દરેક વ્યક્તિએ પોતાને ગમતી રમતમા ભાગ લેવો જોઇએ. ખેલ મહાકુંભના આયોજનથી છેવાડાના ગામડાના રમતવીરોને યોગ્ય દિશામા આગળ રમવાની તક મળે છે.
જિલ્લા કલેકટર કે.ડી લાખાણીએ જણાવ્યુ હતુ કે, તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૧૦ થી શરૂ કરેલ ખેલ મહાકુંભના આયોજનથી રમતવીરોને પ્રોત્સાહન અને પ્લેટફોર્મ મળી રહ્યુ છે. બાળકો અને યુવાનોએ મોબાઇલ ગેમમાથી બહાર નિકળી આઉટડોર રમતોમા ભાગ લેવો જોઇએ. આ પ્રકારની ટીમ ગેમથી હેલ્ધી સમાજનુ નિર્માણ થાય છે. ગુજરાતના રમતવીરો સ્પોટ્સમા આગળ વધી શકે તે માટે રમત ગમત માટે રાજ્ય સરકાર સારૂ એવુ બજેટ ફાળવે છે. ગોરસર ખાતે એક સાથે સાત રમતોનુ સુંદર રીતે આયોજન કરવા બદલ કલેકટરશ્રીએ જિલ્લા રમત વિકાસ અધિકારી અને તેમની ટીમને અધિનંદન પાઠવ્યા હતા.
જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઇ પરમારે કહ્યુ કે, વડાપ્રધાન મોદીની દીર્ધ દ્રષ્ટીથી શરૂ થયેલ ખેલ મહાકુંભનુ મહત્વ દર વર્ષે વધતુ જાય છે. છેવાડાના ગામડાના રમતવીરો પણ રા્જય, રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિવિધ સ્પર્ધાઓમા ભાગ લઇને વિજેતા બની રહ્યા છે. જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ રમતવીરોએ શુભૈચ્છાઓ પાઠવી જણાવ્યુ હતુ કે, અહીં મેદાનમા ૭ વર્ષની બાળકીથી લઇને ૭૦ વર્ષના દાદીમા પણ સ્પર્ધામા ભાગ લીધો છે તે જોઇને આનંદ આવે છે. બાળકના સર્વાંગી વિકાસ માટે ફક્ત પાઠ્ય પુસ્તકો જ નહીં પણ રમતનુ મેદાન પણ બાળકનુ ઘડતર કરે છે. રમત ફક્ત જીતવા માટે નથી હોતી ખેલાડી માટે જીવતા કરતા રમવુ અગત્યનુ હોય છે. રમતવીરોનુ કૈાવત બહાર આવે તે માટે રાજ્ય સરકાર દ્રારા ખેલ મહાકુંભનુ સુંદર આયોજન થઇ રહ્યુ છે.
આ તકે જિલ્લા રમત વિકાસ અધિકારી ડો.મનિષ જીલડીયાએ જણાવ્યુ હતુ કે, પોરબંદર જિલ્લામા ૯૨ હજારથી વધુ સ્પર્ધકોએ ખેલ મહાકુંભમા વિવિધ ૩૨ રમતોમા ભાગ લીધો છે. વિજેતાઓને રાજ્ય સરકાર દ્રારા રૂ.૪૦ લાખની રકમના ઇનામ વિતરણ કરવામા આવશે.
ખેલ મહાકુંભમા આ તકે જિલ્લા રમતગમત અધિકારી પ્રવિણાબેન પાંડાવદરા, ઘેડ ખેલોત્સવ સમિતિના પ્રમુખ લીલાભાઇ પરમાર, માહિતી મદદનીશ જીતેન્દ્ર નિમાવત, ગામના મહંત વણગા ભગત મામા પાગલ આશ્રમ, સરપંચ વિક્રમભાઇ પરમાર સહિત મહાનુભાવો, વિવિધ સ્પર્ધાઓના કોચ, સ્પર્ધકો તથા ખેલપ્રેમી જનતા અને ગ્રામજનો તથા આરોગ્યની ટીમ ઉપસ્થિત રહ્યા હતા.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!