પોરબંદરમાં સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે ચંદ્રયાનની પ્રતિકૃતિ ખૂલ્લી મુકાઇ
૧૫ મી ઓગષ્ટના સાંજે મોટી સંખ્યામાં લોકોએ ટેન્ક અને હેલીકોપ્ટર સાથે ચંદ્રયાન નિહાળ્યું
પોરબંદર, તા. ૧૬, પોરબંદરમાં ૭૮ મા સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે શાળા, કોલેજો, સ્વૈચ્છીક સંસ્થાઓ અને મંદિરોમાં દેશભક્તિના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. નવા જલારામ મંદિર ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોરબંદર શહેરમાં એસ.ટી. રોડ પર આવેલા નવા જલારામ મંદિરે સ્વતંત્રતા પર્વની અનેરા ઉત્સાહ સાથે ઉજવણી કરાઈ હતી. રાષ્ટ્રીય તહેવાર નિમીતે તિરંગાની થીમ પર દર્શનની સાથે દેશભક્તિને લગતી થીમ રજૂ કરાઈ હતી. ૧પ મી ઓગષ્ટના નવા જલારામ મંદિરે ચંદ્રયાન તૈયાર કરવામાં આવ્યું હતું અને ચંદ્રયાન અંગે મંદિરમાં સતત સેવા આપતા કાંતિભાઈ સિંધવ દ્વારા લોકોને જાણકારી આપવામાં આવી હતી. ૧પ મી ઓગષ્ટ પ્રસંગે સંધ્યા સમયે મંદિરમાં ટેન્ક અને હેલીકોપ્ટર સાથે ચંદ્રયાનની પ્રતિકૃતિ તૈયાર કરીને અનોખી કૃતિ રજૂ કરાઈ હતી.