પોરબંદર નવયુગ વિદ્યાલયના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીએ જુડો સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું

પોરબંદર, તા. ૧૩ :
પોરબંદરની નવયુગ વિદ્યાલયના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીએ જુડો સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર પ્રેરિત સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી પોરબંદર દ્વારા સંચાલિત ૬૮મી અખિલ ભારતીય શાળાકીય જિલ્લા કક્ષાની અંડર ૧૪,૧૭,૧૯ ભાઈઓ અને બહેનો માટેની વિવિધ સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે. આ સ્પર્ધામાં નવયુગ વિદ્યાલયના ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા યશપાલ એભાભાઈ ખરાએ જિલ્લા કક્ષાની અંડર ૧૭ની જુડો સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. ગત વર્ષે પણ આ વિદ્યાર્થીએ જિલ્લા કક્ષામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. શાળાના કોચ અતુલભાઇ જોશી, આચાર્ય તુષારભાઈ પુરોહિત તથા શાળાના તમામ શિક્ષકોએ વિજેતા બનેલ સ્પર્ધકને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા, અને રાજ્ય કક્ષાએ પણ અવ્વલ આવે તેવી શુભેચ્છા પાઠવી હતી.
