પોરબંદરમાં વૈષ્ણવ સાધુ સમાજનો “ સ્નેહમિલન અને શ્રી સરસ્વતી સન્માન સમારોહ-2026” યોજાયો




પોરબંદર જિલ્લાના શ્રી વૈષ્ણવ સાધુ (બા. વૈ.) સમાજ દ્વારા સમાજના દીકરીઓ અને દીકરાઓએ શિક્ષણક્ષેત્રે હાંસલ કરેલી સિદ્ધિઓને બિરદાવવા અને તેમની કારકિર્દીને પ્રોત્સાહન આપવા હેતુસર “સ્નેહમિલન અને શ્રી સરસ્વતી સન્માન સમારોહ ૨૦૨૬” નું આયોજન રવિવાર, તા. ૧૧ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ શ્રી સોરઠીયા ધોબી સમાજની વાડી, બિરલા હૉલ રોડ, પોરબંદર ખાતે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ નીતાબેન દૂધરેજીયા તથા અન્ય બહેનો સાથે સૌએ હનુમાન ચાલીસાના પાઠ દ્વારા કાર્યક્રમનો શુભ આરંભ કર્યો હતો.
કાર્યક્રમમાં પીપળીયા તુલસીધામના મહંત પ્રભુદાસ બાપુ, નિવૃત્ત શિક્ષક ધરમદાસબાપુ દૂધરેજીયા, પોરબંદરના સુપ્રસિદ્ધ તબીબ ડો. કે.બી. દેશાણી સાહેબ તથા પોલિટેકનિક કોલેજના પ્રોફેસર ધીરેનભાઈ ગોંડલિયા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. આયોજન સમિતિ દ્વારા તમામ મહાનુભાવોને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સમાજના આગેવાનો અને મહેમાનોના હસ્તે ધોરણ 8 થી કોલેજ સ્તરે ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર 40 થી વધુ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર, શીલ્ડ તથા ભેટરૂપે સ્કૂલબેગ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સમાજમાં જાગૃતિ અને વૈચારિક વિકાસના ઉદ્દેશથી યુવાનો માટે મોબાઈલના લાભ-ગેરલાભ તથા સંયુક્ત અને વિભક્ત કુટુંબ વિષયક ડિબેટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનો દ્વારા વિચારો રજૂ કરવામાં આવ્યા હતા.
ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં શિક્ષણ સાથે સંસ્કારનું મહત્વ સમજાવ્યું હતું તથા વ્યસનોથી દૂર રહી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા પ્રેરણા આપી હતી. ત્યારબાદ આયોજન સમિતિના સભ્ય હિતેશભાઈ દૂધરેજીયાએ વાર્ષિક હિસાબ રજૂ કર્યો હતો.
પોરબંદર વૈષ્ણવ સાધુ સમાજના આગેવાન કેતનભાઈ દાણીએ પોતાના વક્તવ્યમાં સમાજમાં એકતા, પરિવારભાવના, આત્મીયતા તથા રાષ્ટ્રવાદ અંગે પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા હતા.
કાર્યક્રમના અંતે બહેનો, દીકરીઓ અને યુવાનો પરંપરાગત ગરબાના તાલે જુમી ઊઠ્યા હતા અને બાદમાં સૌએ ભોજન પ્રસાદીનો આનંદ માણ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપનાર તમામ વૈષ્ણવ સાધુ પરિવારજનોનો આયોજન સમિતિ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.
