જેસીઆઈ પોરબંદર દ્વારા મેગા રક્તદાન કેમ્પ યોજાયો :3 કલાકમાં 200 બોટલ બ્લડ એકત્રિત કરી દર્દીઓને જીવતદાન આપવા પ્રયાસ
કોરોના મહામારીના કારણે રકતદાન કેમ્પના આયોજનો ઓછા થયા હોવાથી પોરબંદર સહિત દેશભરમાં બ્લડની ખૂબ મોટી તંગી ઉભી થઈ છે, ત્યારે આ દર્દીઓની સેવા માટે જેસીઆઈ પોરબંદર પ્લસ દ્વારા મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
હાલમાં તમામ હોસ્પિટલોમાં દર્દીઓ લોહી માટે હેરાન પરેશાન છે, ત્યારે હવે કોરોના વેકસીન લીધા પછી અમુક સમય સુધી લોકો રક્તદાન કરી શકતા નથી, જેથી આગામી સમયમાં અત્યાર કરતાં પણ વધારે લોહીની તંગી સર્જાશે.
🩸🩸🩸
આથી બ્લડની તંગીની ઊભી થનાર પરિસ્થિતિની પુર્વ તૈયારી સ્વરૂપે જેસીઆઈ પોરબંદર પ્લસ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં પોરબંદરના યુવાનોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી ભાવસિંહજી હોસ્પિટલ તથા આશા ચિલ્ડ્રન હોસ્પિટલ એમ બંને બ્લડ બેંકોને ત્રણ કલાકના ટૂંકા સમયમાં 200 બોટલ બ્લડ એકત્રિત કરી આપવામાં આવ્યું હતું.
★ કલેકટરે જેસીઆઈ ટીમને આપ્યા અભિનંદન.
યોગ્ય અને ખાસ જરૂરિયાતના કપરા સમયે બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરવા બદલ જિલ્લા કલેકટર ડી.એન. મોદીએ જેસીઆઈ પોરબંદરની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
★ 40 ટકા રક્તદાતાઓએ પહેલી વખત બ્લડ ડોનેટ કર્યું.
જેસીઆઈ દ્વારા આયોજિત આ કેમ્પમાં 75 ડોનરોએ લાઈફમાં પ્રથમ વખત રક્તદાન કર્યું હતું. જેથી આપણા શહેરને આ કેમ્પના માધ્યમથી નવા રક્તદાતાઓ પણ મળ્યા કે જે યુવા ડોનરો રૂપી આપણું ગૌરવ વધ્યું છે.
★ રક્તદાતાઓનો આભાર
આવી વિકટ પરિસ્થિતિમાં પણ 200 બોટલ રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓનો જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયાએ આભાર વ્યક્ત કર્યો હતો.
આ કેમ્પને સફળ બનાવવા જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયા, પ્રમુખ હાર્દિક મોનાણી અને સેક્રેટરી રોનક દાસાણી અને ટીમના તમામ સભ્યોએ જહેમત ઉઠાવી હતી