લાખણશી ગોરાણીયાના જન્મ દિવસે રક્તદાન કેમ્પ યોજાયો
લાખણશી ગોરાણીયાના જન્મ દિવસે રક્તદાન કેમ્પ યોજાયો
રેડક્રોસ, જેસીઆઈ અને નવરંગ દ્વારા સેવાકાર્યથી સેલિબ્રેશન
◆◆◆◆◆◆◆◆◆◆
મોડીરાત સુધી મિત્રોએ રક્તદાન કરી મિત્રતા નિભાવી


પોરબંદર વિસ્તારમાં અનેક સામાજિક સંસ્થાઓનું નેતૃત્વ કરી રહેલા સેવાભાવી યુવાન લાખણશી ગોરાણીયાના જન્મ દિવસ નિમિત્તે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, જેસીઆઈ પોરબંદર પ્લસ અને નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન દ્વારા ગોઢાણીયા કોલેજ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં મોડીરાત સુધી લાખણશીભાઈના મિત્રોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી ખરા અર્થમાં જન્મ દિવસની અનોખી ભેટ આપી હતી.
■ મિત્રોએ રક્તદાન દ્વારા આપી જન્મ દિવસની ભેટ :
નૂતનવર્ષના તહેવારો અને વેકેશનના કારણે રક્તદાન કેમ્પોના આયોજન નહીં થયા હોવાથી ભાવસિંહજી હોસ્પિટલમાં બ્લડની ખૂબ અછત ઉભી થઈ હતી ત્યારે સરકારી હોસ્પિટલમાં બ્લડની જરૂરિયાત વાળા દર્દીઓને મદદરૂપ થવા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતા લાખણશીભાઈના મિત્રોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી જન્મ દિવસની અનોખી ભેટ આપતા રક્તની જોળી છલકાવી દીધી હતી.
વિશ્વની સૌથી મોટી માનવતાની સંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પોરબંદર જિલ્લા શાખાના ચેરમેન, વિશ્વ કક્ષાએ વ્યક્તિત્વ વિકાસ માટે કામ કરતી સંસ્થા જેસીઆઈ પોરબંદર પ્લસના સ્થાપક પ્રમુખ, વિવિધ ક્ષેત્રની કલાઓ અને સાહિત્ય માટે કામ કરતી સંસ્થા નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાનના પ્રમુખ, બરડા પ્રદેશના સામાજિક વિકાસ માટે કામ કરતી સંસ્થા બરડા સામાજિક વિકાસ સમિતિના ઉપપ્રમુખ, પોરબંદર જિલ્લાના શૈક્ષણિક વિકાસ માટે કામ કરતી સંસ્થા પોરબંદર જિલ્લા શાળા સંચાલક મંડળના મહામંત્રી, કોરોના સમયે લોકોને મદદરૂપ થવા રચાયેલી સંસ્થા કોવિડ હેલ્પ એસોસીએશનના સભ્ય, મેડિકલ કોલેજની રોગીકલ્યાણ સમિતિના સભ્ય આ ઉપરાંત પણ અન્ય કેટલીય સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા લાખણશી ગોરાણીયાનું સેવા ક્ષેત્રે ખૂબ જ મહત્વનું યોગદાન રહ્યું છે, ત્યારે તેમના જન્મ દિવસે મોડી રાત સુધી રક્તદાતાઓએ રક્તદાન માટે લાઇન લગાવી ખરા અર્થમાં મિત્રતા નિભાવી હતી.
■ મહાનુભાવોએ વિચારને બિરદાવ્યો :
સામાન્ય રીતે લોકો વિવિધ પ્રકારના સેલિબ્રેશન દ્વારા જન્મ દિવસ ઉજવતા હોય છે ત્યારે લાખણશી ગોરાણીયાએ દર્દીઓની સેવાના હેતુ સાથે રક્તદાન કેમ્પના આયોજનથી જન્મ દિવસ ઉજવવાના નિર્ણયને બિરદાવતા કેમ્પમાં ઉપસ્થિત મહાનુભાવોએ અભિનંદન આપી જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
■ રક્તદાતાઓનો આભાર માન્યો.
નવા વર્ષની શરૂઆતમાં દર્દીઓને મદદરૂપ બનવા જન્મ દિવસ નિમિત્તે આયોજિત રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓ અને આ કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવનાર પોરબંદર રેડક્રોસ સોસાયટી, જેસીઆઈ પોરબંદર અને નવરંગ સંસ્થાના તમામ સભ્યો તથા ભાવસિંહજી હોસ્પિટલ બ્લડબેંકના સ્ટાફનો લાખણશી ગોરાણીયાએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
