પોરબંદરના સાહિત્યકાર દુર્ગેશ ઓઝા 19 નવેમ્બરના રોજ DD ગિરનાર ચેનલ પર ચમકશે
“આપણા મહેમાન”– ટી.વી. શ્રેણી અંતર્ગત પોરબંદરના લેખક દુર્ગેશ ઓઝાની સાહિત્યિક મુલાકાત દૂરદર્શનની DD ગિરનાર ચેનલ પરથી તા.૧૯/૧૧/૨૦૨૪ના રોજ બપોરે દોઢથી બે વાગ્યા દરમિયાન પ્રસારિત થશે. આ ઇન્ટરવ્યૂનું સંચાલન કામ્યા ગોપલાણીએ કર્યું છે અને આ કાર્યક્રમનું નિર્માણ દૂરદર્શનના અધિકારી સલીમ સોમાણીએ કર્યું છે.
દૂરદર્શન કેન્દ્ર, રાજકોટ ખાતેના આ ઇન્ટરવ્યૂમાં સાહિત્યકાર દુર્ગેશ ઓઝાએ લઘુકથા, ટૂંકી વાર્તા, બાળવાર્તા વગેરે અંગે રસપ્રદ વાત કરી હતી. એમણે લેખન માટે વાંચન અને સંવેદના મહત્વનાં ગણાવ્યાં હતાં.
અહીં એ નોંધવું જોઈએ કે લઘુકથા, ટૂંકી વાર્તા, બાળવાર્તા, નાટક વગેરે મળી દુર્ગેશ ઓઝાએ ૨૭૫થી પણ વધુ કૃતિઓ રચી સાહિત્યજગતમાં ને વાચકોના હ્રદયમાં અનેરું સ્થાન – માન મેળવ્યું છે. એમની કૃતિઓ વિવિધ સામયિકો, સમાચારપત્રો, આકાશવાણી વગેરેમાં સ્થાન – માન પામતી રહે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર દ્વારા અંગ્રેજી માધ્યમ ધોરણ નવના ગુજરાતી પાઠ્યપુસ્તકમાં પોરબંદરના સાહિત્યકાર દુર્ગેશ ઓઝાની લઘુકથા “વારસાગત”નો
વર્ષ ૨૦૧૬થી સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ લેખકની લઘુકથા “સહજ” મહારાષ્ટ્ર રાજ્યના શિક્ષણના અભ્યાસક્રમમાં વર્ષ ૨૦૦૦માં સ્થાન પામી હતી.