મહાત્મા ગાંધીજીનું જીવન દર્શન આપણને રાષ્ટ્રની ઉન્નતિ માટે હર હંમેશ કાર્યરત રહેવાની પ્રેરણા આપે છે : રાજ્યપાલ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પોરબંદરમાં પૂજ્ય ગાંધીજીનાં જન્મસ્થાનની મુલાકાત લીધી


પોરબંદરના કીર્તિ મંદિર ખાતે શ્રદ્ધા સુમન અર્પણ કર્યાં
પોરબંદર,તા.૧૩:
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી પોરબંદર જિલ્લાની મુલાકાતે છે. તેઓએ પૂજ્ય ગાંધીજીનાં જન્મસ્થાન કીર્તિ મંદિરની મુલાકાત લીધી હતી અને પૂજ્ય બાપુને શ્રદ્ધા સુમન અર્પણ કર્યાં હતાં.
રાજ્યપાલશ્રીએ કીર્તિ મંદિરમાં પૂજ્ય ગાંધીજીનાં જન્મ કક્ષ, સંગ્રહ સ્થાન, ગાંધી હાટની મુલાકાત લઈ પૂજ્ય બાપુનાં સમયની ભારતીય સંસ્કૃતિને પ્રતિબિંબિત કરતી વ્યવસ્થાઓની દુર્લભ તસવીરો, બાપુનાં જીવન દર્શન પુસ્તકો નિહાળી ધન્યતા વ્યક્ત કરી હતી. કીર્તિ મંદિર સમિતિ દ્વારા પૂજ્ય બાપુનાં જન્મ સ્થળની વ્યવસ્થાઓ વિશે રાજ્યપાલશ્રીને વાકેફ કરવામાં આવ્યાં હતાં.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી હાલ સૌરાષ્ટ્ર-કચ્છનાં સીમાંત અને દરિયાઈ જિલ્લાઓની મુલાકાતે છે. પોરબંદરની મુલાકાત વેળાએ રાજ્યપાલએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના સમુદ્રી સરહદ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લેવાની પ્રેરણા આપી રહ્યા છે. આ મુલાકાતની સાથોસાથ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે તેમને માર્ગદર્શન આપવા પરિસંવાદો પણ યોજાઇ રહ્યા છે. ગુજરાતનાં ખેડૂતો વ્યાપક રીતે પ્રાકૃતિક ખેતી સાથે જોડાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રમાં પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મ તૈયાર થઈ રહ્યા છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપી રહ્યા છે. ગુજરાત પ્રાકૃતિક ખેતીમાં અગ્રેસર બને એ દિશામાં પ્રયાસો થઈ રહ્યા છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ માટે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ કીર્તિ મંદિરની મુલાકાત વેળાએ કહ્યું કે, મહાત્મા ગાંધીજીનું જીવન જ એમનો સંદેશ છે. તેઓ સદાય આપણને રાષ્ટ્રની ઉન્નતી માટે કર્તવ્યબદ્ધ રહેવાની પ્રેરણા આપે છે. ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ તરીકે સેવા કરવાનો અવસર મળ્યો અને હંમેશા ગાંધીજીનાં જીવન દર્શનનું અધ્યયન કરતાં આજે પૂજ્ય બાપુના જન્મ સ્થળની મુલાકાત લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, તેને મારું અહોભાગ્ય સમજુ છું.