પોરબંદર : માધવપુર લોકમેળો એક સાંસ્કૃતિક વિરાસત

ભગવાનના ત્રણ હાથ ઉપર, એક હાથ નીચે હોય તેવી દુર્લભ અને દિવ્ય મૂર્તિ ભારત ભરમાં એકમાત્ર માધવપુરના મંદિરમાં બિરાજમાન
૧૭મી સદીમાં પોરબંદરના મહારાણીએ બાંધ્યું નવું મંદિર
પોરબંદર, તા. ૦૧:પોરબંદરના માધવપુર ખાતે આયોજિત લોકમેળાને માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે અહીં પ્રતિ વર્ષે યોજનાર લોકમેળાની ભવ્યતાની વાત કરવામાં આવે તો માધવપુરમાં અતિ પૌરાણિક ઇતિહાસ ધરબાયેલો છે, મેળાની સાથે ભાવિકો આ ઇતિહાસને જાણવા અને માણવાનો પણ અનેરો લહાવો લેતા હોય છે.
સદીઓ જુના ઇતિહાસને વાગોળવામાં આવે તો દરિયામાંથી મળેલું ૧૧મી સદીનું મંદિર બહુ જર્જરીત થઈ ગયું હતું, સમય જતા ૧૭મી સદીમાં ૧૮૪૦માં પોરબંદરના મહારાણી રૂપાળીબાએ માધવરાયજીનું નવું મંદિર બંધાવી આપ્યું હતું. અને તેનો શિલાલેખ પણ અહીં જોવા મળે છે. જુના મંદિરમાંથી માધવરાયજી અને ત્રિકમરાયજીની મૂર્તિઓ નવા મંદિરમાં પધરાવવામાં આવી હતી. આ મૂર્તિઓ દુર્લભ અને દિવ્ય છે. ભગવાનના ત્રણ હાથ ઉપર અને એક હાથ નીચે છે. આવી મૂર્તિ ભારત વર્ષમાં બીજે ક્યાંય નથી એવી વૈષ્ણવ ભક્તોને શ્રદ્ધા છે.
આમ માધવપુરના લોકમેળામાં આવતા ભાવિકો માધવરાયજીના મંદિર ખાતે અન્ય ક્યાંય જોવા ન મળતી આ મૂર્તિના દર્શનનો લ્હાવો લઈ ધન્ય બને છે.