ડૉ.સવિતાદીદી એન. મહેતાના જીવન અને કાર્યને પુન: ઉજાગર કરવા ૩૦મી ઓગસ્ટના રોજ આર્યકન્યા ગુરુકુળમાં યોજાશે આંતરરાષ્ટ્રીય સેમીનાર

‘દ્વિતીય ઉષા’, ‘મૈતેયી જગોઈ હંજબી’(મણિપુરી નર્તન-ગુરૂ), ‘યોગ શીરોમણી’, ‘ચંદ્રપ્રભા’ ડૉ.સવિતાદીદી એન. મહેતાના જીવન અને કાર્યને પુન: ઉજાગર કરવા ૩૦મી ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ આર્યકન્યા ગુરુકુળમાં યોજાશે આંતરરાષ્ટ્રીય સેમીનાર.
નારી સ્વાતંત્ર્યના મશાલચી, સ્ત્રી શિક્ષણના પ્રસારક તથા પ્રયોગકર્તા, મણિપુરી નર્તનમાં સોલો (એકાકી) નૃત્યના પ્રયોગો કરનાર દેશની સૌપ્રથમ મહિલા, મહારાણી ધનમંજરી દ્વારા ‘દ્વિતીય ઉષા’, ‘નૃત્યરત્ન’, ‘જયપત્ર એવોર્ડ’થી સન્માનિત, મણિપુર દ્વારા પ્રતિષ્ઠિત ‘ચંદ્રપ્રભા’ બિરુદથી સન્માનિત, મણિપુરના મહારાજા સ્વ. બોધચંદ્રસિંઘ દ્વારા છેલ્લા બસો વર્ષમાં કોઈને એનાયત ન કરાઈ હોય એવી ‘મૈતેયી જગોઈ હંજબી’(મણિપુરી નર્તન-ગુરૂ)ની પદવી પ્રાપ્ત કરી મણિપુરી નૃત્યના ઉત્તમોત્તમ પુરસ્કૃતા તરીકેની સ્વીકૃતિ મેળવનાર. મણિપુરની શ્રી ગોવિંદજી મંદિરની બ્રહ્મસભા પાસેથી ‘નર્તનાચાર્ય’ની માસ્ટર ડિગ્રી મેળવનારા સર્વપ્રથમ ભારતીય. નવી દિલ્હીના બૃહદ મહારાષ્ટ્ર મંડલ દ્વારા મણિપુરીનૃત્ય અને સંસ્કારના ક્ષેત્રે ઉચ્ચપ્રદાન બદલ જેમનું બહુમાન થયું હોય તેવા તે એકમાત્ર બિનમહારાષ્ટ્રીયન. ગુજરાત રાજ્ય દ્વારા ‘વિશ્વ ગુર્જરી’ના પ્રતિષ્ઠિત એવોર્ડથી વિભૂષિત. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પોરબંદર આર્યકન્યા ગુરુકુળની તપોભૂમિ પર આવીને ડોક્ટર ઓફ લીટરેચરની પદવી એનાયત કરી જેમનું સન્માન કર્યું અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસીંઘ દ્વારા ‘યોગ શીરોમણી’ના ઈલ્કાબથી સન્માનિત વિદુષી એટલે ડૉ. સવિતાદીદી એન. મહેતા.
પોરબંદર અને ગુજરાતની ભૂમિને જેમની ઉપર હંમેશા ગૌરવ રહેશે તેવા; કલા અને સંગીતનો સમન્વય, પરમ્પરા અને પ્રયોગશીલતાની અનુયાયી, સંસ્કાર અને સંસ્કૃતિના હિમાયતી, વેદ અને ઉપનિષદના જ્ઞાતા, સ્ત્રી શિક્ષણ અને સંસ્કારના ઉપાસક ડૉ. સવિતાદીદી એન. મહેતાના સંદર્ભમાં ‘ધ લાઈફ એન્ડ વર્ક ઓફ પૂજ્ય ડૉ. સવિતાદીદી એન. મહેતા’ શીર્ષક હેઠળ આર્ય કન્યા વિદ્યાલય ટ્રસ્ટ સંચાલિત ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજમાં આગામી તારીખ ૩૦ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ આંતરરાષ્ટ્રીય સેમીનાર યોજાશે.
‘ધ લાઈફ એન્ડ વર્ક ઓફ પૂજ્ય ડૉ. સવિતાદીદી એન. મહેતા’ આંતરરાષ્ટ્રીય સેમીનારમાં ડૉ.સવિતાદીદી એન. મહેતાના જીવન અને કાર્યોની સ્મૃતિને પુન: વાગોળવા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ(ગુજરાત)ના વાઈસ ચાન્સેલર ડૉ. પ્રતાપસિંહ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિ રહેશે તો સંગીત નાટક અકાદમી, ન્યૂ દિલ્હીના ચેરમેન ડૉ. સંધ્યા પુરેચા મુખ્ય મહેમાન તરીકે સ્થાન શોભાવશે. જનાર્દન રાય નગર રાજસ્થાન વિદ્યાપીઠ, ઉદયપુરના ચાન્સેલર ડૉ.બળવંત જાની મુખ્ય વક્તાના રૂપમાં ડૉ. સવિતાદીદી એન. મહેતાની સ્મૃતિઓ ઉજાગર કરશે. માનદ મહેમાન તરીકે મણિપુર ઇમ્ફાલની સંસ્થા ધ મહારાજ કુમારી બીનોદીની દેવી ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ચેરમેન શ્રી સોમી રોયની વિશેષ ઉપસ્થિતિ રહેશે, તો લોકભારતી યુનિવર્સિટી, સાણોસરાના પૂર્વ વાઈસ ચાન્સેલર પ્રો.ભદ્રાયુ વચ્છરાજાની પણ સેમીનારની શોભા વધારશે. શ્રી શ્રી ૧૦૦૮, મહામંડલેશ્વર, બ્રહ્મર્ષિ, ગોપાલભૂષણ, સારસ્વત, સાહિત્યરત્ન એવા શ્રી નિરંજન રાજ્યગુરુની હાજરી અને ડૉ.સવિતાદીદી સાથેની તેમની સ્મૃતિઓ વિશ્વ સમક્ષ ડૉ.સવિતાદીદીની ઓળખને વધુ ઊંડી બનાવશે.
આ એક દિવસીય સેમીનાર કુલ ૮ ભાગમાં વહેંચાયેલો રહેશે. આ આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં દેશ-વિદેશના વિદ્વજનો અને વક્તાશ્રીઓ પોતાનું વક્તવ્ય રજૂ કરશે. પ્રથમ બેઠક ઉદ્ઘાટન બેઠક રહેશે જેમાં સુવિખ્યાત વિદ્વજનોની ઉપસ્થિતિ હશે. દ્વિતીય ભાગમાં પ્લેનરી સેશન-૧ રહેશે જેમાં શ્રી સોમી રોયની અધ્યક્ષતામાં આર્ય કન્યા ગુરુકુળના પૂર્વ પ્રિ.ડૉ. પુષ્પાબેન જોષી અને પ્રો. ભદ્રાયુ વચ્છરાજાની ડૉ. સવિતાદીદી એન. મહેતાને પોતાની સ્મૃતિ-શૈલીમાં અભિવ્યક્ત કરશે. ત્રીજા સેશનમાં અધ્યાપકો અને સંશોધકો રીસર્ચ પેપર પ્રેઝન્ટેશન કરશે તેના માટે કુલ ૫ વર્ગમાં પેરેલલ સેશન યોજાશે. ચેર અને કો.ચેર તરીકે પ્રો.ડૉ.કમલ મહેતા, પ્રો.રંજના હરીશ, ડૉ.મનીષ રાવલ, ડૉ.મિહિર દવે, પ્રો. રવિસિંહ ઝાલા, પ્રિ.ડૉ.કમલેશ બુધભટ્ટી, ડૉ.દિલીપ આશર, ડૉ. જીગર અભાની, ડૉ. આશિષ ગોરવાડીયા, ડૉ. પ્રશાંત મોથે, ડૉ.મુસ્તજીબ ખાન, ડો.સ્ટાર પાલ ઐયર, ડૉ.ગિરીશભાઈ ત્રિવેદી અધ્યક્ષ સ્થાન લેશે. ચોથા ભાગમાં ઓનલાઈન પ્લેનરી સેશન યોજાશે જ્યાં પોરબંદર જીલ્લાના પૂર્વ કલેકટરશ્રી આઇએએસ અશોક શર્મા અને યુકેથી બેવેર્લી સ્વેન ડૉ.સવિતાદીદી અંગેના પોતાના અનુભવો અને સંશોધનને અભિવ્યક્ત કરશે. આ બેઠક પ્રો. મુસ્તજીબ ખાનની અધ્યક્ષતામાં યોજાશે. પાંચમાં ભાગમાં વિદ્યાર્થીઓ રીસર્ચ પેપર પ્રેઝન્ટેશન કરશે તેના માટે કુલ ૫ વર્ગમાં પેરેલલ સેશન યોજાશે. છઠ્ઠા ભાગમાં પ્લેનરી સેશન યોજાશે જેમાં પ્રો.ભદ્રાયુ વચ્છરાજાનીની અધ્યક્ષતામાં પ્રો.ડૉ.કમલ મહેતા, પ્રો.રંજના હરીશ ડૉ.સવિતાદીદીના સંદર્ભમાં પોતાના અભ્યાસ વિચારોને રજૂ કરશે. સાતમાં ભાગમાં સમાપન બેઠક યોજાશે જેમાં શ્રી શ્રી ૧૦૦૮, મહામંડલેશ્વર શ્રી નિરંજન રાજ્યગુરુ ડૉ.સવિતાદીદી સાથેના પોતાના અમૂલ્ય અનુભવ અભ્યાસને વ્યક્ત કરશે આ સાથે સેમીનારમાં ઉપસ્થિત તમામ રિસોર્સ પર્સનનું સન્માન થશે. અને અહી આ જ બેઠકમાં સંશોધકોના સેમીનાર સંદર્ભે ભાવ-પ્રતિભાવ પણ વ્યક્ત થશે. આઠમાં ભાગમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે જેમાં ઈન્ટરનેશનલ ડાન્સ કાઉન્સિલ – સચિવાલયની (૨૦૧૪-૨૦૧૭) એક્ઝિક્યુટિવ કમિટીમાં ઉપ-પ્રમુખ, CCRTC મંત્રાલય – ભારત સરકારની પેનલમાં સ્થાન ધરાવનાર, શિક્ષક, કોરિયોગ્રાફર અને ક્યુરેટર, પ્રથમ આંતરરાષ્ટ્રીય નૃત્ય પરિષદના પ્રમુખ ગુરુ કલાશ્રી લતા સુરેન્દ્રજી (જ્ઞાતા, ભરત-નાટ્યમ. મુંબઈ) અને તેમનું ગૃપ (અનન્યા એમ. અય્યર, મેઘા. એમ. પિલ્લઈ, ગાયત્રી સુરેશ, તન્વી એન. દેહરેકર, આરોહી એન. દેહરેકર અને ઇનાયા ઈકબાલ મેરીકર )તેમના જ દ્વારા આયોજિત, દિગ્દર્શિક ડૉ.સવિતાદીદી એન. મહેતાના જીવનથી પ્રેરિત બૈલે કૃતિ ‘સાર્થકમ’ પ્રસ્તુત કરશે.
આર્યકન્યા વિદ્યાલય ટ્રસ્ટ અને ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનાં પ્રાંગણમાં આયોજિત આ સેમીનારમાં સંશોધકો દ્વારા અંદાજિત ૧૮૫ રિસર્ચ પેપર રજૂ થશે.
