દુલિપ મેદાનથી એશિયા કપ સુધી : પોરબંદરના આશિષ ઓડેદરાની સફર


(નિમેશ ગોંડલીયા )પોરબંદરના દુલિપ ક્રિકેટ મેદાનની ધૂળથી શરુ થયેલો એક યુવાન આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના મોટા મંચ સુધી પહોંચી ગયો છે. આશિષ ઓડેદરા – પોરબંદરનો આ ઓલરાઉન્ડર ખેલાડી હવે ઓમાનની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમનો ભાગ બનીને એશિયા કપમાં રમવા જઈ રહ્યો છે.
બાળપણથી જ ક્રિકેટ પ્રત્યે ઝુકાવ ધરાવતા આશિષે દુલિપ ક્રિકેટ સ્કૂલમાં તાલીમ મેળવી હતી. ત્યારબાદ પોરબંદર જિલ્લા ક્રિકેટ એસોસિએશન વતી અનેક ટુર્નામેન્ટ રમી અને સૌરાષ્ટ્રની અંડર–14, અંડર–17 તથા અંડર–19 ટીમમાં પોતાની પ્રતિભા દેખાડી હતી.
કાળક્રમે ઓમાનમાં સ્થાયી થયા બાદ પણ તેણે ક્રિકેટનો ધસારો ચાલુ રાખ્યો. સતત મહેનત, શ્રમ અને પ્રતિભાના આધારે તેને હવે ઓમાનની રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળ્યું છે. આવનારા એશિયા કપમાં તે પોતાના કાંડા અને કૌવતનું પ્રદર્શન કરશે.
પોરબંદરના ક્રિકેટપ્રેમીઓ માટે આ ગૌરવની ક્ષણ છે. શહેરના ખેલપ્રેમીઓએ આશિષને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી છે.
