પોરબંદર સાંદિપની વિદ્યાનિકેતનના શ્રી હરિ મંદિર માં શ્રીરામનવમી ઉત્સવ ઉજવાયો
તા. 21/04/2021
શ્રીહરિ મંદિરમાં રામનવમી ઉત્સવની પ્રેસ નોટ
પોરબંદર સાંદીપવિદ્યાનિકેતનના શ્રીહરિ મંદિરમાં આજે પૂજ્ય ભાઈશ્રીના સાનિધ્યમાં અનેરા ભક્તિસભર વાતાવરણમાં કોવિડ-19ની મર્યાદાઓને ધ્યાનમાં રાખીને અલ્પ સંખ્યક ગુરુજનો અને ઋષિકુમારોની ઉપસ્થિતિમાં હતો.
આજે રામનવમીના પાવન પ્રસંગે કોવિડ મહામારીને કારણે ભાવિકોની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં પૂજ્ય ભાઈશ્રીએ બાલકાંડની ચોપાઈઓનું ગાન અને સ્તુતિઓનું કરાવીને અવધ મેં આનંદ ભયો જય રામચંદ્ર કી ના નાદ-ઘોષ સાથે રામ પ્રાગટ્ય ને વધાવ્યું હતું. પૂજ્ય ભાઈશ્રી એ શ્રીરામચંદ્રની શાસ્ત્રોકત વિધિ મુજબ અભિષેક અને પૂજાવિધિ કરી હતી તો બીજી બાજુ સાંદીપનિના ઋષિકુમારો અને ભાવિકોએ એ સંકીર્તનના આનંદ અને ઉત્સાહ સાથે શ્રીરામ પ્રાગટ્યોત્સવની ઉજવણી કરી હતી.
પૂજ્ય ભાઇશ્રીનું પ્રવચન
પૂજ્ય ભાઇશ્રીએ વર્ચ્યુઅલી રીતે જોડાયેલા તમામ શ્રીરામ ભક્તોને અને તમામ હિન્દુ સનાતની પરંપરાના ભાવિકોને શ્રીરામ પ્રાગટ્યોત્સવની વધાઇઓ આપી હતી. તેઓએ આજના દિવસે આશીર્વચન આપતા કહ્યું કે શ્રીરામ સત્ય અને ધર્મના મૂર્તિમંત સ્વરૂપ છે. જ્યારે સત્યનો અને ધર્મનો સૂર્ય મધ્યાહનમાં તપી રહ્યો હોય ત્યારે એના પ્રકાશમાં સંપૂર્ણ વિશ્વ પ્રકાશિત થાય. આ ધર્મ અને સત્યનો પ્રેમપૂર્ણ પ્રકાશ સમગ્ર માનવજાતનું કલ્યાણ કરે. શાસ્ત્રોમાં કહ્યું છે કે “આરોગ્યં ભાસ્કરાદ્ ઈચ્છેત્” આરોગ્યની કામના ભગવાન ભુવન ભાસ્કર એટલે કે સૂર્યનારાયણથી કરવી જોઈએ. ભગવાન શ્રીરામ માત્ર સૂર્યવંશી નહીં પરંતુ સ્વયં સત્ય અને ધર્મના સૂર્ય છે. શ્રીરામ માત્ર ભવરોગને જ દૂર કરીને આધ્યાત્મિક આરોગ્ય પ્રદાન કરનારા જ નથી પરંતુ અત્યારે જે કોરોના વાયરસની મહામારી જે સંપૂર્ણ વિશ્વને પ્રભાવિત કરી રહી છે એ મહામારીથી પણ શ્રીરામ રૂપી સૂર્ય આપણને મુક્ત કરે અને બધા જલ્દીથી સ્વસ્થ થાય. આ રીતે સમગ્ર વિશ્વ માટે મંગલ પ્રાર્થનાની સાથે પૂજ્ય ભાઇશ્રીએ શ્રીહરિ મંદિરમાં સંપન્ન થઈ રહેલા રામ જન્મોત્સવના મુખ્ય મનોરથી શ્રીઇન્દિરાબેન મહેન્દ્રભાઇ પટેલ, નાઇરોબી અને સંપૂર્ણ વિશ્વના રઘુવંશી સમાજના ભાઈઓ બહેનો કે આપણી સાથે zoom ના માધ્યમથી વર્ચ્યુઅલી જોડાયેલા હતા તેઓ બધાનું સ્વાગત કરીને શ્રીરામ નવમીની ખૂબ ખૂબ વધાઇઓ આપી હતી
અંતમાં પૂજ્ય ભાઇશ્રી દ્વારા બાળસ્વરૂપ શ્રીરામજીની આરતી સંપન્ન થઇ. આ પ્રસંગે sandipani.tv અને zoomના માધ્યમથી અનેક ભાવિકો જોડાયા હતા અને ઉત્સવનો આનંદ લીધો હતો.