દેશભરમાં ઓક્સિજનની જરૂરિયાતની સમીક્ષા કરવા અને પુરવઠો વધારવા માટેના ઉપાયો અંગે ચર્ચા કરવા આજે એક ઉચ્ચ સ્તરીય બેઠક પ્રધાનમંત્રીના અધ્યક્ષપદે મળી
–
-પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિવિધ રાજ્યોમાં ઓક્સિજન પુરવઠાનું સરળ રીતે પરિવહન થાય તેની પર ભાર મુક્યો છે. દેશભરમાં ઓક્સિજનની જરૂરિયાતની સમીક્ષા કરવા અને પુરવઠો વધારવા માટેના ઉપાયો અંગે ચર્ચા કરવા આજે એક ઉચ્ચ સ્તરીય બેઠક પ્રધાનમંત્રીના અધ્યક્ષપદે મળી હતી. રાજ્યોમાં મેડિકલ ઓક્સિજનની દૈનિક 6 હજાર 785 મેટ્રિક ટનની 20 રાજ્યોની માંગ સામે, ગઈકાલથી ભારત સરકારે રાજ્યોને દરરોજ 6 હજાર 822 મેટ્રિક ટન ઓક્સીજન ફાળવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં, લિક્વિડ મેડિકલ ઓક્સિજનનો દરરોજ આશરે 3 હજાર 300 મેટ્રિક ટન જેટલો વધારો કરવામાં આવ્યો છે. ખાનગી અને જાહેર સ્ટીલ પ્લાન્ટ, ઉદ્યોગો, ઓક્સિજન ઉત્પાદકોના સહયોગથી તેમજ ઓક્સિજનના પુરવઠાના ઉદ્યોગો પર પ્રતિબંધ દ્વારા આ વધારો કરાયો છે. આ ઉપરાંત પરિવહન માટે નાઇટ્રોજન અને આર્ગોન ટેન્કરના રૂપાંતર, ટેન્કરોની આયાત અને ઉત્પાદન દ્વારા ટેન્કરની ઉપલબ્ધતા ઝડપથી વધારવા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે રેલવેની મદદથી ટેન્કરોનું ઝડપી અને લાંબા અંતર તરફ પરિવહન થઈ રહ્યું છે. આ બેઠકમાં કેબિનેટ સચિવ, પ્રધાનમંત્રીના અગ્ર સચિવ, ગૃહ, આરોગ્ય, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, માર્ગ પરિવહન મંત્રાલય, ફાર્માસ્યુટિકલ્સના સચિવો અને નીતી આયોગના અધિકારીઓ હાજર રહ્યા હતા.