પોરબંદર સમસ્ત ખવાસ જ્ઞાતિના યુવા અને મહિલા સંગઠન અંગે બેઠક મળી
પોરબંદર સમસ્ત ખવાસ જ્ઞાતિના વિકાસ માટે હવે યુવાનો અને મહિલાઓને સાથે રાખીને એક નવા સંગઠનની રચનાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્ઞાતિની વાડી ખાતે તાજેતરમાં જ એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટીંગ સમસ્ત પોરબંદર-છાંયા ખવાસ જ્ઞાતિના પ્રમુખ વજુભાઇ એરડાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. જેમાં યુવા સંગઠન અને મહિલા મંડળની રચનાના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. સમય સાથે તાલ મીલાવી અને ખવાસ જ્ઞાતિ પણ પ્રગતિના પંથે આગળ વધે તે દિશામાં આયોજન કરવામાં આવશે. આ મીટીંગમાં એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે જ્ઞાતિના યુવાનો સંગઠીત થઇ એક સંગઠન બનાવશે. જેના માધ્યમથી વર્ષ દરમિયાન જ્ઞાતિના સંત સિરોમણી દેશળભગત અને દેવુ ભગતની તિથિની ઉજવણી ભવ્ય રીતે કરવી. આ ઉપરાંત નવરાત્રી સહિતના દરેક ધાર્મિક તહેવારોની પણ હષોલ્લાસ સાથે જ્ઞાતિજનોને સાથે જોડી અને ઉજવણી કરવી. આ વર્ષે દેવુભગતની નિર્વાણતિથિની ઉજવણી પ્રસંગે શોભાયાત્રા અને આરતી સહિતના કાર્યક્રમો તેમજ જ્ઞાતિના તેજસ્વી તારલાઓને સન્માનીત કરવાનું પણ આયોજન કરવામાં આવ્્યું છે. આ સાથે જ્ઞાતિના બહેનો માટે મહિલા સંગઠનની રચના કરવામાં આવશે. આ મહિલા સંગઠન દ્વારા બહેનોના ઉત્કર્ષ માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. તદ્ઉપરાંત જ્ઞાતિની મહિલાઓ આત્મનિર્ભર બને તે દિશામાં પણ આ સંગઠન કામ કરશે. તેમજ જ્ઞાતિના યુવક-યુવતિઓના વેવિશાળ માટે પણ મહિલાઓ કાર્યરત રહેશે. સરકારની આયુષ્યમાનકાર્ડ, આવકના દાખલા, રેશનકાર્ડને લગતી કામગીરીમાં જ્ઞાતિજનોને મુશ્કેલી ન પડે તે માટે સમયાંતરે ખાસ કેમ્પનું પણ આયોજન કરવામાં આવે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જ્ઞાતિના દરેક કાર્યો અને ઉજવણીમાં દરેક જ્ઞાતિજન ઉત્સાહભેર ભાગ લે તેવી અપીલ પણ જ્ઞાતિના અગ્રણીઓએ કરી હતી. તેમજ જ્ઞાતિના વિવિધ યુવાનો અલગ અલગ પોસ્ટ ઉપર ફરજ બજાવી રહ્યાં છે તે તમામની એક યાદી બનાવી જ્ઞાતિના સભ્ય નોંધણી માટે નવા ફોર્મ ભરવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ મીટીંગમાં જ્ઞાતિના આગેવાનો અને યુવાનોએ સમાજના વિકાસ માટે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. આગામી ૧૦ જુલાઇને રવિવારના રોજ ફરી જ્ઞાતિની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરેક જ્ઞાતિજનો ઉપસ્થિત રહે તેવી અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમમાં સમસ્ત ખવાસ જ્ઞાતિના પ્રમુખ વજુભાઇ એરડા, પૂર્વ પ્રમુખ કરશનભાઇ ચૌહાણ, અરવિંદભાઇ ચૌહાણ, ઉપપ્રમુખ હરેશભાઇ બક્ષી, ગીરીશભાઇ પરમાર, દિનેશભાઇ પરમાર, ભાવેશભાઇ ચૌહાણ, સચીનભાઈ એરડા, વાળાભાઈ, ભાવિન ભાઈ પરમાર, રાજુભાઈ સોલંકી, રમણીકભાઈ, સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.