સરકારી વિનયન કોલેજ રાણાવાવ ખાતે કવિતાનો જલસો યોજાયો
તા. ૦૭/૦૧/૨૦૨૩ના રોજ સરકારી વિનયન કોલેજ રાણાવાવ ખાતે ‘કવિતાનો જલસો’ શીર્ષકથી કવિ સંમેલનું આયોજન કરવામાં આવ્યું હતું.
સરકારી વિનયન કોલેજ રાણાવાવ અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુકત ઉ૫ક્રમે કવિ સંમેલનનું આયોજન થયું હતું. આરંભે ડો. હીરજી સિંચે કાર્યક્રમની ભૂમિકા બાંઘી હતી. ત્યારબાદ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંઘીનગરથી ખાસ ઉ૫સ્થિત રહેલ મહામાત્રશ્રી જયેન્દ્રસિંહ જાદવે અકાદમીની વિવિધ પ્રવૃત્તિઓની વાત કરવાને બદલે કવિતાની સરસ ભૂમિકા રચી આપી હતી. આ ૫છી આચાર્યશ્રી ડો. કે. કે. બુદ્ઘભટ્ટી સાહેબે મહેમાનશ્રીઓનું સ્વાગત કર્યું હતુ. આ ૫છી કવિઓએ પોતાની કવિતાનો જલસો કરાવ્યો હતો.
કવિતાના આ જલસાનો પ્રારંભ કવિશ્રી સુનિલ ભિમાણીથી થયો હતો. પોરબંદરના આ કવિ પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. આ પછી રાજકોટથી આવેલ પોલીસકવિશ્રી નરેશ સોલંકી ધીમેધીમે કવિતાની નજીક ૫હોંચી શકતા થયા છે એવો અનુભવ એમની કવિતાથી થયો. કવિશ્રી કુલદી૫ કારિયા રોજબરોજની ઘટનાઓને આકર્ષક રીતે મૂકી શકવામાં કેવા સફળ છે એ માણવું એક લ્હાવો છે. હરજીવન દાફડા અમરેલી સાથે નાતો ધરાવે છે છતાં રમેશ પારેખના પ્રભાવમાં આવ્યા વિના એક નીજી ઓળખ ઊભી કરવામાં તેઓ સફળ રહ્યા છે. એમની કવિતા ’વાહ’ની નહિ પણ ’આહ‘ની છે. નીતિન વડગામા એક સફળ સંચાલકની સાથે સાથે એક ઉત્તમ કવિ છે એ હવે કહેવાની જરૂર રહેતી નથી. કવિશ્રી ઉર્વીશ વસાવડા જૂનાગઢ ઘરાનાના કવિ છે એટલે એમાં એક નોખો મિજાજ જોવા મળ્યો હતો. અંતે કવિશ્રી કૃષ્ણ દવેએ જે મોજ કરાવી છે એ શબ્દમાં વ્યક્ત ન થાય. આ મોજ જેણે માણી એ સર્વ ગદગદ થઈ ગયા. આ સર્વે કવિઓએ રજૂ કરેલ કવિતામાંથી જરા આચમન કરીએ.
‘ડૂસકાઓ ઓસર્યા છે લાકડાની પોલમાં
ઊધઈએ ઘર કર્યા છે લાકડાની પોલમાં’ – સુનિલ ભીમાણી
કોઈ ચપ્પુ મારતું‘તું કોઈને
એ જ ટી.વી. પર ચાલ્યા કરે – નરેશ સોલંકી
ઝાટક્યો ૫લંગ ત્યાં તરત બહાર નીકળ્યાં
ઓશીકાની ખોળમાંથી પણ વિચાર નીકળ્યાં – કુલદી૫ કારિયા
શબ્દમાં સમાય એમ નથી
મૌન ઝાઝું ખમાય એમ નથી – હરજીવન દાફડા
જાતમાંથી કંઈક જાતું હોય છે
આ બઘું ત્યારે લખાતું હોય છે – નીતિન વડગામા
મને ગમતી પ્રત્યેક ક્ષણ ગઝલમાં લઈને આવ્યો છું
ઘણી વાતો તમારી પણ ગઝલમાં લઈને આવ્યો છું – ઉર્વીશ વસાવડા
ઢેફું સમજીને તમે ફેંકી દ્યો ધૂળમાં કે સોનાના ત્રાજવે તોલો
અમને શું ફેર ૫ડે બોલો ? – કૃષ્ણ દવે
આ કવિ સંમેલનનું સંચાલન એમની આગવી અદામાં કવિશ્રી નીતિન વડગામાએ કર્યું હતું. આ કવિ સંમેલનના અધ્યક્ષ પોરબંદર જિલ્લા કલેકટરશ્રી અશોક શર્મા સાહેબ હતા. એમણે ૫ણ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી. એમણે કોલેજમાં ચાલતી આવી વિદ્યાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી અને રાણાવાવ કોલેજને અભિનંદન પાઠવ્યા હતા. નરોત્તમ ૫લાણ, ડો. સુરેશ ગાંધી, ડો. સુરેખા શાહ, ભરતભાઈ રાજાણી, પદુભાઈ રાયચુરા, રમણીકભાઈ ઝાપડિયા, ધર્મેન્દ્રભાઈ ચાવડા, મનોજ રાવલ સર્વે મહાનુભાવોની વિશેષ ઉ૫સ્થિતિથી આ કવિ સંમેલન સાર્થક થયું હતુ. આ સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્યશ્રી ડો. કે. કે. બુદ્ઘભટ્ટીના માર્ગદર્શન હેઠળ કવિ સંમેલનના સંયોજક ડો. હીરજી સિંચે કર્યું હતું.